આપણો ઘડીક સંગ/પ્રકરણ ૪

‘એય… શ્રીયુત… આપ જરા…’

અધ્યાત્મવિદ્યાસભાની એક ધ્યાનની બેઠકમાંથી સાથે છૂટા પડતાં બૂચસાહેબે પ્રો. ધૂર્જટિને ઉપર મુજબના ઉદ્ગારોથી પડકાર્યા અને તેમની નજીક જઈ કડક નમ્રતાપૂર્વક તેમણે પૂછ્યું, ‘માફ કરજો… પણ… આપને ક્યાંક જોયા છે!’

‘મને?’ પ્રોફેસરે ચમકીને પાછા ફરી જોયું, તો બૂચસાહેબની સહેજ પીળાશ પડતી આંખો પોતાની આરપાર ઊતરતી જતી હતી. ધૂર્જટિને આ સંવેદન જાણીતું લાગ્યું, ‘મને?’

‘જી, હા! તમને ક્યાંક જોયા છે!’ બૂચસાહેબે ફરીથી કહ્યું.

‘મને પણ લાગે છે કે મેં પણ તમને… નહિ તો તમારી આંખોને… ક્યાંક જોઈ છે.’

બૂચસાહેબ હેબતાઈ ગયા. ‘મારી આંખોને? આપની વાત આ જન્મ પૂરતી જ મર્યાદિત છેને?…’

‘સ્ટેશને!’ ધૂર્જટિને યાદ આવ્યું : ‘અરે હા! આપ અર્વાચીનાના પિતાજી તો નહિ?’

‘જી હા! હું એ જ! આપે ક્યાંથી ઓળખ્યો?’

‘તમારી આંખો પરથી. અર્વાચીનાની આંખો તમારા જેવી જ છે.’

‘આપ ત્યારે સ્ટેશને મળેલા પેલા પ્રોફેસર તો નહિ?’

‘જી હા… હું અર્વાચીનાનો પ્રોફેસર છું.’

‘ઘણી ખુશી થઈ. આપને આ મંડળના કાર્યમાં રસ છે તે જાણી બહુ આનંદ થયો.’ બૂચસાહેબે તે બન્ને જણા જે મંડળની — એટલે કે અધ્યાત્મવિદ્યાસભાની — બેઠકમાંથી પાછા ફરતા હતા તેનો નિર્દેશ કરતાં કહ્યું.

‘જી, હમણાંથી આવવા માંડ્યું છે.’

‘કોઈ વાર ઘેર આવો ને, પ્રોફેસર! અર્વાચીનાને પણ દોરવણી મળશે. તેનાં માતુશ્રી…’

‘એટલે કે તમારાં પત્ની, નહિ?’ પ્રોફેસરને યાદ આવ્યું, એટલે તેમણે આંખ મચકારી ચોખવટ કરી.

‘જી હા!… એટલે કે મારાં પત્ની.’ બૂચસાહેબને પ્રોફેસરનો આ સ્વભાવ બહુ જ ગમ્યો. ‘તમને પણ આનંદ થશે.’

‘આવીશ કોઈ વાર વળી.’ ધૂર્જટિએ કહ્યું.

‘એમ નહિ… આ રવિવારે જ આવો ને! જમવાનું આપણે ત્યાં જ રાખજો.’

‘પણ…’

‘પણ-બણ કાંઈ નહિ. ઠીક ત્યારે, આ રવિવારે…’

અને આમ કહી બૂચસાહેબ છૂટા પડ્યા.

*

રવિવારે સવારે અગિયારેક વાગ્યે પ્રોફેસર ધૂર્જટિ અર્વાચીનાને ત્યાં જમવા માટે આવી પહોંચ્યા. જમી-પરવારીને બધાં જ્યાં નિરાંતે બેઠાં કે તરત જ પોતાનાં માતુશ્રી મહેમાનને કોઈ પ્રશ્ન પૂછવાની અણી ઉપર છે એમ અર્વાચીનાને લાગ્યું, અને તેણે સમય સાચવી લીધો.

‘બા, દૂધ સગડી ઉપર રહી ગયું છે.’ તેણે અચાનક યાદ આવ્યું હોય તેમ કહ્યું.

‘જાઓ… દોડો… દોડો?!’ બાપુજી એકદમ તૂટી પડ્યા.

અર્વાચીના જાણતી હતી કે બાપુજીને કોઈ વાતનો વધુમાં વધુ વહેમ હોય તો તે ઊભરાતા દૂધનો.

અને અર્વાચીનાનાં માતુશ્રીની જીભને ટેરવે નાચતો પ્રશ્ન થીજી ગયો. તે રસોડામાં દોડી ગયાં. અર્વાચીનાએ ક્ષણભર નિરાંત અનુભવી. ત્યાં તો…

દાદરમાં એક સોનેરી વાળવાળું ઘાટીલું, મજાનું માથું દેખાયું, અને પછી તરત જ ઊગી આવ્યો તે વાળ નીચેનો એક રેશમી ચહેરો, જે પાડોશીના બાબા આનંદનો નીકળ્યો.

‘છે?’ તેણે અર્વાચીનાને સીધું જ પૂછ્યું.

‘છે… જો, આ રહ્યા.’ કહી અર્વાચીનાએ તેને પ્રોફેસર બતાવ્યા.

‘અમારે ત્યાં મહેમાન આવવાના છે, તે મારા માસ્તર છે, અને તે આવે તે વખતે તું આવજે, હું તારી ઓળખાણ કરાવીશ.’ એવું અર્વાચીનાએ આનંદને વચન આપેલું, તે પ્રમાણે તે આવ્યો હતો.

અર્વાચીનાએ ઓળખ આપી, એટલે પ્રોફેસર અને બાબો આનંદ બન્ને એકબીજાની સામે જોઈ રહ્યા, અને પછી બાબા આનંદે જ ‘બરફ ભાંગ્યો’. અને સાથે સાથે પ્રોફેસર પણ…

‘છોકરાં છે?’ તેણે લીલું-સૂકું જોયા વિના જ પ્રોફેસરને પૂછ્યું.

પ્રોફેસરને શું બોલવું તે સૂઝ્યું નહિ. તે જાણતા હતા કે આ કટોકટીમાં અર્વાચીના તરફ ફરવાનો કોઈ અર્થ ન હતો. બાબાનું કુતૂહલ સ્વાભાવિક હતું, પણ તેથી આગળ આ બાબતમાં બાબો કાંઈ સમજી શકે તેમ ન હતું, એટલે તેમણે અર્વાચીનાનાં મા તરફ ફરી કહ્યું.

‘બાબો સરસ છે, પણ…’

‘બાબો છે? ક્યાં છે?’ પ્રોફેસરના પેલા ભાંગ્યાતૂટ્યા શબ્દો સાંભળી દાદરમાં આનંદે નાચવા માંડ્યું. ધૂર્જટિને એ તાંડવ જેવું લાગ્યું. આનંદનો આ મૂળભૂત પ્રશ્ન પૂછવા પાછળનો હેતુ એટલો જ હતો કે મહેમાનની સાથે છોકરાં હોય, તો તેમની સાથે રમાય… અને તે સમજ્યો કે પ્રોફેસર પોતાને એમ કહે છે કે તેમને બાબો છે અને પાછો સરસ છે… એટલે તો…

આનંદની આ આનંદની ચિચિયારીઓની ઉપરવટ જઈ ધૂર્જટિએ અર્વાચીનાનાં માતુશ્રી માટે ચાલુ રાખ્યું : ‘મારો બાબો નહિ, પણ આ બાબો… દાદરવાળો…’

‘પણ તમારે બાબો છે કે નહિ?’ અર્વાચીનાનાં માતુશ્રીના મનમાં ઘણા વખતથી ઘોળાતો પ્રશ્ન આવા વિલક્ષણ રૂપે બહાર આવી રહ્યો. તેમને એ જાણવું હતું કે પ્રોફેસર પરણેલો છે કે નહિ.

‘જી… હું પરણ્યો જ નથી.’ પ્રોફેસરે છેવટે શરમાતાં શરમાતાં એકરાર કર્યો.

‘પણ બાબો તો છે ને? ક્યાં છે?’ આનંદ તો તેની મીઠી ભાષામાં પૂછ્યે જ ગયો.

*