આપણો ઘડીક સંગ/પ્રકરણ ૬

‘અરુને કોલેજમાં મૂક્યે એક વર્ષ તો પૂરું પણ થવા આવ્યું અને આવતે વર્ષે તો તે ઇન્ટરમાં આવશે.’ અર્વાચીનાનાં માતુશ્રી એક સવારે ચા પીતાં પીતાં બારી પાસેની પેલી ખુરશી ઉપરથી મોટેથી વિચાર કરતાં હોય તેવી રીતે બોલી ઊઠ્યાં… જેના જવાબમાં બાપુજીએ એટલું જ કહ્યું : ‘હા… બરાબર.’

‘બરાબર! શું?’

‘હેં?’

‘કહું છું, અરુ મોટી થઈ છે.’

‘એ તો થયા જ કરશે, એનો એ સ્વભાવ જ છે.’

‘પેલા અરુણ સાથે કરી દઈશું?’

‘આ બારી પાસેની ખુરશી જ લઈ લેવાની છું. જ્યારે આ બારી પાસે બેસે છે ત્યારે તરત જ તેમને પેલી, સામે ઘેર રહેતી, સગાઈ કરેલી રજની નજરે પડે છે, અને તેથી તેમનું મન બહેકે છે.’ અર્ચાવીનાએ માતુશ્રીને ‘ચલો–સગાઈ–કરો’ મિજાજમાં જોતાં જ નક્કી કરી, તે મુજબ જાહેરાત કરી.

‘અરુ!’ હવે માતુશ્રી ખુરશી જેટલાં જ ગંભીર હતાં.

‘જી!’

‘આમ આવ!’

‘આવી!’

‘બેસ!’

‘બોલો!’

‘હું તો તને પૂછવા માગું છું…’

‘કે?’

અને અહીં મા-દીકરીના સંવાદમાં બાપુજીએ વિધિસર ઈંટ રેડવી : ‘કે મારે અરુની સગાઈની જરા પણ ઉતાવળ નથી.’

‘હું પણ એ જ કહેવાની હતી, બા!’ અરુએ પણ ઉમેર્યું.

‘પણ આમ બધાંને ના ક્યાં સુધી પાડ્યે રાખવી છે?’ અર્વાચીનાનાં બાની મુશ્કેલી વાજબી હતી.

‘એ ગમે તેમ, પણ મારે અર્વાચીનાને ખૂબ ભણાવવી છે.’ બાપુજીએ એમની જૂની મહત્ત્વાકાંક્ષાને તાજી કરી.

‘પણ લગનની ક્યાં વાત કરું છું? સગાઈ ભણવામાં શું આડી આવશે?’

‘મારે પણ ભણવું જ છે, બા!’ અર્વાચીના નરમ બની ગઈ|

‘તું ગભરાઈશ નહિ! હું તારી બાને પહોંચીશ.’ બાપુજીએ તેને સાન્તવન આપ્યું.

‘પછી આ મોડું કરવાથી જે થાય તે સહન કરજો, બાપદીકરી!’ બાએ પરિસ્થિતિ સ્પષ્ટ કરી.

‘થવાનું શું હતું? મારી અરુ કાંઈ બીજી રખડેલ છોકરીઓ જેવી ઓછી જ છે?’

‘તેમાં હું અરુમાં ક્યાં અવિશ્વાસ કરું છું?’

‘ના, તમારા ભાઈની છોકરી જેવી હોય; આંતર…’

‘પપ્પા!’

‘હા… આંતરજ્ઞાતીય લગ્ન કરનારી, માથાની…’

‘મારા ભાઈની છોકરીની વાત નથી કરતી… પણ ત્યારે આપણી અરુની જવાબદારી તો ધ્યાનમાં રાખવી પડે ને?’ અને આટલું કહી, બાએ અર્વાચીનાને ચાનો પ્યાલો પાછો મૂકવા મોકલી, અને એ પછી કબાટ વગેરે સાફ કરવા કહ્યું.

પોતાના વિશે ‘લગ્ન’ શબ્દ સાંભળતાં જ અર્વાચીનાના અંતરપટ ઉપર એક અથવા બીજી રીતે ગૃહજીવન શબ્દશ: ઊપસી આવતું. ‘…પોતાના, બાપુજીના દીવાનખાનાને મળતો એક સરસ રૂમ, તેમાં પુસ્તકો, વાજિંત્રો, રેડિયો… કોઈ વાર ચાના પ્યાલા… છૂટા કાગળો… કોઈ વાર તે લખતા હોય.’ …આવા બધા આકારો રમી રહેતા. તે બધાય ઉપર એક નૈસગિર્ક, નિર્ભય ઇચ્છાની શીતળ છાયા રમતી રહેતી. આ અવસ્થામાં વિચારને અવકાશ જ ન હતો. તેના લોહીનો માત્ર લય બસ હતો. બહુ ઊડેથી સઢ ચઢાવીને એકાદ મીઠું નિ:શબ્દ સ્મિત મોં અને આંખો સુધી આવી, ત્યાં લાંગરી રહેતું. જે કોઈ પ્રવૃત્તિમાં હોય તેમાં તે એક વધુ ઉમળકા સાથે જોડાઈ રહેતી.

પણ આજે અચાનક જ તે ‘લગ્ન’ શબ્દે તેનામાં આવાં સ્વૈરવિહારી આવર્તનો રમતાં કરવાને બદલે તેને ક્ષણભર થંભાવી દીધી. તેણે આ અંદરનાં રોજનાં ચિત્રો ચેકી નાખવા એકદમ પ્રયત્ન કરવા માંડ્યો. તેનું મન વિક્ષિપ્ત થઈ રહ્યું. બીજી જ પળે તેણે પાછી પોતાની નૈસગિર્ક પ્રફુલ્લતા મેળવી લીધી, પણ કબાટ સાફ કરતાં તેનો હાથ સહેજ ધીમો ફરવા માંડ્યો…

કબાટમાંની શીશીઓ સાથે ‘લગ્ન’ શબ્દે વહેતી કરેલી, પ્રસારેલી પેલી મનની પ્રતિમાઓને પણ તેણે ખસેડી નાખી… ‘મારે ભણવું છે! અત્યારથી શું? બા પણ ખરી છે!…’

આવા અનેક તરંગો તેના જાગ્રત મનમાં ઊછળી રહ્યા… અને છતાંય ઊડે, પહેલી જ વાર, તેણે લગ્નની સાથે જ એક અવરોધ, વિરોધ, ઘર્ષણની લાગણી અનુભવી…

આ લાગણી કોને ઉદ્દેશીને હતી, તેનો તો તેને ખ્યાલ પણ ન આવે — જ્યારે એ લાગણી પોતે જ એક ઝીણા, વિસંવાદી સૂર રૂપે જ સંભળાતી હોય ત્યારે…

અને છતાંય અર્વાચીનાએ તેના ‘અહમ્’ને આજે પહેલી જ વાર અનુભવ્યું. આ ભાન તેને એટલું બધું કઠોર, નિષ્ઠુર, નવું લાગ્યું કે તેના ડંખને રૂઝવવા તે કબાટ સાફ કરવાનું બાકી જ રાખી બહારના ખંડમાં પાછી દોડી આવી.

આ બાજુ બા-બાપુજીની વાત ચાલુ જ હતી…

‘મને આ બહુ નથી ગમતું!’ સહેજ ગભરામણ સાથે બા બાપુજીને કહેતાં હતાં. બાની લાગણીઓ ખરેખર પ્રબળ બનતી ત્યારે, હવે તો ક્રમે ક્રમે કરમાતો, તેમનો ચહેરો ઘડીભર પાછો તેની જૂની છટા સાથે સમય સામે ટક્કર લઈ રહેતો. તેમની અણીશુદ્ધ આંખોનો આકાર હજુ એવો ને એવો હતો, જોકે તેમાંની ઉષ્મા સહેજ થીજેલી જણાતી. તેમના પ્રભાવપૂર્ણ કપાળની જમણી રેખા પર રમી રહેતી પેલી પહેલાંની તેજસ્વી લટો અત્યારે આથમતી જતી હતી. હવે તો આ બધી કળાઓ નમ્ર બનતી જતી હતી. તોપણ અર્વાચીનાનાં બાના અવાજમાં, તેમના આખાય અસ્તિત્વમાં અત્યારે પણ એક સ્વસ્થ, આકર્ષક શક્તિ હતી… આથી જ બૂચસાહેબ ચમક્યા.

‘શું નથી ગમતું?’ તેમણે પૂછ્યું.

‘બીજું તો કાંઈ નહિ…’ બા અચકાતાં’તાં : ‘પણ આ જુઓને…’ અને એમને અચકાતાં જોઈ બૂચસાહેબે મદદ કરી :

‘શું?’

‘આપણા પેલા અરુના સાહેબનો જ દાખલો લઈએ. ઘણી વાર આવે છે ને આપણે ત્યાં, એ.’

‘હં!’ બાપુજી વિચારમાં તો પડ્યા.

‘આમ તો બહુ નિખાલસ માણસ છે, સારા માણસ છે. હું તો આ એક દાખલો જ આપું છું કે હવે આમાં, આવામાં જ, અરુ કે પછી એ પોતે — બેમાંથી એકાદ પણ… કાંઈ ગેરસમજ થાય…’ બા ચિંતિત હતાં.

‘ના! ના! ના! તેવું કાંઈ નથી… બહુ સારા માણસ છે. ધૂર્જટિ માટે એવું હોય જ નહિ…’ બૂચસાહેબે કહ્યું.

‘એટલે મારું તો એ જ કહેવું છે કે બધું સમેસમું ઊતરે તો તો… એમાંય કાંઈ ખોટું નથી, લ્યો!… આ તો અરુનો મને વિચાર આવે છે.’ બાએ આ કહ્યું ત્યારે તેમના મોં ઉપરના ભાવ જોઈ બૂચસાહેબની એ માન્યતા દૃઢ થઈ કે કોઈ સામાન્ય સ્ત્રીને તો હજુય સમજાય, પણ એક વાર એની એ સ્ત્રી દીકરીની મા થઈ એટલે…

એટલામાં તો અર્વાચીના બહારના ખંડમાં, જ્યાં બા-બાપુજી બેઠાં હતાં, ત્યાં તો દોડી આવી, અને ખુરશીમાંથી ઊભાં થતાં બાના હાથમાં હાથ પરોવી એ ઊભી રહી ત્યારે જ તેને ‘હાશ’ થઈ. બધું પહેલાં જેવું લાગવા માંડ્યું.

*