ઇતરા/આ મધ્યાહ્ને
સુરેશ જોષી
આ મધ્યાહ્ને
મારી છાયાને
છેતરીને
હમણાં જ હું ભાગી છૂટ્યો છું.
પણ નમતે પહોરે મારી છાયા
એની કાયા
લંબાવી લંબાવીને મને શોધશે.
ત્યારે આંસુ ખેરવીને ચાડી ખાશો નહિ.
હૃદયનો પથરો અન્ધકારના પાતાળમાં બીકના માર્યા
ગબડાવી દેશો નહિ.
બે નિસાસાના ચકમક અને ગજવેલ ઘસીને
તણખાની આંખે મને શોધશો નહિ.
કૂવામાં ઊગી નીકળેલા પીપળાના મૂળ જેવી આંગળીઓને
શૂન્ય ઉચ્છ્વાસનું ગળું ટૂંપવા ભીડશો નહિ.
શિરાઓની બોડમાંથી અગ્નિફાળ ભરતી વાસનાઓને
મારી પાછળ દોડાવશો નહિ.
મારું પગેરું કાઢવાને
આંધળી સ્મૃતિઓને રઝળાવશો નહિ.
દુષ્કાળની નદીના રેતાળ પટ જેવા લલાટે
કંકુની ચણોઠી વાવશો નહિ.
બે આંખનાં ઝેરી પડીકાં ઘોળીઘોળીને
ચાંદાસૂરજને પીવડાવશો નહિ.
આ ચૈત્રની ચણચણતી બપોરે
તું તારા ઓરડામાં શાન્તિની સળ ગોઠવતી
બેઠી હોઈશ;
બહાર તળાવડીના કાચને સૂરજે મૂઠી મારીને
કચ્ચર કચ્ચર કરીને વેર્યો હશે,
નદીના ઘાટ પરના પથ્થર
શાપથી સળગતા મુખવાળા ઋષિઓની જેમ
ઊભા હશે;
કૂવામાંનો અન્ધકાર જીભ કાઢીને
જળના વક્ષ:સ્થળને ચાટતો હશે;
કાચીંડો કીડીના પડછાયાનું માપ કાઢતો
બેઠો હશે,
પવન દરમાંના નાગની મૂછને ફરકાવવાનો
વૃથા પ્રયત્ન કરતો હશે;
કેટલીય મીણની પૂતળીઓ, કોણ જાણે શા સારુ,
તપ કરીને અંગ ઓગાળતી હશે;
ત્યારે (તું ચમકી નહિ ઊઠે તો કહું)
હું તારા પાલવની છાયામાં જ પોઢ્યો હોઈશ.
કહે તો,
ક્યાં રહે છે મારી છાયા?
હે અસૂર્યમ્પશ્યા,
મારા છાયાસ્પર્શે હજી તને થાય છે રોમાંચ?
એને તારી કાજળરેખનું આશ્વાસન આપીને
તારી આંખના સૂના આકાશમાં રઝળાવીશ નહિ.
એને તારી પક્ષ્મોના છાયાતન્તુમાં
માછલીની જેમ તડફડાવીશ નહિ.
હિમયુગની ધ્રુવરાત્રિના અન્ધકારના સહોદર
તારા ગર્ભાશયના અન્ધકારમાં એને ઉછેરીશ નહિ.
તારા કાળા કેશના અગ્નિની વહ્નિફણાના ફુત્કારથી
એને ભડકાવીશ નહિ.
તારી છાયા સાથેના આલંગિનનું પ્રલોભન દઈ
એને ભ્રાન્તિમાં રાખીશ નહિ.
બાળકના ગાલે કરેલા વ્હાલના કાજળટપકામાં,
પ્રિયતમને પ્રથમ દૃષ્ટિએ ઘૂંટીઘૂંટીને જોતી આંખોની કાળાશમાં,
કોઈ વન્ય ફળની કાળવી મીઠાશમાં,
અથવા તો
અન્યમનસ્કા પત્રલેખાના હાથમાંની કલમમાંથી
ટપકતી સાહીના બિન્દુમાં
ક્રીડાતુર પ્રણયીઓએ બુઝાવી નાખેલા નિર્લજ્જ દીપની
નાસી છૂટતી ધૂમ્રરેખામાં
એને લપાઈ જવાનું નહિ કહે?
ના, હજી હું બહુ દૂર ગયો નથી.
તારા ઓરડાની બહારનો તડકો
હજી મને લેપી દે છે તારા ગાલ પર;
તારી આંખના એક નિમેષને બીજા નિમેષ સુધી જતાં
હજી જવું પડે છે મને ઠેકીને;
તારાં આંસુના ઘુમ્મટોને આધાર આપે છે
મારી પોલાદી વેદનાની કમાનો;
હજી તારી ઢીંગલીઓને અંગેથી તેં નથી ઉતારી લીધા
મારાં સ્વપ્નોનાં ચીંથરાંનાં રંગીન વાઘા;
હજી મારા નામના અક્ષરો વેરાયેલા પડ્યા છે
તેં જતનથી રચેલા ફૂલનાં ગુચ્છોમાં;
હજી તારા બે બાહુના ખણ્ડિત વર્તુળને
સાંધે છે મારી દૃષ્ટિરેખા;
હજી તારા સુવર્ણવલયમાં અનેક સૂર્યશિશુઓ સાથે
હું ય ખેલું છું સૂર્યશિશુ થઈને;
તારા અન્ધકારની અબનૂસ કાયા પર
સોનેરી છૂંદણાં ત્રોફું છું આગિયો થઈને;
તારી આંખનાં કાળાં ભમ્મર જળમાં
તરું છું ફોસ્ફરસની શિખા થઈને;
તારા ઉચ્છ્વાસે ઉચ્છ્વાસે ઓગળતો જાઉં છું
કપૂર થઈને;
તો ય હજી હું બહુ દૂર નથી ગયો.
હું જાણું છું;
પવનના હોઠ ચૂમીને તું મારા હોઠના સ્પર્શને
હજી શોધે છે;
તારો જ પડછાયો મારું રૂપ ધરીને
તને હજી ચમકાવી દે છે;
તારા જ ઉચ્છ્વાસમાં મારા ઉચ્છ્વાસનો સંકેત પામીને
તારી ગ્રીવાની રૂવાંટી ફરકી રહે છે.
તારા જ ચરણોના લયમાં મારા પદધ્વનિને
ગૂંચવી દઈને તું સ્તબ્ધ બની ઊભી રહી જાય છે.
મારા શબ્દો ભેગા વણાઈ ગયેલા તારા મૌનના તન્તુને
હજી તું ઊતરડી રહી છે.
તારા અન્ધકારને અંગે ન્હોર ભરીને એને
મારા અન્ધકારથી અળગો કરવા મથી રહી છે.
સાત સાગર ને સાત પર્વત પાર ઊડી ગયેલા મારા
મરણના પાંખાળા ઘોડાના ભણકારા તું કાન માંડીને
તારી નાડીમાં હજી સાંભળી રહી છે.
આપણે બંનેએ ભેગા મળીને રચેલું માયાવી જૂઠાણું
સૂરજ એના તેજાબી હાથે ઘસીને માંજી નાખે
તે પહેલાં એને મારા નામનો કાટ ચઢાવી દેજે.
બધિર પવન અને અન્ધ આકાશની સાક્ષીએ
કાઢેલો પ્રથમ પ્રણયોદ્ગાર
ફરી ફરી વસન્તે
કળીએ કળીએ
ખીલી ઊઠે તે પહેલાં
તારી ભડકે બળતી દૃષ્ટિની આંચથી એને સળગાવી દેજે.
છલનાના પાત્રમાંનું તારું એકાદ ચાંગળું સ્મિત
મારા મરણવૃક્ષની ડાળે ટહુકી ઊઠે
તો તારા મૌનનો પથ્થર ફેંકીને એને ઉડાડી મૂકજે.
હજી ય કદીક જો મારા સ્પર્શનું મહુવર બજી ઊઠે
તો તારી શિરાએ શિરાએ સૂતેલી સપિર્ણીઓને
હૃદયના ઊંડા અંધારા દરમાં પૂરી દેજે.
તું કયા સ્વર્ગની આશાએ
હજી સોમવારના વ્રતની કથા વાંચતી બેઠી છે?
અહીં આવીને મેં જોયું છે:
ઘરડો સૂરજ એની પાંપણ પણ પલકાવી શકતો નથી,
એની આંખોને ઘડીભર બંધ કરવા એ વિનવી રહ્યો છે.
ચન્દ્રને તો અવળે ગધેડે બેસાડીને
મોઢું કાળું કરીને
ક્યારનો ય દેશવટો દઈ દીધો છે.
આકાશનું પોલું ઢોલ બહેરો પવન વગાડ્યા કરે છે,
ભગવાન સિંહાસન પરથી ઊઠીને ક્યારના ય જતા રહ્યા છે
તેની એને ખબર નથી!
અગ્નિ સદા જીભ પટપટાવીને ખુશામત કરે છે.
શા માટે તેની ય એને સુધ નથી.
સદાના આંધળાની બંધિયાર દૃષ્ટિ જેવું આ જળ
ભક્તિભાવે કોઈકનાં ચરણ પખાળી રહ્યું છે
એવી ભ્રાન્તિમાં શીતળ છે.
વૃદ્ધાની યોનિ જેવો આ અન્ધકાર
કોઈ રહસ્યમાં પ્રવેશવાનું સિંહદ્વાર નથી.
કટાઈ ગયેલા સિક્કાની જેમ મેં ફગાવી દીધેલો સમય
હવે તું આંસુથી ધોવા બેઠી છે?
પથ્થરની ગુપ્ત શિરાઓમાં ગુંજતા મારા લોહીને
તું હજી તારા સ્પર્શથી છંછેડશે?
દર્પણને સોંપેલા મારા પારદર્શી શૂન્ય પર
તું તારા પ્રતિબિમ્બનો પહેરો ગોઠવશે?
તારા શહેરનાં પૂતળાંઓ વચ્ચે વહેંચી આપેલી
મારી અમરતા
તું તારા અસ્થિમાં કંડારી લેશે?
ઉડાઉ પવનને ખેરાત કરેલી મારી હયાતી
તું તારા માદળિયામાં સંભરી લેશે?
મારા મરણના પરિપક્વ ફળને ય તું
તારા દન્તદંશથી કોરી નાખવાની હામ ભીડશે?
સમ્ભવ છે કે મારા એકાન્તનો એક છેડો
હજી તારા આંસુના કિનારાને અડીને પડ્યો હોય;
મારા શબ્દનો પાછો નહિ વળી શકેલો એકાદ પડઘો
તારા મૌન સાથે માથું પટકતો હોય;
તેં સ્વેચ્છાએ વિખેરેલી મારા હાસ્યની એકાદ પાંખડી
હજી તારા હોઠને વળગી રહી હોય;
મારા નામની એકાદ ખરવી બાકી રહેલી કાંકરી
હજી તારી આંખમાં ખૂંચતી હોય;
તારી સ્મૃતિના રેતાળ રણમાં
હજી મારી એકાદ પગલી ભૂંસવી બાકી રહી ગઈ હોય;
મૃત્યુના સહસ્રછિદ્ર પાત્રમાંથી પડી ગયેલી
મારી એકાદ ક્ષણની
હજી તને ઠોકર વાગતી હોય.
હવે
હું તારા સ્વપ્નના મહાલયમાં બાદશાહી ઠાઠથી રહું છું.
તારા શ્વાસની વીથિકાઓમાં હું લટાર મારવા નીકળું છું.
મૃગજળના સાગરનાં મોતી
ને પ્રવાલદ્વીપની રાજકન્યાના અધર પરનું સ્મિત
તને નજરાણામાં ધરું છું.
મહાનગરોની નિર્જનતાને તારા પ્રશસ્ત લલાટ પર
રઝળતી મૂકું છું.
બે શબ્દો વચ્ચેના અન્ધકારને
તારા ગાલ પરના તલમાં ઠાંસીને ભરું છું.
ખંડિયેર વચ્ચે ફરતા સાપની જેમ
હું તારી શિરાએ શિરાએ ફરું છું.
તારાં તૂટેલાં સ્વપ્નોનાં અડાબીડ અરણ્યમાં
હું હિંસક પશુની જેમ લપાઈને રહું છું.
મારા મરણના અગ્નિવસ્ત્રથી
તારી લજ્જા ઢાંકતો રહું છું.
માર્ચ: 1964