ઇતરા/ઓરડામાં દાખલ થતાંવેંત


ઓરડામાં દાખલ થતાંવેંત

સુરેશ જોષી

ઓરડામાં દાખલ થતાંવેંત
ભાંગું છું શાન્તિનાં હાડ
દર્પણની છાતીમાં હુલાવી દઉં છું
મારા પ્રતિબિમ્બની અણી
ઊડાઊડ કરી મૂકતાં ક્ષણનાં પતંગિયાઓને
વીંધું છું નાડીના તીક્ષ્ણ ધબકારે
દીવાલ સાથે ચપટા બનીને ચોંટેલા અન્ધકારને
ચોટલી બાંધીને ટંગાિડી દઉં છું વળીએ
ત્યાં ચોર પગલે પ્રવેશે છે ચન્દ્રનું ખડી રંગનું પ્રેત
એને પડકારીને શરૂ કરી દઉં છું દ્વન્દ્વ યુદ્ધ.

જાન્યુઆરી: 1967