ઇતિ મે મતિ/આન્તરપ્રતીતિનું પ્રામાણ્ય


આન્તરપ્રતીતિનું પ્રામાણ્ય

સુરેશ જોષી

હું સ્વતન્ત્ર છું, હું વ્યક્તિમત્તાનું ગૌરવ કરું છું એમ કહેવાનો અર્થ શો છે? મારા પર સમાજ તરફથી, ધર્મ તરફથી, રાજસત્તા તરફથી કેટલી જાતનાં પ્રકટ-અપ્રકટ દબાણો આવ્યા કરે છે. મારી પ્રતીતિ પ્રમાણે વર્તવામાં અન્તરાય ઊભા થતા રહે છે. બુદ્ધિશીલો પ્રામાણિક નથી રહી શકતા. એમના યોગક્ષેમનું વહન કરવાની ચિન્તા એમને સતાવતી રહે છે. સમાજ જે પ્રતિષ્ઠા આપે તેને જતી કરવાનું એમને પરવડતું નથી. નાનાં નાનાં સમાધાનોથી શરૂઆત થાય છે. પછી ધીમે ધીમે અપ્રામાણિકતાની માત્રા વધતી જાય છે. મેં સ્વીકારેલું જીવનધોરણ હું છોડવા તૈયાર નથી. સુખસગવડ વગર મને ચાલતું નથી. મારે કુટુમ્બ છે જે મારા પર આધાર રાખીને જીવે છે. મારું કોઈ પણ પગલું એ બધાંના ભાવિ પર અસર પાડે છે. આથી હું જે લાચારીથી કરું છું તેને સદ્ગુણને નામે ખપાવવા ઇચ્છું છું. વફાદારી, સ્વાર્પણ, અહંકારનો ત્યાગ, નમ્રતા – આ દુર્ગુણો પર લગાડેલાં મોહક લેબલ માત્ર છે.

મારી આન્તરિક પ્રતીતિ પણ અવિકારી અને અપરિવર્તનશીલ નથી. હું એને આખરી માનીને વર્તું તોય મારી જાતને જ અન્યાય કરી બેસું. જગતને મૂંઝવતા બધા પ્રશ્નો વિશે ચિન્તકોએ આટલું બધું વિચાર્યું છે. આ બધું મને સુલભ છે. એની મદદથી હું મારી સમસ્યાને સમજી શકું છું. આમ છતાં જ્યારે વર્તન પરત્વેનો નિર્ણય લેવાનો આવે છે ત્યારે સત્યનિષ્ઠા, પ્રામાણિકતા કે મારી બૌદ્ધિક પ્રતીતિઓને હું વશ વર્તું છું એવું બનતું નથી. આ મારી નિર્બળતા બીજાઓમાં પણ હું જોઉં છું ને એથી હું મન સાથે સમાધાન કરી લઉં છું. આ કાંઈ સત્યયુગ નથી, જીવવું હોય તો બધું કરવું પડે.

નેતાઓ, શાસકો, રાજકારણીઓ માનવીની આ નિર્બળતાનો ગેરલાભ આનન્દપૂર્વક ઉઠાવે છે. હું જ્યાં કામ કરતો હોઉં છું ત્યાં મહત્ત્વના નિર્ણયો લેવાની બધી જ સત્તા બીજા કોઈકના હાથમાં હોય છે. છતાં બધી જવાબદારી મારી હોય છે. આથી પળે પળે ‘ઉપરીની નજરે હું દોષિત તો નથી ને!’ એવી ચિન્તા મને સતાવ્યા કરે છે. બીજો ઉચાટ એ રહે છે કે મારું ચિન્તન વિશદ હોય, શું કરવું જોઈએ તે હું સમજતો હોઉં, એટલું જ નહિ એ કરવાની મારી શક્તિ મારામાં હોય તેમ છતાં હું કશું કરી શકતો નથી.

ભૌતિક સુખસગવડનો થોડો સરખો અભાવ પણ સહી શકવાની આપણામાં શક્તિ હોતી નથી. આથી એ જાળવી રાખવા માટે જે કરવું પડે તે કરવા આપણે તૈયાર થઈ જઈએ છીએ. નીચલા થર પરથી મધ્યમ વર્ગના ઉપલા થર પર એક વાર પહોંચી જાઉં પછી રોટરી, લાયન, બિઝનેસ કોન્ટેક્ટ્સનાં ચક્કરમાં પડવાનું થાય. પછી અમુક સ્તરના લોકોમાં જ હું હરું ફરું, એમની બધી નિર્બળતાઓનું હું અનુકરણ કરું. મારી ભાષા એમના પ્રભાવથી ઘડાય; હું સંગીતના સમારમ્ભોમાં જાઉં, નૃત્યો જોઉં – ટૂંકમાં સુખીસમ્પન્ન લોકો જે કરતા હોય તે જ કરતો થઈ જાઉં. એકાદ ચિત્રકળાના પ્રદર્શનનું ઉદ્ઘાટન પણ કરું, પણ હું જાણતો હોઉં કે એમાં મારી પહોંચ કશી જ ન હોય. સમાજમાં ‘સફળ’ બનીને ‘ઉન્નતિ’ની સોપાનપરમ્પરા ચઢ્યે જનારાઓની એક કાવતરાંખોર ટોળી કામ કરતી હોય છે. એમનો આશ્રય મળવાથી જ પછી કૃતાર્થતા અનુભવાય છે.

લોકસેવાની સંસ્થાઓમાં પણ દરજ્જા અને પ્રતિષ્ઠા માટેની સ્પર્ધા મેં જોઈ છે. કોઈની શક્તિ પારખીને એને ઉચિત કાર્યક્ષેત્ર તથા પહેલ કરવાની છૂટ આપવાનું આ સમાજ શીખ્યો નથી. આ સમાજ ધન, દરજ્જો ને પ્રતિષ્ઠાની, સુખવૈભવની લૂંટાલૂંટમાં રાચનારો સમાજ છે. સાચાજૂઠાનો વિવેક કરવાની એને ફુરસદ ક્યાં છે? છતાં સત્યનું નામ લેવાથી હેતુ સિદ્ધ થતો હોય તો એ જરૂર લેશે.

આથી એરિક ફ્રોમ ‘આઇડિયલ’ અને ‘પેથેલોજિકલ એઇમ’ વચ્ચે વિવેક કરવાનું કહે છે. સુખેષણાથી, સ્પર્ધાથી, ચિન્તાથી હું જે સ્વીકારું તે આદર્શ નથી. આ બધી મર્યાદાઓને ઉલ્લંઘી જવાનો પુરુષાર્થ કરવા હું તૈયાર નથી. સ્વતન્ત્ર કોણ? જે સહેલાઈથી કશાને તાબે નથી થતો તે, શરણે નથી જતો તે. તો જે સ્વતન્ત્ર હોય તે કોઈ જાતનો ત્યાગ કે સ્વાર્પણ કરે જ નહિ? સ્વતન્ત્રતાને ખાતર બલિદાન દેનારનું શું? ફાસીવાદીઓએ પ્રજાને ખાતર અમુક ત્યાગ કરવાનું કહ્યું, એમાં સૌથી પ્રથમ ત્યાગ તે પોતાની બુદ્ધિશક્તિથી વિચારવાના વલણનો ત્યાગ. સરમુખત્યારો વફાદારી ઇચ્છે છે, એ તમારી બધી જ જવાબદારી એમને માથે લઈ લે છે. પછી તમારે વિચારવાનો શ્રમ શા માટે કરવો જોઈએ?

આપણે મન સ્વતન્ત્રતાના બે અર્થ છે : એક તો એ કે આપણે પરમ્પરાગત શાસન ચલાવનારાં બળોથી મુક્ત થયા છીએ. એ રાજસત્તા હોય કે ધર્મ હોય આટલું બને તો જ મારી વ્યક્તિમત્તાને કશું ગૌરવ પ્રાપ્ત થાય. એનો બીજો અર્થ એ કે હું મારામાં બધી સમ્ભાવનાઓને નિર્બાધ સિદ્ધ કરી શકું છું, સહજ રીતે સક્રિય બનીને જીવી શકું છું. પણ જે સ્વતન્ત્રતા સ્વીકારે છે તે સમૂહ પાસેથી પોતાના નિર્ણયની સંમતિની અપેક્ષા રાખતો નથી. એ અળગો પડી જાય છે. સમૂહમાંથી જે આધાર કે બળ પ્રાપ્ત થાય છે તે એ પામી શકતો નથી. આખરે એ પોતાની બહાર રહેલા કશાક આશયનું સાધન બની રહે છે, પોતાનાથી અને બીજાથી અળગો પડી જાય છે. એનું સ્વત્વ ક્ષીણ થતું જાય છે. એ સહેલાઈથી ભયભીત થઈ જાય છે. એને સરમુખત્યારના સંરક્ષણની જરૂર પડે છે. આથી સ્વતન્ત્રતાને ફગાવીને એ તરત જ નવા પ્રકારનાં બન્ધનને સ્વીકારી લેવા તત્પર બને છે. સ્વતન્ત્રતા જાણે ક્રિયાશીલ બનીને એના વિરુદ્ધ અન્તિમે આપણને ઢસડી જાય છે!

આજની સાંસ્કૃતિક અને રાજકીય કટોકટીનું કારણ તે વ્યક્તિમત્તાની ભાવનાનો અતિરેક નથી, પણ હવે આ વ્યક્તિમત્તા તે એક ઠાલી વસ્તુ છે એવી આપણી માન્યતા છે. જે સમાજમાં વ્યક્તિ, એનો વિકાસ અને એનું સુખ સંસ્કૃતિનું લક્ષ્ય બને, જેમાં જીવનને સફળતા કે એવા કશાનો એને સાભિપ્રાય ઠરાવવા આધાર લેવો નહિ પડે, જેમાં વ્યક્તિને એની બહારના કશા બળને વશ વર્તીને રહેવાનું નહિ હોય, એ બળ રાજસત્તા હોય કે અર્થતન્ત્ર હોય, જે સમાજમાં વ્યક્તિનો અન્તરાત્મા અને એના આદર્શો બહારની માગનાં આન્તરિક રૂપ નહિ હોય, પણ ખરેખર એ એનાં પોતાનાં હોય અને એનાં સ્વત્વમાંથી જ ઉદ્ભવતાં હોય, તે સમાજ લોકશાહીને સફળ બનાવી શકે, આજના તકસાધુઓ નહિ!

30-5-80