ઇતિ મે મતિ/કરોડપતિ


કરોડપતિ

સુરેશ જોષી

બાળપણમાં મારા દાદાના મૌનથી ઘરનો અવકાશ જાણે ખૂબ વિશાળ થઈ જતો. એ વિશાળ અવકાશનો સ્પર્શ હજી હું અનુભવું છું. આથી કોઈક વાર અનેક અવાજોથી ખીચોખીચ ભરેલા અવકાશમાં હું રૂંધામણ અનુભવું છું. વાતો કરવી ને વાતો સાંભળવી ગમે છે, પણ તે જૂથની નહીં. બે માણસ વચ્ચે ચાલતી વાતનો જ રસ છે. ઘણા ભેગા થયા હોય ત્યાં આપોઆપ હું મૌન સેવું છું. કેટલીક વાર મૌન ઘેરું બનીને પથ્થર જેવું કઠણ થઈ જાય છે. પછી બોલતી વેળાએ શબ્દ એમાંથી કોતરી કાઢવો પડે છે. અનેક પ્રકારના નિરર્થક વાર્તાલાપ વચ્ચે બેઠો હોઉં છું ત્યારે મારું મન એ બધામાંથી છટકી જઈને કોઈ કવિની ખૂબ પ્રિય પંક્તિઓ શોધીને એમાં રમમાણ થઈ રહે છે. ગમ્ભીર મુખમુદ્રાવાળા, હોઠને સખ્ત બીડી રાખનારા, આંખોને ઊલટતપાસ લેતા હોય એમ ફેરવનારા લોકોથી હું અકળાઈ જઉં છું. અવાજમાં આત્મીયતાનો કૃત્રિમ રણકો લાવનારાથી પણ હું સાવધ રહું છું. રસ્તે ચાલતાં ચાલતાં મને વાતો કરવી ગમતી નથી. રસ્તે ચાલતાં ચાલતાં વૃક્ષોને જોવાનું મને ગમે છે. મને પ્રકૃતિમાં એટલો બધો રસ છે કે કેટલીક વાર તો માનવીઓની સૃષ્ટિમાં ફરજ ખાતર આવવાનું પણ અઘરું થઈ પડે છે. સૂરજનો તડકો, વહ્યો જતું જળ કે ફરફર વાતો પવન મને કરોડાધિપતિ બનાવી દે છે. હમણાં હમણાંનું એક બીજું સારું લક્ષણ મેં કેળવ્યું છે. હવે આ કે તે કરવાનો લોભ નથી. ઘણી વાર ભારે લોભથી ઘણું ઘણું કરી નાખવાનું મન થાય છે. એ ન થઈ શકે તો મન પશ્ચાત્તાપથી ચચર્યા કરે છે. પહેલાં હું જેને આળસ ગણીને પસ્તાતો હતો તેને હું હવે મારા જીવનની એક અનિવાર્ય આવશ્યકતા ગણું છું. કાર્યને ગૌરવ શાથી પ્રાપ્ત થાય છે? બે કાર્યો વચ્ચે ઠીક ઠીક મુક્ત અવકાશ રહ્યો હોવો જોઈએ. તો જ કાર્યો હળવાં બને છે ને પ્રકાશે છે. નહીં તો આપણાં જ કાર્યો આપણને ભીંસી નાખતાં હોય એવું લાગે છે. આથી મન પરનાં નિયન્ત્રણ ઉઠાવી લઈને એને એની સાહજિક એવી આબોહવામાં સ્થિર કરીને, સમયની ચિન્તા કર્યા વિના કેવળ નિષ્ક્રિય બનીને બેસી રહેવું એ પણ ખૂબ જરૂરી છે.

આવી પળોમાં ભૂતકાળની કોઈ સુગન્ધની સ્મૃતિ ચિત્તમાં લહેરાવા લાગે છે, એથી તે સમયને માટે મન ઝૂરે છે ને દુ:ખી થાય છે એવું નથી. એથી મન એ નવી આબોહવાને માણ્યાનો આનન્દ જ અનુભવે છે. આવી જ ક્ષણોમાં કોઈ માણેલી કવિતાની પંક્તિઓ ચિત્તમાં વિસ્તરવા માંડે છે. શાન્તિની એવી ક્ષણોમાં રિલ્કેની પંક્તિઓ યાદ આવે છે. ‘જો એક જ ક્ષણ માટે બધું નિ:શબ્દ બની જાય, પૂર્ણ નિસ્તબ્ધતા છવાઈ જાય, જે પદાર્થને હું આકસ્મિક રીતે મળું છું તે જો બધા નીરવ બની જાય, પડોશીઓનાં અટ્ટહાસ્ય અને મારી ઇન્દ્રિયોનો ઘોંઘાટ સુધ્ધાં શમી જાય, મારા ચાલી રહેલા ચરણોનો પણ પડઘો મને નહીં સંભળાય તો એવી એકાદ ક્ષણે હે ઈશ્વર, હું તારાં હજાર પ્રતિબિમ્બોને મારા વિચારનાં આન્દોલનોમાં પ્રસરતાં સ્પષ્ટ જોઈ શકું, ત્યારે જ તેને ઝીલીને મારાં બનાવી લઈ શકું અને તને મારી સમૃદ્ધિથી છલકાવી દઈ શકું …. કોઈકે પણ એના મનની આ નીરવતાની ક્ષણમાં તારો સંકલ્પ સેવ્યો છે. એ જાણીને મને પ્રતીતિ થાય છે કે મારા સંકલ્પની મર્યાદામાં એ પ્રવેશી શકે છે. પર્વતના ઊંડાણમાં સોનું રહ્યું હોય અને એ ઊંડાણને કોઈ તાગે નહીં તોય કોઈ દિવસ પર્વતના પેટાળમાંથી વહેતા ઝરણા સાથે એ સોનું ખડકોને ભેદીને આપોઆપ છતું થઈ જશે. ઈશ્વર આપણી ઇચ્છા પ્રમાણે નહીં પણ આપમેળે પોતાને આપણી દૃષ્ટિ સમક્ષ ઉઘાડતો હોય જ છે.’

આથી જ તો બધી જ નિ:શબ્દતાની અનુભૂતિમાં ઈશ્વરનો સ્પર્શ રહેલો અનુભવાય છે. પણ આવી નિ:શબ્દતા માટે નગર છોડીને વનમાં જવાની હું જરૂર જોતો નથી. અહીં બેઠો બેઠો ફિલ્મ સંગીતની રેકોર્ડ ઘોંઘાટ લાગે એટલા મોટા અવાજે વાગી રહી છે તે સાંભળું છું. સચિનદેવ બર્મન ગાય છે તે સાંભળું છું. અહીં નગરના મોજીલા લોકોના કોલાહલ વચ્ચે એકાએક એનો સૂર મને જગાડે છે. હું બંગાળની કોઈ પદ્મા જેવી નદીને કાંઠે મને ઊભેલો જોઉં છું. સામે કાંઠેથી હોડી હંકારતા કોઈ માછીમારનો આજુબાજુના વિશાળ અવકાશને ભરી દેતો સૂર હું સાંભળું છું. આ વાતાવરણમાંથી હું જાણે ઊંચકાઈ જાઉં છું.

પણ ફરસાણના ખોખા પર મધ્યકાળની કોઈ કાવ્યપોથીની હસ્તલિખિત પંક્તિઓ મરોડદાર અક્ષરમાં અંકાયેલી છે. કાંગડા અને રાજપૂત શૈલીમાં આલેખાયેલા ચિત્રની પ્રતિકૃતિ હું જોડાં કે રેઝર બ્લેડની જાહેરખબર સાથે જોઉં છું. આ સ્થાનચ્યુતિ કળાને હીણી બનાવે છે. કળાને એ એના ગૌરવભર્યા સ્થાનેથી નીચે ઉતારીને રોજ-બ-રોજની દુનિયામાં રગદોળે છે. કળા અને સાહિત્યનું આજે સ્થાન ક્યાં? એ સૂક્ષ્મતાને માણવા જેટલી સ્વસ્થતા કોનામાં છે? મને સ્પિનોઝાની જે દશા થયેલી તે યાદ આવે છે. એ પોતાના ગુરુ પાસે ભણતો ત્યારે ગુરુની પુત્રી પ્રત્યે એને પ્રેમ થયો. પણ એની સાથે ભણનારો ધનિક પિતાનો પુત્ર એ કન્યાને સોનાનો હાર આપીને લલચાવી ગયો ને એને પરણી ગયો. ફિલસૂફ સ્પિનોઝાએ મૌલિક ચિન્તન રજૂ કર્યું. રૂઢિચુસ્ત ધર્મના સંરક્ષકો ચોંકી ઊઠ્યા, એને ધર્મમાંથી બહિષ્કૃત કર્યો. એનો કોઈ પડછાયો પણ લે નહીં, એને ક્યાંય કોઈ આશ્રય આપે નહીં. વરસાદની ઝડી એના પર તૂટી પડે, પવન એને ફેંકીને પછાડે, એ નરકના અગ્નિમાં બળે. ધર્મ જેવો ધર્મ આવી શાપવાણી ઉચ્ચારે, આવું ઝેર ઓકે અને છતાં ધર્મ રહે! સ્પિનોઝા શેરીમાં નીકળે તો કોઈ પશુને પથ્થર મારીને ભગાડે તેમ લોકો એને ભગાડે! આખરે સ્પિનોઝાએ નાસતાં-ભાગતાં આખરે એક માનવતાભર્યા કુટુમ્બના ઘરમાં કાતરિયામાં આશ્રય લીધો. પછી એને કદી માનવસમાજ વચ્ચે પગ મૂક્યો નથી. ઉપર એને માટે સવાર-સાંજ બારણા આગળ ખાવાની થાળી મૂકી જાય. એક દિવસે એ થાળી એમ ને એમ પડી રહી. જઈને જોયું તો સ્પિનોઝા ટેબલ પર માથું મૂકીને મરણશરણ થઈ ગયેલો! ટેબલના ખાનામાંથી એણે લખેલા પુસ્તકની હસ્તપ્રત નીકળી, એ પુસ્તક તે પ્રખ્યાત ‘નીતિશાસ્ત્ર.’ એણે ફિલસૂફીની દુનિયામાં હલચલ મચાવી દીધી. સમાજ, સંસ્થાઓ, ધર્મપ્રતિષ્ઠાનો આવી અનુદારતાથી જ પ્રતિભાશાળીઓ જોડે વર્તે છે. મહાકવિ હોમરને ઉત્તરાવસ્થામાં અંધ થઈ ગયા છતાં બારણે બારણે ભીખ માગવી પડી. સોક્રેટિસને ઝેર પીવું પડ્યું. સમાજ કદાચ આ સિવાય બીજી કોઈ રીતે પ્રતિભાશાળીનું ગૌરવ કરી શકતો નથી. સંસ્કૃતિનો વિકાસ થયો છતાં માનવીમાંની અસભ્ય બર્બરતા મરી પરવારી નથી.

28-12-75