ઇતિ મે મતિ/કોલાકોવ્સ્કીની વિચારસરણી


કોલાકોવ્સ્કીની વિચારસરણી

સુરેશ જોષી

આપણે ત્યાં ડાબેરી વિચારસરણી ધરાવનારાઓમાં લેસેક કોલાકોવ્સ્કીનું નામ બહુ પરિચિત હોય એમ લાગતું નથી. આ વર્ષે જ એણે જીવનની અર્ધી સદી પૂરી કરી. જન્મસ્થાન તો પોલેન્ડના વોરસો નગરમાં. વીસ વર્ષની વયથી તો ફિલસૂફીનું અધ્યાપન શરૂ કરી દીધું. એ વિષયમાં ડોક્ટરેટની ઉપાધિ 1953માં મેળવી. થોડાં વર્ષો ફ્રાન્સ અને હોલેન્ડમાં ગાળ્યાં. 1966માં એમને કોમ્યુનિસ્ટ પક્ષમાંથી હાંકી કાઢવામાં આવ્યા. 1968માં વોરસો યુનિવર્સિટીમાંથી પણ એમને પદભ્રષ્ટ કર્યા. પછી એઓ કેનેડામાં મેક્ગિલ યુનિવર્સિટીમાં અધ્યાપન કરવા ગયા. આ ઉપરાંત એમણે કેલિફોનિર્યા તથા બર્કલે વિદ્યાપીઠોમાં અધ્યાપન કર્યું. હાલમાં એઓ ઓક્સફર્ડની ઓલ સોલ્સ કોલેજમાં ફેલો છે અને એમનાં કુટુમ્બ સાથે હેડિંગ્ટનમાં રહે છે.

1956માં જુવાન વયે એમણે સ્તાલિન સામેની એમની પેઢીને બળવાન વાચા આપી. ‘સમાજવાદ એટલે શું?’ અને ‘પુરાણકથાઓનો જમાનો ગયો’ એવા બે નિબન્ધોમાં એમણે સ્તાલિનની વિચારસરણી અને સરમુખત્યારશાહીનો સબળ વિરોધ કર્યો. વેદાન્તીઓ ‘નેતિ નેતિ’ કહીને બ્રહ્મનું નકારાત્મક જ વર્ણન કરે છે તેમ એમણે વ્યંગાત્મક રીતે બોતેર નકાર દ્વારા સમાજવાદને વર્ણવવાનો પ્રયત્ન કર્યો છે. આજના રાજકારણમાં સહુથી વગોવાયેલો શબ્દ ‘સમાજવાદ’ છે. હવે તો ‘સમાજવાદ’ અને ‘લોકશાહી’ સાથે સંભવે કે કેમ એવી શંકા લોકોના મનમાં ઉદ્ભવવા લાગી છે.

તો કોલાકોવ્સ્કી સમાજવાદ વિશે શું કહે છે? ‘માક્સિર્ઝમ એન્ડ બિયોન્ડ’ નામના પુસ્તકમાં એ વિશેનો વિચાર રજૂ કરતાં એઓ કહે છે : ‘સમાજવાદ કાંઈ એવું રાજતન્ત્ર નથી જેમાં જેણે કશો અપરાધ નહીં કર્યો હોય એવો માનવી પણ ઘેરે બેઠો બેઠો પોલીસ ક્યારે આવશે તેની રાહ જોતો હોય. જેમાં નર્સ કરતાં જાસૂસોની સંખ્યા જ વધારે હોય, જેમાં હોસ્પિટલ કરતાં જેલમાં વધારે માનવીઓ હોય, જેમાં વિચારશૂન્યતા કેળવીને જ માનવી સુખી થઈ શકે, જેમાં માનવીને જૂઠું બોલવાની ને ચોર થવાની ફરજ પાડવામાં આવતી હોય, જેમાં સરકારે ફિલસૂફી, પરદેશનીતિ, અર્થતન્ત્ર, સાહિત્ય અને નીતિશાસ્ત્ર પરત્વે નાગરિકો એક સરખો જ અભિપ્રાય ધરાવતા હોય એમ ઇચ્છતી હોય, જેમાં ચિન્તકો અને લેખકો, સેનાપતિ અને પ્રધાનો જે કહેતા હોય તેનું જ પુનરુચ્ચારણ કરતા હોય પણ તે એ લોકો એ બધું પહેલાં કરી જાય તે પછીથી (!) જેમાં આગલે દિવસે આપણે જે કહ્યું હોય તેનું ખંડન આપણે જ બીજે દિવસે કરવું પડતું હોય અને એને પણ આપણે સ્વીકારી લેવાનું હોય.’

કોલાકોવ્સ્કીની દૃષ્ટિએ સાચા સમાજવાદમાં એવો સમાજ હોય જેમાં માનવી વડે થતાં માનવીનાં શોષણ અને દમનને સ્થાન જ નહીં હોય. આવો સમાજ શક્ય છે એવી પ્રતીતિ જ આપણી મોટી સમ્પત્તિ છે. એ સમ્પત્તિને પ્રાપ્ત કરવાનું સહેલું નથી. કોઈકને એમ પણ થાય કે આ પણ આપણી રામરાજ્યની બાલિશ કલ્પના જેવી જ કોઈ કલ્પના તો નથી ને? એ ભ્રાન્તિથી વળી આપણે આપણી જાતને ફોસલાવવા તો નથી નીકળ્યા ને? એ ભ્રાન્તિમાંથી છૂટવાનું શું આપણે માટે વધુ ને વધુ મુશ્કેલ જ બનતું જશે? પણ આ પ્રતીતિ આપણે માટે તો પ્રાણદાયક બળ છે. માનવજાતિને આવી પ્રતીતિ વગર ચાલ્યું નથી. પણ આ પ્રતીતિને જ જો સાચવીને બેસી રહીશું તો એ પ્રતીતિ જ આખરે અન્ધશ્રદ્ધા બની જશે, એમાંથી જ નવાં દેવદેવીઓ જન્મશે ને આપણે વળી માનવીથી દૂર જતા રહીશું.

1956ના ઓકટોબરમાં પોલેન્ડવાસીઓએ સ્તાલિન સામે માથું ઊંચક્યું હતું. એને દાયકો વીતી ગયો. પછી વોરસો યુનિવર્સિટીમાં ઇતિહાસ વિભાગમાં એક સભા રાખવામાં આવી હતી. એમાં અધ્યાપક કોલાકોવ્સ્કીએ વિદ્યાર્થીઓને સંબોધ્યા હતા. એણે આ દાયકા દરમિયાન શું બની ગયું તેનું સરવૈયું કાઢતાં કહેલું કે અભિવ્યક્તિના સ્વાતન્ત્ર્ય પર નિયન્ત્રણ મૂકવામાં આવ્યાં છે. સેન્સરશિપ આકરી થતી જાય છે. માનવવિદ્યા તથા સમાજવિજ્ઞાનના અભ્યાસમાં રાજકારણીઓની દખલગીરી વધતી જાય છે, રાજકારણીઓ અને પ્રજા વચ્ચેનું અન્તર વધતું ગયું છે. કાયદાઓ મનસ્વી રીતે, શાસકના હિતને લક્ષમાં રાખીને ઘડવામાં આવે છે, પ્રજાનું હિત લક્ષમાં લેવામાં આવતું નથી. આ વ્યાખ્યાનને પરિણામે કોલાકોવ્સ્કીને વિદ્યાપીઠમાંથી હાંકી કાઢવામાં આવ્યા! એમના ગુરુના દૃઢ વલણને કારણે એમને ફરીથી વિદ્યાપીઠમાં સ્થાન આપવું પડ્યું.

શાસકોના દમનની રીત એવી ચતુરાઈભરી હોય છે કે પ્રારમ્ભમાં તો એ દમન છે એવું પ્રજાને લાગતું જ નથી. જે થઈ રહ્યું છે તે પ્રજાના હિતાર્થે જ થઈ રહ્યું છે એવી પ્રબળ ભ્રાન્તિ ઊભી કરવામાં આવે છે. સરકાર દમનનાં પ્રથમ પગલાં તો કંઈક સંકોચપૂર્વક ભીતિથી ભરે છે. જો આ પ્રારમ્ભની અવસ્થામાં જ આપણે પ્રતિકાર નથી કરતા તો દમન કરનારાઓમાં આત્મવિશ્વાસ વધે છે અને એઓ બમણા ઉત્સાહથી દમનના ઉદ્યમમાં મંડી પડે છે. પછીથી તો એ દમનની કશી સીમા નથી રહેતી. એ દમન બધા વિરોધની શક્યતાના મૂળમાં જ કુઠારાઘાત કરે છે. પુસ્તકોનું પ્રકાશન ઘટી જાય છે. લેખકો નિષેધ સામે માથું ઉઠાવી શકતા નથી. વિદ્વત્તાનો ધીમે ધીમે હ્રાસ થતો જાય છે. એના વિકાસ આડે અનેક પ્રકારના અન્તરાયો ઊભા કરવામાં આવે છે. મુક્તપણે ચિન્તન કરીને એને પરિણામે સત્યોનો આવિષ્કાર કરનારના ચિન્તનના સ્વાતન્ત્ર્ય પર નિયન્ત્રણ આવી જાય છે. જ્યાં આવું બને ત્યાં એને સમાજવાદ કહીને ઓળખાવવો એ સમાજવાદની ક્રૂર મશ્કરી કરવા જેવું છે. માર્ક્સવાદ માનવનું કલ્યાણ કરશે એવી ભ્રાન્તિમાંથી મુક્ત થયા પછી કોલોકોવ્સ્કીને સાધનસાધ્યના વિવેકની અગત્ય સમજાઈ. માનવી માનવીનું સાધન નથી, માનવી જ સાધ્ય છે એ કાન્ટનું વાક્ય લાક્ષણિક બુર્ઝવા તરંગ છે એવું નથી, એથી ઘણાં અનિષ્ટો ટાળી શકાય છે એવું એમને લાગ્યું. ભય ફેલાવીને જૂઠાણાની મદદથી જો કોમ્યુનિસ્ટ સમાજ રચાતો હોય તો એ આપણે માટે ઇષ્ટ નથી, કારણ કે ભય અને જૂઠાણું તો અનિષ્ટ છે જ અને અનિષ્ટમાંથી સવાયું અનિષ્ટ જ ઉદ્ભવે, ઇષ્ટ નહીં. ગુનાહિત તત્ત્વો દ્વારા સત્તાને ટકાવી રાખવી તે સમાજવાદી પુન:રચનાના સિદ્ધાંતની વિરુદ્ધની વાત છે. એથી તો સિદ્ધિ કુણ્ઠિત થઈ જાય છે.

ફિલસૂફો અને ચિન્તકોની લાંબી સાધનાને અન્તે જે સત્યોનો આવિષ્કાર થાય છે તેના પ્રાણને હણીને એની વિભાવનાનાં ખોખાંમાં પોતાને અનુકૂળ વિચારસરણી ભરીને એનો ગેરલાભ ઉઠાવવાનું સરમુખત્યારોનું કાવતરું જે પ્રજા જલદીથી પકડી પાડી શકે છે તે જ પ્રજા સરમુખત્યારીનાં અનિષ્ટોમાંથી જલદી છૂટી થઈ શકે છે. એમ નથી બનતું ત્યારે ક્રાન્તિ, પ્રતિક્રાન્તિ, પછી લાંબો ગાળો થાક અને જડતાનો આવી જાય છે. પછી એ વિષચક્રમાંથી આપણે નીકળી શકતા જ નથી. સ્વાતન્ત્ર્ય અને અભિવ્યક્તિસ્વાતન્ત્ર્યની અનિવાર્યતા આપણે સમજવી જોઈએ. પણ આપણી વિદ્યાપીઠોમાં આને માટેનું વાતાવરણ છે ખરું? આજે વિદ્વાનો અને ચિન્તકો વિદ્યાપીઠો છોડી જતા હોય એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. આ એક ખતરનાક પરિસ્થિતિ છે. રાષ્ટ્રનું હિત વિચારનારાએ ચેતી જવું જોઈએ.

8-9-77