ઇતિ મે મતિ/માનવની એક બીજી છબિ


માનવની એક બીજી છબિ

સુરેશ જોષી

નાદેઝદા મેન્ડેલસ્ટેમના અવસાનના સમાચાર વાંચ્યા ને ઘણાં બધાં સ્મરણો જાગી ઊઠ્યાં. હિટલરના હત્યાકાણ્ડથીય વધુ આસુરી દુષ્ટતાભર્યો હત્યાકાણ્ડ હજી રશિયા અને બીજા દેશોમાં ચાલી રહ્યો છે. આજકાલ ભદ્ર સમાજનો અને સાહિત્યકારોનો એક વર્ગ ઊભો થયો છે જે આવી બધી યાતનાની વાતો સાંભળીને ભ્રમર ચઢાવે છે. એની સાથે આપણો સમ્બન્ધ જોડવાની એમને કશી જરૂર લાગતી નથી. એથી જાણે હતાશાના રોમેન્ટિક ઉદ્રેકને આક્રોશપૂર્વક ઘૂંટવાનું પાપ આપણે કરી રહ્યા હોઈએ એવું એમને લાગે છે. આપણી સંસ્કૃતિએ પણ મહા યુદ્ધો અને ઘોર હત્યાકાણ્ડો નથી જોયા એવું નથી, પણ આપણે તિતિક્ષા કેળવી છે તેથી આપણે એને જીરવી જાણીએ છીએ એવું એમનું કહેવું છે. સામ્યવાદી દેશોમાં કે નાઝીઓના હાથે થયેલા અત્યાચારની ફિલ્મો જોઈને પણ આ સ્થિતપ્રજ્ઞ જીવ ઉદ્ગાર કાઢતા હોય છે : ‘એક ને એક જોઈને કંટાળ્યા. આ લોકો તો પોતાની યાતનાને વટાવી ખાતા હોય એવું લાગે છે.’

આવું જ્યારે હું સાંભળું છું ત્યારે આપણી સહાનુભૂતિના છેડા કેટલા ટૂંકા છે તેનું મને ભાન થાય છે. વિદગ્ધતાનું એક લક્ષણ એ ગણાવા લાગ્યું છે કે આવીતેવી વાતો પરત્વે ગૌરવભરી ઉદાસીનતા કેળવવી. પણ ઇતિહાસની તેજ રફતારને આપણે સમજવી જોઈએ. કાલે જે બીજે બન્યું તે આજે અહીં પણ બને એ જો આપણે ન સમજીએ તો આપણી નાદાનીને કોઈ માફ નહિ કરે. વળી હિંસા પણ મહામારી જેવી ચેપી છે. એની જેમ તરત જ બધે વ્યાપી જાય છે. ઘણા સ્વતન્ત્ર થયેલા દેશોમાં લોકશાહીના પાયા ડગમગવા લાગ્યા છે. આ વાસ્તવિકતાને આપણે ઓળખી લેવી જોઈએ. કદાચ આ પ્રકારના સાહિત્યકારો અને વિચારકો ‘નાઇન્ટીન એઇટી-ફોર’ લખનાર જ્યોર્જ ઓર્વેલને તો માફ નહિ જ કરી શકે. એણે તો ભવિષ્યની વિભીષિકાનું સમર્થ આલેખન કર્યું છે. આપણી પાસે રામરાજ્ય અને સમાજવાદ એ બે જ વિકલ્પો છે એવો ખતરનાક આશાવાદ આપણે કેળવી રહ્યા છીએ.

જાગતિક સન્દર્ભને જોવો, હતાશ થવાનાં કારણો સમજવાં અને એને દૂર કરવાને પુરુષાર્થ કરવો એ એક વાત છે ને ‘આવું કશું નાહકનું આપણે ત્યાં ખેંચી લાવવાની જરૂર નથી’ એમ કહીને આ બધું બનતું જ નથી કે બનવાનું જ નથી એવું વલણ કેળવી આપણે સુરક્ષિત છીએ એમ કલ્પવું તે બીજી વાત છે. નિરાશાને ઓળખી લઈને જે આશા તરફ વળવાની શક્તિ કેળવી શક્યો છે તેની સ્થિતિ વધુ સંગીન છે.

નાદેઝદા મેન્ડેલસ્ટેમની ડાયરીના બે ભાગ આપણા જમાનાના બે મહત્ત્વના દસ્તાવેજી પુરાવાઓ છે. એવી જ ડાયરી સિન્યાવ્હીસ્કીની છે. સલામતીની ખાતરી સાથે રોમેન્ટિક અભિનિવેશથી ક્રાન્તિનાં ગીત લખવાં સહેલાં છે. આપણી ત્રીસીના કવિઓએ પણ બલિદાનની અને આત્મસમર્પણની કવિતાઓ ઓછી નથી લખી. પણ સોલ બેલોએ કહ્યું છે તે સાચું છે : ‘આજે જગતના સૌથી મગદૂરીવાળા સર્જકો મેન્ડેલસ્ટેમ અને સિન્યાવ્હીસ્કી દમ્પતી છે.’ રશિયામાં સર્જકોને, વિચારભેદ ધરાવનારાને, સમર્થ પ્રતિભાશાળી વિજ્ઞાનીઓ અને ઇજનેરોને શ્રમછાવણીમાં ધકેલી દેવામાં આવે છે. સાયબિરિયાના ઠંડા પ્રદેશમાં કાતિલ ઠંડી, ભૂખમરો અને ભયંકર થાક અનુભવતાં છતાં એમનું ખમીર ઝંખવાયું નથી. સમાજની કે શાસકોની જોહુકમીને પોતાના અંતરાત્માની વિરુદ્ધ જઈને શરણે ન થવું તે ખમીરવાળાઓનું જ કામ છે.

સ્ટેન્ઢાલના નાયકો કારાવાસ ભોગવતાં પ્રેમ વિશે વિચારતા હોય છે. અમેરિકી કવિ ઇ.ઇ. કમિંગ્ઝને ફ્રેન્ચ સરકારે કોટડીમાં પૂરી દીધા ત્યારે એ છાવણીમાં એમને તો રસ માણવાનું સ્વર્ગ જ દેખાતું. આમ તો આપણે કવિસંમેલનોમાં અને મુશાયરાઓમાં વાહ-વાહ ઝીલતાં કવિતાઓ લલકારીએ છીએ, પણ બચવાની કશી આશા નહિ રહી હોય, ભૂખમરાથી અવાજ ક્ષીણ થઈ ગયો હોય એવી પરિસ્થિતિમાં પણ સહવાસી કેદીઓ આગળ કવિતાપાઠ કરવો તે જુદી વાત છે. ઓસિપ મેન્ડેલસ્ટેમે આ વાતાવરણમાં પોતાની કવિતા ગાઈ સંભળાવી. મરીના ત્યસ્વેતાયેવાએ આવા વાતાવરણમાં કવિતાઓ રચી. સિન્યાવ્હીસ્કીએ લખેલી કારાવાસની નોંધપોથીમાં મુખ્યત્વે કળાના આનન્દની ચર્ચા છે. આવા વાતાવરણમાં પણ કવિતાને જીવતી રાખવી એ જ ખરા રાજકારણનો મર્મ છે એમ કદાચ પાછળથી સમજાશે. માનવની લાગણીઓ અને અનુભૂતિઓ માનવીનો ચહેરો પોતાનું સાચું સ્વત્વ ત્યારે પામે છે, ત્યારે જ એને અગ્રભૂમિમાં એનું સાચું સ્થાન પ્રાપ્ત થાય છે.

સિન્યાવ્હીસ્કીએ એમની આ નોંધપોથીમાં લખ્યું છે : ‘હું અહીં માનવીને જોતો નથી. માનવીની રૂપરેખાઓ આજુબાજુના વિશાળ વિસ્તારોમાં, ખેતરોમાં લુપ્ત થઈ જાય છે. જ્યાં શાશ્વતીની રેખાને માનવી સ્પર્શે છે ત્યાં એની માનવી તરીકેની સીમારેખા ભુંસાઈ જાય છે. ત્યાં માનવી પોતાની જીવનકથાને ઉલ્લંઘી જાય છે. દરેક માનવી આમ પોતાની જીવનકથાની સીમામાંથી છટકી જતો હોય છે. તમારી અંગત ખાસિયતોના ટેકાને આધારે તમારું વજન ટકાવવા જશો તો કેડસમાણાં ખૂંપી જશો. આ વ્યક્તિતા તો એક ખાડો છે. એ તમારી ટેવ, કામ કરવાની રીત, માનસિક વિલક્ષણતાઓથી ઢંકાયેલી છે. હું મારી સામે આવી રહેલા અજાણ્યા માનવી તરફ જેવો એક ડગલું ભરું છું કે તરત મારો પગ એ ખાડામાં પડે છે.’

સિન્યાવ્હીસ્કી આ કારાવાસના વાતાવરણ વચ્ચે જીવન વિશે જે નોંધે છે તે મહત્ત્વનું છે : ‘આપણે આ જગતમાં અમુક વસ્તુઓને સમજવાને આવ્યા છીએ. આ વસ્તુઓ ઝાઝી નથી. કદાચ જૂજ જ છે, છતાં તે અત્યન્ત મહત્ત્વની છે. કળા એ એક મિલનસ્થાન છે. એમાં સર્જક અને એના પ્રેમનું પાત્ર ભેગાં થાય છે. એમાં જડ અને ચેતન ભળી જાય છે. એમાં સત્ય અને કપોલકલ્પિતનો યોગ થાય છે. પેન્સિલથી દોરેલી એક રેખા, કોઈની કાયાના વળાંક – આ બન્ને ભળી જાય છે. એક શબ્દ બીજા શબ્દમાં એકરૂપ થઈ જાય છે. આ મળવું તે ભારે વિરલ વસ્તુ છે. એ સાવ અણધાર્યું જ હોય છે. ‘શું આ તું છે?’ ‘આ તમે?’ આવા સવિસ્મય પ્રશ્ન પૂછીને બન્ને એકબીજાંને ઓળખી લઈને ઉન્માદને વશ થાય છે અને બન્નેના હાથ એકબીજાંમાં ગૂંથાઈ જાય છે. આ વિસ્મય અને આનન્દની મુદ્રામાં આપણને કળાની ઝાંખી થાય છે. આવા અપ્રતિમ સર્જકો, ચિન્તકો અને વિદ્રોહીઓએ જે સહ્યું અને સહેવા છતાં જે આનન્દપૂર્વક કહ્યું તેની આપણે અવગણના ન કરી શકીએ. આપણા સમયમાં જે કોઈએ જે કાંઈ સહ્યું છે તેનો આલેખ આપણા હૃદયમાં અંકાઈ જ જવો જોઈએ. ‘એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ’નો અહેવાલ અહીં નોંધવા જેવો છે. એમાં કહ્યું છે કે ભૂખ, કઠોર પરિશ્રમ અને બીજી હાડમારી(અપૂરતી દાક્તરી સારવારનો અભાવ)ને કારણે ઘણા કેદીઓ આપઘાતને માર્ગે વળી ગયા. નાસી છૂટવાનો ઢોંગ કરીને ચોકીદારની ગોળીથી વીંધાઈ જવાનું એમણે પસંદ કર્યું. એડવર્ડ ટોપકને આની વિગતો આપી છે :

‘મેં કેદીઓને ઘણા બધા ખીલા અને કાંટાળા તાર ગળી જતા જોયા છે. એ લોકોને મેં મર્ક્યુરી થર્મોમિટરને ગળતા પણ જોયા છે. શતરંજનાં પ્યાદાં, સોય, કાચનો ભૂકો, ચમચીઓ, ચપ્પુ અને આવી ઘણીબધી વસ્તુઓ એઓ ગળી જાય છે. ઘણા કેદીઓ તારથી પોતાનું મોઢું અને આંખ સીવી દે છે. આંકડાવાળા ખીલાને દોરી બાંધીને ગળી જાય છે ને દોરીનો છેડો બારણાના આગળા જોડે બાંધી રાખે છે. તેથી જ્યારે જ્યારે બારણું ખૂલે કે બંધ થાય ત્યારે ત્યારે પેલો આંકડાવાળો ખીલો ઉપર આવે ને નીચે જાય. કેદીઓ પગ પરથી મોજાં ઉતારતાં હોય તેમ ચામડી ઊતરડી નાખે છે. પોતાના પેટ કે પગ ઉપરથી માંસના લોચા કાપીને કે રાંધીને ખાય છે.’ બસ! જેને આશાવાદી થવું છે તેણે આ બધું પોતાની ચેતનામાં આત્મસાત્ કરવાનું રહેશે. આપણને જો માનવમાં આશા હોય તો માનવની આ છબિ પણ જોવાની રહેશે.

9-1-81