ઇદમ્ સર્વમ્/ભૂતકાળનો વ્રણ


ભૂતકાળનો વ્રણ

સુરેશ જોષી

દરેક ગામમાં કે શહેરમાં એકાદ ખંડેર કે પ્રાચીન અવશેષ તો હશે જ. વિજ્ઞાની કાચની બરણીમાં રાસાયણિક દ્રવ્યમાં જેમ નમૂનાને સાચવી રાખે છે તેમ હજી કેટલીક આદિવાસી પ્રજાને માનવવ્યવહાર અને સંસ્કૃતિના અભ્યાસ માટે સાચવી રાખવાનો આગ્રહ સેવાય છે. પણ આપણે આપણા જ કોઈ અંશનો એવી રીતે અભ્યાસ કરી શકીએ ખરા? આપણા વ્યક્તિત્વના પણ કેટલાક ખંડેરો જેવા અંશો એની એ સ્થિતિમાં પડી રહ્યા છે. સ્મૃતિનો આછો લેપ એના પર થાય છે એટલું જ. માનવી પોતાના ભૂતકાળને જીવવાની ક્રિયા દરમિયાન કેટલે અંશે વર્તમાનમાં ઓગાળી દઈ શકે છે? કેવળ વર્તમાનની ક્ષણને જ પર્યાપ્ત માનવી એમ આપણે ઇચ્છીએ ખરા, પણ એવી રીતે જીવી શકાતું નથી. અનુભવનું બંધારણ જ એવું છે કે એમાં સંસ્કારો અને સ્મૃતિનો અંશ રહે જ છે. પણ જે ભૂતકાળ વેગળો પડી ગયો છે, જે વર્તમાનને ઘડનારી કાચી ધાતુમાં એકરૂપ થઈ ગયો નથી તેનું શું? એ ભૂતકાળ જ વ્રણ બની રહે છે, એમાંથી વેદના ઝર્યા કરે છે. જીવનની પ્રબળતા જ પોતાના પૂરમાં આવા ભૂતકાળને વહાવીને ઓગાળી દઈ શકે પણ અનેક નિમિત્તે જીવન ધીમે ધીમે મંદપ્રાણ થતું જતું હોય એવું લાગે છે. આપણે વધારે ગણતરીબાજ થતા જઈએ છીએ. નફાતોટાના ખાનામાં પુરાયેલી જિન્દગીમાં ઝંઝાવાતનો લય ક્યાંથી હોઈ શકે? વળી એ નફાતોટાની ગણતરી પણ કાંઈ મોટી પ્રાપ્તિમાં પરિણમતી નથી. આખરે એ અશક્તિને કારણે કરવા પડેલાં કેટલાંક સમાધાનોનો સરવાળો જ હોય છે. આત્મપ્રવંચના કરવા ખાતર જ હિસાબના ચોપડામાં આંકડા જુદા માંડવામાં આવ્યા છે. પ્રશ્ન એ છે કે આવી આત્મપ્રવંચનાથી કેટલી હદે માનવી ટેવાઈ જઈ શકે? એ પણ એને કોઠે પડી જઈ શકે? તોય કશો ઉચાટ કે સન્તાપ એને ન થાય? એ સન્તાપની વાત એ કોઈને કહે ન કહે તોય પોતાને તો કહે જ ને! કે પોતાની સાથેના એવા સમ્બન્ધની કડી પણ હવે રહી નથી?

મનમાં ઘણા પ્રશ્નો થાય છે. શાન્તિનાં કબૂતરોની જેમ એને બહુ સહેલાઈથી ઉડાવી દઈ શકાતા નથી. ઘણાને ધીમે ધીમે પોતાના ભૂતકાળમાં દટાઈ જવાનું આવડે છે. ઘણા વૃક્ષની જેમ પગને જ દાટી દઈને એને મૂળ માનવાની ભ્રાન્તિ સેવીને જીવે છે પણ માનવીમાં તો ઉત્ક્રાન્તિનો સરવાળો છે. જળના ઊંડાણમાં ડૂબકી મારવાનું મન થાય તો પાંખ ફફડાવીને આકાશને પણ તાગી આવવાની ઇચ્છા થાય. પવન થઈને અશરીરી વિસ્તાર માણવાનું ગમે તો અગ્નિ થઈને બધું અગ્નિમય કરી નાખવાની પ્રબળ એષણા પણ થાય. પંચભૂતોનો કાંઈ બધામાં સરખો સમન્વય થઈ શકતો નથી. કોઈ વાર જલની તરલતા વિશેષ હોય છે તો કોઈક વાર અગ્નિની દાહકતા. આ બધાંનો મેળ પાડવાનું કોઈ દેવોને આવડે ખરું? છતાં આપણે અગ્નિની પ્રાર્થના કરીએ, વરુણની પ્રાર્થના કરીએ. અગ્નિ તો નર્યો અગ્નિ જ છે, વરુણ તો નર્યો વરુણ જ છે. પણ આપણામાં તો એ બધાનો સમવાય છે. આથી નર્યો એકદેવેશ્વરવાદ આપણને શા ખપમાં આવે?

પ્રકૃતિમાં પ્રકૃતિમય બની રહેનાર તત્ત્વોને માટે કશો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી પણ આપણામાં કોણ પ્રકૃતિસ્થ છે? જે પ્રકૃતિસ્થ નહીં તે વિકૃત એમ કહેવા પાછળનો નૈતિક અભિનિવેશ પણ સ્વસ્થતાનો દ્યોતક તો નથી જ. પ્રકૃતિથી માનવી નોખો જ પડી ગયો છે. એનું ગણિત, એનું વિજ્ઞાન હવે એને ફરી પ્રકૃતિસ્થ થવા દેશે? એની સંસ્કૃતિએ જ એને પ્રકૃતિથી જુદો પાડ્યો છે. હવે એ પોતાની પ્રકૃતિને પણ જાણી શકતો નથી, એને માટે પણ એ વિજ્ઞાનની મદદ લે છે. એક જ વિશ્વમાં વસતાં તત્ત્વોથી છૂટાં પડીને પોતાનું નોખું વિશ્વ લઈને જીવવાનો દુરાગ્રહ માનવીએ રાખ્યો તે જ એની હદપારી, ત્યારથી જ આ વિશ્વમાં તે ઐતરેય બની રહ્યો, આ વિચ્છેદનો ઘા આપણે શણગાર્યા કરીએ છીએ અને એને સંસ્કૃતિને નામે ઓળખાવીએ છીએ. આ સંસ્કૃતિની પડછે આપણે અસંસ્કૃતિને મૂકીને એને બર્બર કે અસભ્ય કહીને ઓળખાવીએ છીએ.

વાસ્તવમાં આ સંસ્કૃતિ એટલે તો ધીમે ધીમે જીવનના આદિમ બળનો પરાજય થવા દઈને મરણનું વર્ચસ્ સ્થાપવું તે. હું મારી આંખથી ન જોઉં પણ બીજાં સાધનો વડે જોઉં, આમ પોતાને જ બધી જીવવાની ક્રિયામાંથી અનુપસ્થિત રાખવાના નિર્માનુષીકરણની માત્રા વધતી ચાલી. હવે શું જોવું તે મારી મૂળભૂત જૈવિક પ્રક્રિયાનુસાર હું નક્કી ન કરું, મારે માટે બીજા નક્કી કરે. આમ મારી જીવન જીવવાની સ્વતન્ત્રતા, મૌલિકતા ઝૂંટવાતી જાય. જે મૌલિકતા ગૌરવનું કારણ બની રહે તે જ શરમ સંકોચથી સંતાડવી પડે, રાજ્ય એને આંચકી લે, સમાજ એને સંતાડી દેવાની ફરજ પાડે. આ બધું અનેક ત્રિકાલાબાધિત મૂલ્યોને નામે ચાલે. માણસ મર્યા પછી શબપેટીમાં સૂઈ જાય, પણ હવે તો જીવતો માનવી ધર્મની, સંસ્કૃતિની શબપેટીમાં સૂતો થઈ ગયો છે. શબપેટી જ સૌથી મોટું આશ્રયસ્થાન છે. આ સ્વતન્ત્રતાને દફનાવવાનો વિધિ આપણી સંસ્કૃતિમાં અનેક નિમિત્તે ચાલ્યા કરે છે, એની આજુબાજુ ત્યાગની દન્તકથાઓ ઊભી થાય છે. કશું અદ્વિતીય આપણને પરવડતું નથી. આ ચઢતીઊતરતી ભાંજણીનો જમાનો છે. શરીરે ડામર ચોપડ્યો હોય તોય ધોઈ શકાય છે પણ સંસ્કૃતિનો આ કાટ આપણા ચિત્ત પર ચઢ્યો છે તેને કયા તેજાબથી કાઢી શકીશું?

આદિ માનવ જંગલી હતો, બર્બર હતો એમ આપણે કહીએ છીએ. પણ આજનાં રાષ્ટ્રસંઘ અને લોકશાહીનાં નાટકો ભજવીને જીવનારો માનવી તો ખતરનાક રીતે બર્બર છે, બાળપણમાં કહેતાં કે ફૂલ તોડવું તે પાપ છે. પણ સૌથી મોટું પાપ તે કપાસનું ફૂલ તોડવું તે છે. જેણે વસ્ત્ર વણ્યાં તેણે સાથે સાથે દમ્ભનો તાણો પણ વણી લીધો. માંદું કે મરવા પડેલું પશુ જ બોડમાં ભરાઈ જાય છે, નહીં તો આખું વન એ છલાંગોથી માપી લે છે, પણ માનવી તો સદાનો માંદો હોય એમ સતાતો ફરે છે. વસ્ત્ર ઓઢીને જ પોતાને ઢાંકે છે એમ નથી. સંસ્થાઓ, મૂલ્યો પણ એનાં આવરણો જ છે. ખુદ ઈશ્વરને પણ એ પોતાના આવરણ તરીકે વાપરે છે. છતાં એ ઉઘાડો પડી જાય છે. સમુદ્રના પેટાળમાં, ધરતીના પેટાળમાં અણુબોમ્બનો ધડાકો કરીને એ પોતાની હિંસકતાનું માપ કાઢે છે. હજી એ ઊણો ઊતરે છે. એની પાસે ઝેર છે, વિનાશક શસ્ત્રો છે, રોગનાં જંતુ પણ એ ફેલાવી શકે છે. આ બધું એની સંસ્કૃતિનો સરંજામ છે.

છતાં માતાના ખોળામાં ભોળું શિશુ હસે છે. દરરોજ સાંજે આરતીના દીપ પ્રકટે છે. આંગણામાંના મોગરાના ફૂલછોડ પર સુગન્ધનું શ્વેત સ્મિત વેરાઈ જાય છે. કાળાં ધાબાં પૃથ્વી પર મ્લાન પડછાયા પાડતા નથી.