ઇદમ્ સર્વમ્/માનવજીવનની દયાજનકતા


માનવજીવનની દયાજનકતા

સુરેશ જોષી

ફ્રાન્ઝ કાફકાએ એક જગ્યાએ લખ્યું છે : ‘કેટલાક સૂર્ય તરફ આંગળી ચીંધીને યાતનાને નકારે છે પણ એ યાતના તરફ આંગળી ચીંધીને સૂર્યને નકારે છે. આલ્બેર કામ્યૂએ સૂર્ય તરફ આંગળી ચીંધીને આશાવાદ સ્વીકાર્યો હતો. આજે ફરી પ્રશ્ન થાય છે : સૂર્ય તરફ તાકવાથી બધે પ્રકાશ છે, ક્યાંય અંધારું નથી, આશાને સ્થાન છે એમ માની લઈશું? માઇકેલ જોશેન્કો નામના કટાક્ષકાર રશિયન વાર્તાકારની એક વાર્તા યાદ આવે છે. રશિયામાં ક્રાન્તિ થઈ. ગામડે ગામડે વીજળી પહોંચી ગઈ. એવા જ એક ગામડામાં વીજળી આવી. લોકો રાજી રાજી થઈ ગયા. એમને થયું : હાશ હવે દીવાસળી ફંફોસવાની નહીં, બટન દબાવ્યું કે બધું ઝળાંઝળાં. એક કામદાર સવારનો કામ પર જવા નીકળી જાય, છેક સાંજે ઘેર આવે, દીવાસળી શોધે, ફાનસનો ગોળો સાફ કરવાનો રહી ગયો હોય, ઘાસતેલ પૂરવાનું બાકી હોય, દીવો સળગાવવો એ કાંઈ સહેલી વાત છે! એને થયું – આજે તો આ બધી જંજાળમાંથી છૂટીશું. એ રાજી થતો થતો સાંજે ઘેર પાછો ફર્યો. હોંશે હોંશે બટન દબાવ્યું, ઘર પ્રકાશિત થઈ ઊઠ્યું. ને એણે ચારે તરફ નજર ફેરવી : અરે, મારું ગાદલું આટલું બધું ફાટેલું હતું! ભીંત આવી ગંદી થઈ ગઈ છે! આટલા બધા વંદા દોડાદોડ કરે છે; મારાં કપડાં આટલાં બધાં મેલાંદાટ! ચારેતરફ એની ગરીબી, એનું દરિદ્રીપણું જાણે દાંત કાઢીને હસવા લાગ્યું. એનાથી એ જોયું ન ગયું. એણે તો તરત જ વીજળીનો તાર કાપી નાખવાનો નિશ્ચય કર્યો, ને એ એમ કરવા જતો હતો ત્યાં જોયું તો નીચે ઘરની માલિકબાઈ વીજળીનો તાર જ કાપી રહી હતી!

એથી જ તો સૂર્યની નિષ્ઠુરતા હંમેશાં જીરવી શકાતી નથી. જ્યાં જ્યાં પ્રકાશ ત્યાં ત્યાં આશા એવી વ્યાપ્તિ બાંધી શકાય નહીં : માણસ જાતે થઈને જ, થોડું અંધારું પસંદ કરે છે ને ઉપજાવી પણ લે છે, થોડો પ્રકાશ, થોડું અંધારું એવી સંધિની દુનિયામાં સત્ય તથા ભ્રાન્તિઓને મહાપરાણે ટકાવી રાખવાને માટે માનવી કેટલું મથતો રહ્યો છે!

બુદ્ધિવાદના જમાનામાં આ ભ્રાન્તિ પર આક્રમણ થયું. ધર્મ-ઈશ્વર-સમાજ બધા સપાટામાં આવી ગયા. આખરે બુદ્ધિએ પોતે જ થોડી ગૂંચ ઊભી કરવા માંડી. પૃથક્કરણના અન્તિમે પહોંચ્યા પછી વિજ્ઞાન અનિશ્ચિતતા આગળ આવીને ઊભું. આથી વળી ભ્રાન્તિના ઉદયની આશા બંધાઈ, ધીમે ધીમે બુદ્ધિની સામેનો પ્રત્યાઘાત ઉગ્ર બનતો ગયો.

રેશનલ મૅનને સ્થાને હવે ઇર્રેશનલ મૅન નામ ગવાવા લાગ્યું. પ્રતિક્રિયા હંમેશાં આપણને અન્તિમે લઈ જાય છે. આથી અરાજકતા, મૂલ્યધ્વંસને છેક છેડે જઈને આપણે આવકાર્યા. આમાં વળી ટકી રહેવાનો પ્રયત્ન કરવા માટે માનવી આધાર શોધવા લાગ્યો, એ આધાર શો હાઈ શકે? સાચું છે કે માનવી જીવવાને માટે બહુ મોટો પ્રપંચ લઈને બેઠો છે, એમાં રોકાયેલો રહે છે. સમાજમાં ભેગા મળીને રહેવાનું કાંઈ એટલું સહેલું નથી, લોકશાહીને રાજતન્ત્રનો આદર્શ ગણીએ તોય લોકશાહીનું સફળ રીતે સંચાલન એ કાંઈ સહેલું નથી. એક માનવી બીજા માનવીને માનવી લેખે સ્વીકારે એય તે કેટલી મુશ્કેલીભરી વાત છે! આમ આપણે મૈત્રી, બન્ધુત્વની વાતો કરીએ છીએ. પણ સ્વાર્થ મુશ્કેલીમાં આવે છે ત્યારે આપણે તરત એ બધું નેવે મૂકી દઈએ છીએ. મુત્સદ્દીગીરી કોને કહીએ છીએ? વ્યવહાર-કુશળતા કોને કહીએ છીએ? દાવપેચ લઢાવવા, બને તેટલી સંદિગ્ધતા ઊભી કરવી, એનું અર્થઘટન કરવામાં બુદ્ધિની કુશાગ્રતાનો ઉપયોગ કરવો ને એ રીતે અંતે તો પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવાની પેરવીમાં રહેવું.

આ અર્થમાં માનવીના જીવનમાં એક પ્રકારની દયાજનકતા રહેલી છે. પશુઓને મુકાબલે આવું વિકસેલું શરીર સાધનો ઉપજાવવાની ને વાપરવાની શક્તિ બુદ્ધિ છતાં જીવન કેટલીક વાર તો પશુથીય બદતર. માનવીઓ જે રીતે લડે છે તે જ્યારે પશુઓ જોતાં હશે ત્યારે એમને શું થતું હશે? આમ દેવની મૂતિર્ઓ ઘડી, ઠાઠ ને દમામથી પૂજાવિધિ યોજ્યા, શંખઘણ્ટા વગાડીને આરતી કરી ને છતાં દેવની વાત તો દૂર રહી. માનવીમાં છુપાયેલું પશુ ઘુરકિયાં કરતું રહ્યું. દેશનું તન્ત્ર રાજપુરુષોના હાથમાં ભલે હોય, વ્યવસ્થાની આંટીઘૂટી ભલે એ લોકો સમજે ને ઉકેલે પણ માનવજાતના ભાવીનો પ્રશ્ન કોઈ સાંકડા પ્રયોજનને જ ધ્યાનમાં રાખીને ઉકેલવાનો પ્રયત્ન કરે ત્યારે એમને એમ કરતાં વારી શકે એવી કોઈ શક્તિ આપણી પાસે રહી છે ખરી? બર્ટ્રાન્ડ રસેલ વૃદ્ધાવસ્થામાં અણુબોમ્બ સામેની ઝુંબેશ ચલાવે છે તો એ અનુકૂળ નથી આવતું માટે તરત આ કે તે રાજકીય પક્ષના ખાનામાં એમને મૂકી દઈને એ તો નર્યા પ્રચારવેડા છે એમ કહીને આવી ગભ્ભીર વાત ઠંડે કલેજે ઉડાડી દેવામાં આવે છે. અણુબોમ્બની રાખ મજ્જા સુધી પહોંચી જઈને ભાવિ પ્રજાને પણ યાતનાગ્રસ્ત કરી મૂકશે એવી વિજ્ઞાનીની ચેતવણી છતાં માનવી એ દિશામાં દોડ્યે જાય છે. ગરીબીનું નિવારણ, પછાત દેશોનો વિકાસ – આ બધાંમાં જે દ્રવ્ય લેખે લાગ્યું હોત તેને એક બોમ્બ બનાવવામાં વેડફી મારતાં કોઈ સહેજેય ખંચકાતું નથી. વિનાશને માટેની આ આંધળી દોટમાં હાથ પકડીને આપણને રોકે એવી કોઈ શક્તિ જો નહીં રહી હોય તો વિનાશને જ આપણે પરમ નિશ્ચિતતા માનીશું?

આખરે આટલા બુદ્ધિના વિકાસ પછી વળી પાછો એક પ્રકારનો દૈવવાદ આપણા પર વર્ચસ જમાવશે એવાં ચિહ્નો દેખાવા લાગ્યાં છે. એક દેશ માંડ ઊભો થવા જાય ત્યાં કાં તો આન્તરવિગ્રહ ફાટી નીકળે, કાં તો સીમાડાઓ સળગી ઊઠે ને ધીમે ધીમે મહા મુશ્કેલીએ જે ર્ક્યું હોય તે બધું જ આ વેરઝેરની આગમાં હોમાઈ જાય. જો આમ જ થવાનું હોય તો કોણે દીઠી કાલ? ધનિકો ધન ભોગવે, ગરીબો પોતાનું નસીબ જ એવું છે એમ માનીને એવી રીતે જીવવાને ટેવાઈ જાય, ને આખરે ધીમે ધીમે નિરાશા ઊંડે ઊંડે વ્યાપતી જાય. હવેના જમાનામાં અવતારી પુરુષોની કે વિભૂતિઓની પણ શી દશા થશે તે કહી શકાય એમ નથી ગોવધબંધીના આંદોલનના પ્રશ્ર પરત્વે વિનોબાનું સન્ત તરીકેનું વ્યક્તિત્વ કશો પ્રભાવ પાડી શક્યું નથી, આથી વળી સંતો પણ માનવસમાજથી અળગા સરી જશે ને એ રીતે પશુને વિહરવા માટે કશો અંતરાય રહેશે નહીં.

જો પરિસ્થિતિ આવી હોય તો આ નિરાશા, હતાશા, યાતના સામે આપણે શી રીતે ટકી રહીશું? કોઈ રામરાજ્યની આશા, કોઈ રાજકીય પક્ષનાં જાહેરનામાંઓ, ભાવિ સુખને માટે અપાતાં વચનો આપણને આ હતાશાથી બચાવી શકશે ખરાં?

આ સ્થિતિમાં અદના આદમીનું શું? એનો ચહેરો તો ધીમે ધીમે ભુંસાતો જ રહ્યો છે. મતમથક પર એનો અંગૂઠો એ પાડે છે, ક્યાંક એ આંગળી ઊંચી કરે છે. ક્યાંક સરઘસમાં હેઇસો હેઇસો કરતો જોડાય છે, ને આખરે તો દિવસને છેડે એ પોતાની હતાશાની સામે જોતો બેસી રહે છે. આ માનવી છતાં માનવી મટી જનારા ને આખરે તો મૂંગાં પશુની જમાતમાં ભળી જનારાની સંખ્યા આપણા જમાનામાં વધતી જાય છે. જે લોકો સમાજમાં, રાજતન્ત્રમાં અગ્રસ્થાને છે એઓ આ વર્ગને જ સત્તાશોખ ભોગવવા સાધન તરીકે, પોતાની ઇચ્છા પૂરી કરવાને મજૂરી કરનારા ગુલામો તરીકે વાપરે છે, હવેના ગુલામો કેવા પ્રકારની ક્રાન્તિ કરશે? કોન્શન્ટ્રેશન કેમ્પમાં મૂગે મોઢે લાખ્ખોની સંખ્યામાં હોમાઈ ગયેલા માનવીઓની યાતનાએ પણ જો માનવજાતિના અન્તરાત્માને ઢંઢોળીને જગાડ્યો નહીં હોય તો સામૂહિક હત્યા હવે આપણને કોઠે પડી ગઈ છે. કોઈ ધર્મ કે ફિલસૂફીની મદદથી નહીં પણ ટેવને કારણે આપણે હવે મૃત્યુ સ્વીકારી લીધું છે. મરણનો આ સ્વીકાર એ ખરેખર ચોંકાવી મૂકે એવી ઘટના છે. એટલે અંશે જીવનને આપણે નકાર્યું છે. રડ્યાખડ્યા આદમીનો આપઘાત તો કોઈ સમાજવિજ્ઞાનીના કોષ્ટકનો આંકડો માત્ર છે. આવી સ્થિતિમાં ચૂંટણીના ઢંઢેરાઓ, એને માટેની પડાપડી, એનો જોરશોરથી થતો પ્રચાર – આ બધું કેવું તો હાસ્યાસ્પદ લાગે છે! પોતાના વામણાપણાની જાહેરાત એ એક મોટું પ્રહસન છે, ને દેશને ભરખી જતી દારુણ પરિસ્થિતિ જ્યારે આવી કરુણ હોય ત્યારે આવાં પ્રહસનો ભજવાઈ રહ્યાં છે!