ઇદમ્ સર્વમ્/વણતરસી જીવનતૃષા


વણતરસી જીવનતૃષા

સુરેશ જોષી

કોઈ વાર એવું લાગે છે કે હવાને જાણે તીણા દાંત છે. તડકો કાટ ખાઈ ગયેલી છરીની ધાર જેવો લાગે છે. પાણી કાચના ઝીણા ભૂકા જેવું લાગે છે. આપણી પોતાની આંખ શારડીની અણીની જેમ મગજને કોતરતી લાગે છે. એને બંધ કરી શકાતી નથી. કદાચ આપણે માટે સૌથી ભયંકર શાપ આ જ હોઈ શકે. એથી જ તો સાર્ત્રની નરકની કલ્પનામાં ‘ઇન કેમેરા’ નાટકનાં પાત્રો આંખ બીડી શકતાં નથી. બ્રહ્માણ્ડના સર્જન વેળાએ પૃથ્વીમાંથી ચન્દ્ર દૂર ફેંકાયો એ તો એક વાર બની ચૂક્યું. અનેક જ્વાળામુખીવાળો ચન્દ્ર આપણે માટે તો આખરે શીતળ બની રહ્યો, પણ આપણા ચિત્તના બ્રહ્માણ્ડમાં તો આ ભાંગવાતૂટવાની, દૂર ફેંકાવાની ક્રિયા ચાલ્યા જ કરે છે. આ ઉત્પાત સહન કરવાની ક્ષમતા આપણામાં છે ખરી?

આથી જ તો સહેલાઈથી સ્વસ્થતા પ્રાપ્ત કરી શકનારાઓની મને અદેખાઈ નથી આવતી. ઠંડા પડી ગયેલા નિર્જીવ ગ્રહના જેવી એમની જિન્દગીમાં માત્ર ઠરી ગયેલા જ્વાળામુખીઓનાં ઘારાં સિવાય બીજું કશું નથી. આપણી બે આંખો એ ખુલ્લા અને કદી ન રૂઝાનારા એવા ઘા જેવી છે. આપણું મોઢું પણ એવું જ છે. આસ્તિક લોકો એમ કહેશે કે એ ઘા ઈશ્વરથી આપણા થયેલા વિચ્છેદનો છે. આપણો જન્મ પણ ઘાના મુખમાંથી જ થાય છે. આપણા મરણમાં જ કેવળ નિશ્ચેષ્ટતા છે, પણ કેટલાક લોકો મરણ પહેલાં આવી નિશ્ચેષ્ટતા પ્રાપ્ત કરી લે છે.

દિવસ દરમિયાન કેટલાં બધાં માણસો જોડે મળવાનું થાય છે. સૌ પોતપોતાના ભ્રમણપથમાં પોતાની ધરી પર ફરતાં હોય છે. આપણી ભ્રમણગતિનો જો કોઈની ભ્રમણગતિ જોડે મેળ ખાય છે તો અજવાળું અજવાળું થઈ જાય છે. લયના મેળનું સંગીત સંભળાવા લાગે છે. પણ અરાજકતાના અકસ્માતો વચ્ચે આવો મેળ પણ એક અકસ્માત જ બની રહે છે. વાતો કરતી વેળાએ કોઈ વાર મને મારો જ અવાજ પારકો લાગે છે. એનો અમુક લહેકો મને ખંધાઈભર્યો લાગે છે. કોઈ વાર રોષની આંચને દબાવી દેવી પડે છે. કોઈ વાર શબ્દો ઝરણાની જેમ ખળખળ વહી જતા હોય ત્યારે જાતે જ શિલા થઈને એને રોકી લેવા પડે છે. ધીમે ધીમે ચેતના દાહક તેજાબ જેવી બની જાય છે. સ્વપ્નોની કોર દાઝે છે. વિચારો ઘુમાય છે, ને કશું કારણ નથી હોતું છતાં આંખે ઝાંય વળે છે. મારી આજુબાજુ માણસોને બોલતાં સાંભળું છું. કોઈનો અવાજ પવનમાં ખખડતાં પતરાં જેવો હોય છે. કોઈનો અબરખના પડ જેવો, કોઈનો અવાજ સિન્થેટીક રબરના જેવો તો કોઈનો સેક્રિન જેવો – પહેલાં મીઠો ને પાછળ કડવાશ મૂકી જનારો. સૂકા ઘાસમાં થઈને દોડી જતી અગ્નિની ઝાળ જેવો અવાજ પણ સાંભળ્યો છે. કોઈક વાર નિર્જન સૂના સૂના મહાદેવના મન્દિરના ગભારામાં વાગતા જૂના ઘંટના જેવો અવાજ પણ સંભળાય છે. મને આંખ બંધ કરીને માનવીના અવાજો સાંભળવાનું ગમે છે. અહંકારીના અવાજમાં જે બરડતા હોય છે તે છતી થઈ જાય છે. દંભીના અવાજમાં શેવાળના જેવી ચીકણી લિસ્સી ભીનાશ હોય છે. દિવસને છેડે આ બધા સાંભળેલા અવાજોના ભંગારમાં દટાઈ ગયેલો એક અર્ધોચ્ચારિત શબ્દ – શરદની રાતની અખીલી પોયણીના જેવો ઝાકળભીનો, ચન્દ્રસ્પર્શ્યો ને રાત્રિના એકાન્તના મખમલમાં વીંટેલો – શોધવો શી રીતે!

આમ જ બધું મૂલ્યવાન આ સંસારમાં ભંગાર નીચે દટાઈ જાય છે. એ મહામૂલું ધન જો શોધીને ફરી પામીએ તો ઠીક, નહીં તો જિન્દગી પોતે જ ભંગાર બની જાય. કેટલી વાર એક આંસુ માત્રથી બચી જવાય પણ આપણા નસીબમાં એ આંસુ હોતું નથી. કેટલીક વાર આપણાં ચરણ આપણને જુદી જ દિશામાં દોરી લઈ જાય છે. પછી આપણે જ ઊંડા ભોંયરામાં ઊતરી પડીએ છીએ, પછી એનો બીજો છેડો શોધવામાં જિન્દગી પૂરી થાય છે. પણ થરમોસના કાચના બે પડ વચ્ચેની રેતી જેવું કેટલીક વાર આપણું જીવન બની જાય છે. માત્ર કોઈકની ગરમી કે ઠંડીને સાચવી રાખવાનું આપણું કામ હોય છે. પ્રેમ આપણે સાચવી રાખવો, પણ તે અસ્પૃશ્ય રહીને, એનો અંશ સરખો આપણે ન પામીએ, બે કાચના પડની કેદ એ જ આપણી સુરક્ષિતતા! આ સુરક્ષિત રહેવાની વૃત્તિ જ આપણને વામણાં બનાવી દે છે.

ઘણા લોકો આપણી પાસેથી સાકરના ગાંગડા જેવી જ અપેક્ષા રાખે છે. એઓ ધારે ત્યારે આપણને મોઢામાં મમળાવી શકે, આપણને ચૂસી શકે. આપણું ચૂર્ણ કરી શકે. આપણને ઓગાળી દઈ શકે, પણ આ બધી સ્થિતિમાં આપણે આપણી મધુરતા છોડવાની નહીં. આમ છતાં આપણી મધુરતાની માત્રાથી એમને કદી સન્તોષ થતો નથી.

ઘણાં ઘર જોઉં છું તો પ્રાણ વગરનાં ખોખા જેવાં લાગે છે, વાનિર્શ કરેલું ફનિર્ચર હોય છે. આદમકદ અરીસા હોય છે, બારણે તોરણ ઝૂલતાં હોય છે છતાં ક્યાંય ધરપત થતી નથી. આથી અજાણ્યા ઘરમાં પ્રવેશતાં જરા ભય લાગે છે. કોઈ ઘરમાં માનવી જ સંગ્રહસ્થાન જેવાં હોય છે. હવાની પેટીમાં પુરાઈને એઓ જીવે છે. બનાવટી દાંતનું ચોકઠું તો આપણને પરિચિત છે, પણ આખું મોઢું બનાવટી પહેરનારાં માણસો ક્યાં નથી?

જીવનની તૃષા ઘણી વાર સંતોષાતી નથી. આંખ તરસી રહી જાય છે. દરરોજની એકસરખી જીવનરીતિનું ઘટનાચક્ર ફરતું રહે છે – શૂન્યને શૂન્યમાંથી ઉલેચે છે. તેથી કરીને આ તૃષાથી બચવાની પ્રાર્થના હું કરતો નથી. એ તૃષા ન હોય તો જીવનની ઝંખના જ ન રહે. આઠે પહોરનો નિત્યક્રમ તે કાંઈ જીવન નથી. આ તૃષાની અવેજીમાં બીજું કશું ચાલી શકે નહીં. સમાધાનવૃત્તિ ધરાવનારા સન્ત જ હોય છે, એવું મને લાગતું નથી. એઓ મોટે ભાગે તો કાયર જ હોય છે. અજંપો હોવો તેને ભલે અવાસ્તવિકતાનું લક્ષણ ગણવામાં આવે. માણસ હોવું અને પૂરા સાત્ત્વિક હોવાનો દાવો કરવો એ અસમ્ભવિત ઘટના છે. એ સાધ્ય ભલે હોય, પણ જે ઘડીએ એ સિદ્ધ થઈ ચૂકે પછી તમે માનવસન્દર્ભની બહાર ચાલ્યા જાઓ છો. આ અજંપો રોમેન્ટિક સ્વભાવનું લક્ષણ છે, નાદાની છે, ઠરેલપણાનો અભાવ છે – આ બધું જિન્દગીભર સાંભળતો આવ્યો છું પણ સળ જરાય ન ભાંગી હોય એવાં કોરાં કકડતાં કપડાંવાળો ભદ્ર સમાજ મને ગૂંગળાવી મૂકે છે. ભદ્રતા એટલે નિર્વીર્યતા એમ શા માટે હોવું જોઈએ? પ્રાણનો ઉદ્રેક પ્રબળપણે વર્તાવો જોઈએ. એના ઉચ્છલ સ્રોતનો કલધ્વનિ સાંભળવાને હું તલસી રહું છું.

સવારે જોઉં છું તો દિશાઓનાં મુખ મ્લાન હોય છે. હજી ઠંડીનો ચમકારો અનુભવાતો નથી. તારા અને તૃણ વચ્ચે હજુ આકાશી વાર્તાલાપ શરૂ થયો નથી. હજી સુરખીનો અનુભવ થતો નથી, બધું જાણે મન્દપ્રાણ છે. પણ મને કરાર વળતો નથી. દિવસને છેડે સૂવા માટે આંખો બીડું છું ત્યારેય નિદ્રાના પાતળા આસ્તરણને ભેદીને આ અજંપો ઉછાળા મારે છે. કોઈ વાર એ આસ્તરણ ફાટી જાય છે. ઉન્નિદ્ર આંખે રાત્રિના પ્રહરોની છાયાને જોઈ રહું છું ત્યારે ડહોળાયેલી સ્મૃતિનાં જળ નીતર્યાં બને છે. વર્તમાનના પટ પરથી હડસેલાઈ ગયેલો ને ભૂતકાળ બની ગયેલો સમય પાછો આવે છે ને બધું એકાકાર થઈ જાય છે, શરીર અને ચેતના જાણે એકરૂપ બની જાય છે. આવી સ્થિતિમાં જ સરી પડીને રાતને ચાલી જવા દઉં છું. સૂરજનું પહેલું કિરણ આ એકરૂપતાને છેદી નાંખે છે. શરીર થાકની ફરિયાદ કરવા લાગે છે. ચિત્તના ઉધામા શરૂ થાય છે. આ કલહથી દિવસનો પ્રારંભ થાય છે. કલહથી પ્રસન્નતા સુધીની એ દિવસભરની યાત્રાનો ઇતિહાસ હંમેશાં આલેખી શકાતો નથી. કેટલીક વાર એક દૃષ્ટિપાતમાં જ એ આખો ઇતિહાસ સમાઈ જાય છે. તો કેટલીક વાર મૌનના તોડી નહીં શકાયેલા પડની અંદર એનો મર્મ ઢંકાયેલો જ રહી જાય છે. કેટલીક વાર શબ્દોનાં ઠાલાં ફોફાં તર્યાં કરે છે. પણ જાગૃત રહેલી ચેતના બધી રેખાઓને સાચવી રાખે છે.

દિવાળી આવી છે. ફરજપૂર્વક બધા ઉત્સાહ લાવવા જાય છે. અત્યાર સુધી અગ્નિ માનવજાતિને વફાદાર રહ્યો છે. માનવીએ એને જ્યારે પ્રગટાવ્યો છે ત્યારે એ પ્રગટ્યો છે પણ ધારો કે ચકમક ઘસીએ ને તણખો ન ઝર્યો તો? બટન દાબીએ ને વીજળી ન થાય તો? આંખ ખોલીએ ને જ્યોતિ ન પ્રકટે તો? તો અમાવાસ્યાનો વિજય થાય. આપણી આ સંસ્કૃતિના ભાર નીચે દબાયેલી દુનિયા હવે થાકેલી લાગે છે. યુદ્ધોની આંચકીરૂપે એ પોતાની રહીસહી શક્તિની જાહેરાત કરે છે. આવી રહેલા હિમયુગ સામે ટકી રહેવા માનવજાતિ જાણે યુદ્ધનું તાપણું સળગાવે છે. માનવી કદાચ શબ્દોથીય હવે કંટાળ્યો છે : કદાચ હવે જોઈ સાંભળીને સંતોષ માનશે. એ શબ્દ નહિ હોય પણ ઇલેક્ટ્રોનિક ધ્વનિસંકેત માત્ર હશે. લખવાની લિપિનીય જરૂર નહીં રહે. આદિ માનવના જેવી જ થોડી કિકિયારીથી એ કામ કદાચ ચાલી જશે. આ દિવસોમાં આશાને શોધીએ ને સાચવીએ. આ દિવસોમાં થોડો દમ્ભ તો આપણે સૌ કરીશું જ. પણ થોડું સત્ય ભાગે આવે તો ડરીએ નહીં એવું ઇચ્છીએ.