ઇદમ્ સર્વમ્/શબ્દમોક્ષ


શબ્દમોક્ષ

સુરેશ જોષી

હવે તો એવું બોલવાની કળા શીખવી જોઈએ જેથી બોલ્યા છતાં કશું જ ન બોલ્યા હોઈએ એવું લાગે. કોઈ આપણા શબ્દનો સહેજ સરખો ભાર ઉપાડવા માગતું નથી. સમુદ્રનાં મોજાં કેટલાય ટનની સ્ટીમરને ઉછાળે, પણ કાંઠે રેલાતાં એની ભરતીનાં ફીણ તો ભંગુર, હવામાં ઊડી જાય એવાં. હવે તો શબ્દને બુદ્બુદ જેવા બનાવવાની કળા શીખવી જોઈએ. રહે તેટલી વાર સાત રંગોની લીલા દેખાય, પછી શૂન્ય. હૃદયના ઊંડાણમાંથી (હૃદયનું આ ઊંડાણ જ ખતરનાક વસ્તુ છે) આવતા શબ્દો ભારે હોય છે, કાચી ધાતુના ગઠ્ઠા જેવા, એને આંસુના તેજાબથી ધોઈ નાખો, જેટલો તાપ હોય તેનાથી તપાવો, જેટલું ગાળવા જેવું હોય તેટલું ગાળી નાખો, પછી એ ગઠ્ઠામાંથી જે રતીભર બચે તે જ બહાર પ્રકટ કરો, તો કોઈ એને અલંકારની જેમ ધારણ કરશે એવી આશા પણ રાખશો નહીં. તો ઠગાઈ જવાનો વારો આવશે. માટે એ રતીભર અવશેષને પણ તમારા હૃદયમાંના શૂન્યમાં જ ઓગાળી નાખજો.

બાળપણમાં શબ્દો પતંગિયા જેવા હળવા હતા, ઊડાઊડ કરતા હતા. પાંચીકાની જેમ ઉછાળી શકાતા હતા. બાળપોથીમાંના શબ્દો પણ ઊડતા થઈ જતા હતા. હૃદયમાં સંઘરી રાખવા જેવા કે સંતાડી રાખવા જેવા શબ્દોની તો ત્યારે ભાળ લાધી જ નહોતી. એકાદ બહારથી સાંભળેલો કડવો કે ભારે શબ્દ તરત જ આંસુમાં ઓગળીને બહાર વહી જતો હતો. પણ પછી આંખ સૂકાતી ગઈ, એનું ઊંડાણ વધતું ગયું. હૃદય મીંઢું અને લોભી થતું ગયું. થોડાક શબ્દો સંઘરવા લાગ્યું. હૃદયના ઉધામાનો પાર ન રહ્યો. એ પણ એ બધાં જોડે આલાપ-સંલાપમાં પરોવાઈ ગયું. જે નહોતું સંભળાતું તેય સંભળાવા લાગ્યું. શિરીષની ઊંચી ડાળેથી ફૂલોનો નિ:શ્વાસ સાંભળ્યો, જળના અવિશુદ્ધ ઊંડાણમાંથી બોલાતો શબ્દ પણ સાંભળ્યો. રાતે આંખો જાગી જાગીને અન્ધકારને પણ સાંભળવા લાગી. આંખ કરતાં પણ કાન વધારે જાગતો થઈ ગયો. આ દરમિયાન હૃદયના ધબકારાનો લય ક્યારે બદલાયો તેની ખબર નહીં પડી. સૂર્ય ચન્દ્ર તો એના એ જ હતા, એનો એ જ પવન હતો. છતાં કશાંના પણ નિમિત્તે હૃદય લાખ વાતો કહેવા બેસી જતું. એને એવી ભોળી શ્રદ્ધા હતી કે ક્યાંક કોઈક એક ચિત્તે ઉત્સુકતાથી વિસ્ફારિત નેત્રે આ બધું સાંભળી રહ્યું છે. પછી તો વરસાદના એક ટીપાનો અવાજ, આછો શો પર્ણમર્મર પણ ચોંકાવી જવા લાગ્યો. બધું અસહ્ય રીતે તીક્ષ્ણ બની ગયું. શબ્દોનાં અડાબીડ વન ખડાં થઈ ગયાં, સાગરો ગર્જના કરવા લાગ્યા. ઘનઘોર ઘટાને ચીરીને શબ્દની વિદ્યુત્ ચમકવા લાગી. હૃદયને મૂર્ચ્છા વળી, બે આંખોએ બીજી બે આંખોમાં એક શબ્દ ઓળખી લીધો. એ શબ્દ અનેક રૂપે વિસ્તરવા લાગ્યો. બધી બાજુથી એ શબ્દ પોષણ મેળવવા લાગ્યો. બિચારા લઘુક હૃદયનું તે શું ગજું કે એ શબ્દની પુષ્ટતાને સહી શકે?

આ દરમિયાન એક એકાક્ષરી શબ્દ આવીને ટકરાયો – અણુબોમ્બની જેમ. શબ્દોનો કાટમાળ બધે છવાઈ ગયો, એમાં સૂરજ ડૂબ્યો. ફેરનહાઇટમાં માપી નહીં શકાય એવી ઉષ્ણતાએ બધું ઓગાળી નાખ્યું. નરી બાષ્પ બધે વ્યાપી ગઈ, બધે કેવળ આકારહીન ગઠ્ઠા બાઝી ગયા. આમાંથી ફરી શબ્દને કંડારવાની હામ ભીડી શકાય?

હજી ખૂણેખાંચરેથી શબ્દનાં હાડપંજિરો નીકળે છે, કેટલીક વાર બળી ગયેલા કાગળ જેવાં, તો કેટલીક વાર અર્ધા સળગેલાં લાકડાં જેવાં. એની ગૂંગળાવી નાખનારી ઝેરી વરાળથી બચી શકાતું નથી. અહીં કોઈ કૂણી કૂંપળ શી રીતે ખીલે? અહીં કોઈ મીઠો ટહુકો શી રીતે સંભળાય? માટે તો ચારે બાજુ છે ભીષણ મૌન. આ મૌન તો પોલું નથી, નક્કર છે. કારણ કે એ મૌન મરેલા શબ્દોના ઢગલાનું બનેલું છે. હવે જો કશું ઉચ્ચારવા જઈએ તો આ ભાર એ ઉચ્ચારણને કચડી નાખે છે.

એથી જ તો પ્રશ્ન થાય છે કે આ ભાર શી રીતે ઉલેચવો? બાળકોના જેવું બોલવાનું તો હવે શક્ય નથી. કેવળ સંતોની જેમ અલખની ધૂન લગાવવાનું પણ શક્ય નથી. જેમ મૌન ઘેરું થતું જાય છે તેમ આંખો ઊંડે ને ઊંડે ઊતરતી જાય છે. એ આંખોમાં પણ હવે કોઈ દૃષ્ટિ કરી શકે એમ નથી કારણ કે એનું ઊંડાણ ભયાવહ છે.

હવે તો એવા શબ્દની જરૂર છે જે અડતાં જ ભાંગીને ચૂરેચૂરો થઈ જાય, જે ઉચ્ચારાતાંની સાથે જ હવામાં નિ:શબ્દ બનીને લુપ્ત થઈ જાય. તર્કને પગથિયે ભાર મૂકીને ચાલનારો શબ્દ પણ ખપનો નથી. કારણ કે એક પછી એક દલીલના આંકડા સાંધીનેય આખરે તો ભાર જ વધારવાનો ને! કવિનો શબ્દ પણ કામનો નથી, કારણ કે એમાં તો વ્યંજનાનાં સાત પાતાળ હોય. અરે, એક ઉદ્ગાર પણ સરી જાય તેની બીક લાગે છે કારણ કે એ ઉદ્ગાર પણ ઘણી વાર સ્ફોટક નીવડે છે ને સુરંગ ચાંપી દે છે.

બીડેલી પાંપણ વચ્ચે સ્વપ્નોનો ઘોંઘાટ ચાલુ રહે છે. હૃદય તો હથોડા ઠોકવાના અવાજો કરતું જ રહે છે. ઉનાળાનો તડકો તો ભારે ઘોંઘાટિયો છે. શહેરની રાત્રિ સદા કણસવાના અવાજોથી ઉભરાય છે, ઘરમાં સદા ટપક્યા કરતા નળની એકોક્તિ ચાલુ જ રહે છે. શેરીના વીજળીના દીવા પણ આખી રાત બોલબોલ કર્યા કરે છે. સૌથી વધુ અવાજ કરે છે મારો શ્વાસ જે અનેક મુશ્કેલીઓને ઠેકીને મારામાં પ્રવેશે છે. એનો આ ખંત મને હાસ્યાસ્પદ લાગે છે. રાજહઠ જેવી જ છે આ શ્વાસહઠ! હવે ખડખડ હસવાની પણ બીક લાગે છે. સહેજ જ હોઠ ખૂલે એટલું જ હસવાની કાળજી રાખવી પડે છે. બે શબ્દો વચ્ચેના પોલાણમાં જેને આપણે શાન્તિ કહીએ છીએ તે પણ ઘૂઘવે છે. ઘરના ખૂણામાં મૂંગું બેઠેલું દર્પણ પણ ખંધું છે. એની દૃષ્ટિ મળતાં જ એ બોલવા લાગે છે, નાટકના ખલપાત્રની જેમ. ગોખલામાં બેઠેલા દેવના યુગયુગનાં સ્તોત્રોનો ઘોંઘાટ છે. ઘીના દીવાની જીભ પણ લપલપ કર્યા જ કરતી હોય છે.

શબ્દોનાં આ અડાબીડ વનને હવે શી રીતે ઉજ્જડ કરવાં? જૂનાં ખંડેરને લીલ બાઝે તેમ હૃદયમાં જે ભંગાર છે તેના પર પણ શબ્દોની લીલ બાઝી છે. હવે તો મારા શબ્દોથી હું જ ગભરાઈ જાઉં છું. હવે સૌથી મોટી લાચારી શબ્દ બોલવાની છે. પહેલાં જે ઉત્સાહથી શબ્દને ઘડતો, એને અ-ક્ષર બનાવવા મથતો તે જ હવે સૌથી મોટું વિઘ્ન બની રહ્યું છે, છાપેલા શબ્દો તો મારા પછી પણ રહેશે, અને એ રીતે મારા મરણનો પણ ઘોંઘાટ ચાલુ રહેશે. આથી જ તો કોઈકને બહુ આસાનીથી મૌન ધારણ કરતાં જોઉં છું ત્યારે અદેખાઈ થાય છે.

સાંભળવાની કળા વધારે ખીલવવી જોઈતી હતી. હવે તો શ્રોતાનો પાઠ ભજવવાનું અઘરું છે. પુસ્તક લઈને બેસું ત્યારે લેખકની અસ્ખલિત વાણી સાંભળ્યા કરું છું. એકાન્તમાં શબ્દનો પડઘો ભયાનક લાગે છે. આ બધો ઘોંઘાટ બંધ કર્યા પછી જ અનહદ નાદ સંભળાય એમ જે સન્તો કહી ગયા તે સાચું લાગે છે. આ અર્થમાં શબ્દો સર્જવાની પ્રવૃત્તિનું વૈતથ્ય પણ સમજાયું. જાહેરસભાને સમ્બોધન કરવાની પ્રવૃત્તિ એવી તો હાસ્યાસ્પદ લાગે છે કે બોલવાનું પૂરું કરતાં પહેલાં હું પોતે જ મારા પર હસવા લાગું એવું બનવાનો પૂરેપૂરો સંભવ રહે છે.

સાપ તો દરમાં ભરાઈ જાય, પણ શબ્દ પાછો દરમાં ભરાઈ જતો નથી. એટલે તો કહ્યું છે કે બોલાયેલો શબ્દ અને છૂટેલું બાણ પાછાં આવતાં નથી. દરેક બહાર ફેંકાયેલા શબ્દ સાથે આપણી રઝળપાટ શરૂ થાય છે. શબ્દની અમરતા એ એના ઉચ્ચારનારને માટે તો શાપ છે. ઘણી વાર આપણા જ રઝળતા શબ્દો આપણને ભટકાય છે. એ મિલન બહુ સુખદ હોતું નથી, કારણ કે એ શબ્દોને ફરી આવકારીને આપણે આપણામાં સમાવી લઈ શકતા નથી. શબ્દનો મોક્ષ થતો નથી એટલું શબ્દ ઉચ્ચારનાર જાણતો હોય તો?