ઇન્સાન મિટા દૂંગા અને બીજી વાતો/પૅન્શન

પૅન્શન

અમે તેને ઉમર જમાદાર કહેતા. પૅડકમાં બે ઉમર જમાદાર હતા. તેથી ક્યારેક્યારેક અમે તેને મોટા જમાદાર પણ કહેતા. મોટા જમાદારનું શરીર લાંબું હતું, પણ વૃદ્ધાવસ્થાને લીધે તે સહેજ વાંકું વળી ગયું હતું, છતાં ભલભલા જુવાનોને હંફાવે તેટલી તેનામાં તાકાત હતી. દાઢી સાવ સફેદ થઈ ગઈ હતી અને ગાલમાં ખાડા પડી ગયા હતા. આંખો ઊંડી ગયેલી છતાં ભેદક હતી. કપાળ ઉપરની નસો બહાર દેખાતી હતી. હાથમાં એક ડાંગ તો હોય જ. રોજ રાત્રે અમારા બંગલાના ફળિયામાં આવીને તે બેસે, અમે સૌ નાનાં છોકરાંઓ તેને વીંટળાઈ વળીએ. અમારા ફળિયામાં એક મોટી જમરૂખી હતી. તેના થડનો ટેકો લઈને તે બેસતો. ચંદ્રનો પ્રકાશ જમરૂખીનાં પાંદડાંઓમાંથી ચળાઈને આવતો અને વૃદ્ધ જમાદારની સફેદ દાઢી ઉપર પડતો. પછી તો તે વાર્તા માંડતો. હતો તો મુસલમાન, પણ આપણા સમાજની બધી જ પ્રચલિત વાર્તાઓ તે જાણતો. વાર્તા પૂરી થાય એ પહેલાં તો અમારામાંનાં ઘણાંખરાં ઊંઘી જતાં. મારા ઉપર જમાદારને બહુ જ વહાલ હતું. હું મોટે ભાગે તેની પડખે જ બેસતો અને તેના ખોળામાં જ સૂઈ જતો. તેના ખોળાના હક બાબત અમે સૌ ભાઈબહેનો માંહોમાંહે ખૂબ લડતાં, પણ મોટા જમાદાર સૌને સમજાવીપટાવીને છેવટે પાસે તો મને જ રાખતા. સવારે અમને સાથે લઈને તે ટેકરીઓમાં ફરવા ઊપડતો. જાતજાતનાં પંખીઓ તથા જાતજાતનાં ઝાડો બતાવતો અને અવનવી વાતો કહેતો. તે દિવસે તો હું કેવળ કુતૂહલ જ શમાવતો, પણ જો આજના જેટલો તે દિવસે પણ મોટો હોત તો હું કોઈ વનસ્પતિશાસ્ત્રી બની ગયો હોત. મારાં બધાં ભાંડુઓમાં હું સૌથી નાનો હતો, તેથી જમાદારના જમણા હાથની આંગળી પકડવાનું તો મને જ મળતું. અમે રહેતાં તે બંગલાની સામે એક મેદાન હતું. તેના છેડા ઉપર સાઈસોને રહેવાની ઓરડીઓની હાર શરૂ થતી. તેનાથી સહેજ દૂર મોટા જમાદારની નાની ઓરડી હતી. પડખે જ તબેલા હતા અને તબેલાની પાછળ સીતાફળીનાં વન હતાં. એ વનમાં એક મોટું કબ્રસ્તાન હતું. એ કબ્રસ્તાન પછી એક નાની સરખીવાડી આવતી ને વાડીની વચ્ચોવચ્ચ એક સુંદર મસ્જિદ હતી. એ મસ્જિદના સાંઈની પ્રતિષ્ઠા આખું રાજ્ય સાચવતું. સાંઈને નાનો એવો ગરાસ અને આંબા તથા સીતાફળીનાં વન હતાં. ઉમર જમાદાર તે સાંઈનો ભારે ભક્ત હતો. દિવસમાં પાંચેય વખત તે મસ્જિદમાં જઈને નમાઝ પઢતો. ઉંમરમાં જોકે સાંઈથી તો મોટો હતો, તો યે સાંઈ તેને પુત્રવત્ સાચવતા. તેને ભાજી તથા ફળ આપતા ને જરૂર પડે તો રૂપિયા પણ દેતા. મોટો જમાદાર સાંઈની સાચા દિલથી સેવા કરતો. સાંઈનું બિછાનું પાથરવાનું કામ તેના સિવાય કોઈથી ન કરાતું. જોકે સાંઈને નોકરો ઘણા હતા. અમે સાંજે નિશાળેથી પાછા આવી મોટા જમાદારને ત્યાં જતા. અમને અમારા શિક્ષક ગમતા નહોતો, તેથી અમે અમારા બાપુને કહેતા, કે તમે મોટા જમાદારને અમારા માસ્તર કરો તો! પણ અમારા બાપુ અમને હસી કાઢતા. તે વખતે પણ તે વિચિત્ર લાગતું અને આજે પણ લાગે છે. અમને એ ફળો ખાવા આપતો અને લીલાં નાળિયેરનું પાણી પાતો. અમારે ત્યાં પણ ફળ અને લીલાં નાળિયેર આવતાં, પણ અમને જમાદારને ત્યાં ખાવામાં ઓર મઝા આવતી. ક્યારેક્યારેક શિયાળામાં તે અમને સીતાફળીઓમાં વનપક્વ સીતાફળો ખાવા લઈ જતો અને એનાં સરસ મઝાના લૂમખાં બનાવી સાથે પણ આપતો. મારા પિતા પૅડકના ઉપરી હતા. મારા પિતાના ઉપરી એક ડોક્ટર હતા, પણ તેઓ તો ક્યારેક જ ત્યાં આવતા, એટલે બધો જ અધિકાર મારા પિતાના હાથમાં હતો. જમાદારની ઉંમર પેન્શન મળે તેવડી થઈ ગઈ હતી, પણ ઉમર જમાદારને પેન્શન ગમતું નહિ અને મારા પિતાએ તેને રહેવા દીધો હતો. એ લગભગ અમારા કુટુંબીજન જેવો થઈ ગયો હતો. જ્યારે-જ્યારે અમારે ત્યાં કંઈક નવીન ખાવાનું થાય ત્યારે ઉમર તો અચૂક આવ્યો જ હોય. મારા પિતાની બાને અમે મા કહેતા. ઉમર પણ મા કહેતો અને આખું પૅડક મા કહેતું. એ ક્યારેક બપોરે આવતો અને કહેતો : ‘મા, ભૂખ લાગી છે’ અને મા તેને ખાવાનું આપતાં. ક્યારેકક્યારેક તે અમને તેના જીવનની વાતો કહેતો. તે વખતે તો અમે બાઘાની જેમ તાકી રહેતાં, પણ અત્યારે જ્યારે તેના જીવનની એ કરુણ કથાઓ સંભારું છું ત્યારે આંખો ભીની થાય છે. તેની સ્ત્રી એક નાનું બાળક મૂકીને બહુ જ નાની વયમાં મરી ગઈ હતી; એટલે જમાદાર તે છોકરાને ઉછેરવા મા બનેલો; પણ અંતે છોકરો પણ મરી ગયો. જમાદારની ઉંમર તે વખતે માત્ર પચ્ચીસ વર્ષની હતી. પચ્ચીસથી પંચોતેર વર્ષ સુધી જગતમાં તે એકલો જ હતો. પોતાના છોકરા તરફનું વાત્સલ્ય તેણે અમારા ઉપર ઢોળ્યું હતું. અંતરની ઊણપ પૂરવા તેણે એક ધર્મની બહેન કરી હતી. તેઓ બંને અનેક વાર કલાકોના કલાકો સુધી સાથે બેસી સુખદુ:ખની વાતો કરતાં. તેની એ બહેનનો પતિ દારૂડિયો હતો. ભાઈબહેન બંને દાઝેલાં હતાં. બંને દુખિયારાં એકબીજાની હૂંફ મેળવતાં. એ બહેનના પતિને આ નહોતું ગમતું, તોય જમાદાર સામે હુંકારો કરવાની તેનામાં હિંમત નહોતી. એક દિવસ અચાનક એ બહેન પણ મરી ગઈ. જમાદારને માથે જાણે આભ તૂટી પડ્યું! જમાદાર શૂન્યમનસ્ક જેવો બની ગયો. સાંઈએ ઉપદેશ આપ્યો કે ‘ખુદાની મરજી પ્રમાણે બધું બને છે. ઈન્સાન કાંઈ કરી શકતો નથી.’ જમાદાર રોતો રહ્યો. એક દિવસ તેને વિચાર આવ્યો, કે બહેનનું કાંઈક સંભારણ રાખ્યું હોય તો સારું. પોતાની બહેનના પતિને ત્યાં એ ગયો. જમાદારને જોતાં જ તેની આંખમાં ઝેર વ્યાપ્યું. તાડૂક્્યો : ‘શા માટે અહીં આવ્યો છે? બદમાશ, મારી બાઈડીને....’ જમાદારથી આ ન સહેવાયું. એકદમ કૂદ્યો અને પેલાની બોચી ઝાલી પડખેના ખાડામાં ફગાવી દીધો. બહાર થાંભલે તેની બહેનની માનીતી બકરી બાંધી હતી, તેને છોડી ચાલ્યો આવ્યો. જમાદાર જ્યારે સાંજે તેની બહેનને ત્યાં જતો, ત્યારે તે એને દૂધ પાતી. બંનેને એ બકરી ખૂબ વહાલી હતી. તેનું નામ તેઓએ મરિયમ પાડેલું. બકરી વિયાઈ. તેના બચ્ચાનું નામ જમાદારે પોતાના મૃતપુત્રના સ્મરણમાં અબ્દુલ પાડ્યું. કોણ જાણે જમાદાર પર આફતો જ મંડાઈ હોય તેમ બકરી પણ ત્યારપછી તરત જ મરી ગઈ. જમાદાર અબ્દુલને ખોળામાં લઈ મોડી રાત સુધી પંપાળ્યા કરતો. અને તેના કાળા ભમ્મર વાળ પર પોતાની સફેદ દાઢી ફેરવતો. ડોક્ટર સાહેબ મોટા પગારથી એક બીજા રાજ્યમાં નિમાયા. એ જગ્યા માટે હવે મારા પિતાનો હક હતો; પણ રાજ્યની ખટપટને લીધે તેમ ન બન્યું. ડોક્ટરની જગ્યાએ સતસિંગ નામનો એક શીખ નિમાયો. પહેલાં તે રસાલદાર હતો. તેને એક દીકરો હતો, ઇંદ્રજિત. ઇંદ્રજિતને ત્રણ છોકરાં પણ હતાં. રસાલદાર નાની ઉંમરમાં વિધુર બન્યો હતો. ડોક્ટરનો બંગલો અમારા બંગલાની પાસે જ હતો. ડોક્ટરના ગયા પછી રસાલદાર ત્યાં રહેવા આવ્યો. આવતાં વાર જ તેણે બેચાર માણસોને કાઢી મૂક્યા અને બેચારને માર્યા. આખા પૅડકમાં પોતાનો છાકોટો પાડવા આ બધું તેણે કરી નાખ્યું. મારા પિતા તરફ પણ તેની કરડી નજર હતી, પણ કાંઈ કરી નહોતો શકતો. ઇંદ્રજિતને મલ્લ થવાનો છંદ લાગ્યો હતો. વખત મળતાં તે મલ્લોની સોબતમાં ઊપડી જતો અને દંડ-બેઠક કર્યા કરતો. મલ્લ થવું હતું એટલે સારા ખોરાકની પણ જરૂર પડે એમ તે માનતો! એટલે શહેરમાં તેણે દેવું કરવા માંડ્યું. હાથના સ્નાયુઓ કેળવવા માટે રાત્રે જ્યારે રસાલદાર સૂઈ જાય ત્યારે તે કાનસથી લોઢાં ઘસતો! આ બધી વાતની રસાલદારને ખબર પડી ત્યારે તેણે તેને ખૂબ માર્યો. આટલા મોટા છોકરાને પણ આમ મારી શકાય છે તે વાત મેં ત્યારે જ જાણી. ઇંદ્રજિતની સ્ત્રી બહુ માયાળુ બાઈ હતી. તેણે ઇંદ્રજિતને બહુ વાર્યો, પણ તોય તેણે પોતાનો છંદ ન છોડ્યો. ક્યારેક-ક્યારેક અમને પણ તે કસરત શીખવતો, પણ અમારી બાએ અમને તેની પાસે જવાની ના પાડી હતી. વૃદ્ધ જમાદાર પણ ક્યારેક કહેતા કે એ જુવાન કોઈક દિવસ ભૂંડું કરી બેસશે. એક દિવસ રસાલદારને કાંટો વાગ્યો. કોઈક ખુશામતિયાએ કહ્યું કે મોટા જમાદાર કાંટો કાઢવામાં કુશળ છે. રસાલદારે તેને બોલાવી લાવવા માણસ મોકલ્યો. તે દિવસે જમાદારને તાવ આવ્યો હતો, બિચારો અબ્દુલની હૂંફ લઈ પડ્યો હતો. રસાલદારની બીકે તે ના ન પાડી શક્યો. ધ્રૂજતો-ધ્રૂજતો આવ્યો. તાવથી-બીકથી ધ્રૂજતા સોય જરા વાગી જતી ત્યારે રસાલદાર સોટી ફટકાવતો. માંડમાંડ કાંટો કાઢી તે જીવ લઈ નાઠો. રસ્તામાં બેભાન થઈ પડ્યો. અમે બધાં દોડી ગયાં અને પાણી છાંટી સચેત કર્યો. અમારે ઘેરથી ગાદલું લઈ જઈ તેને પાથરી આપ્યું અને ગરમ કામળો ઓઢાડ્યો. બાપડો ઘસઘસાટ ઊંઘી ગયો. અબ્દુલ બહાર નીકળી આમતેમ ફરતો હતો. ફરતો ફરતો તે રસાલદારના બાગમાં જઈ ચડ્યો ને તાજા ઊગેલા છોડવા ખાવા લાગ્યો. ઇંદ્રજિતની તેના પર નજર ગઈ. ખુશખુશ થઈ ગયો. આવો સરસ બકરો મળવા ખાતર ગુરુદેવનો ઉપકાર માની છરી ચલાવી. ઇંદ્રજિતે મિત્રોને બોલાવી મિજબાની ઉડાવી. જમાદાર જાગ્યો. ‘અબ્દુલ ક્યાં?’ અબ્દુલ! અબ્દુલ!’ કરતો જમાદાર આખું પૅડક ભમી વળ્યો; ખૂણેખૂણા જોઈ વળ્યો. ક્યાંય અબ્દુલનો પત્તો ન લાગ્યો. અંતે અમારાં મા પાસે આવી રડી પડ્યો. માએ તેને બધી વાત કહી સંભળાવી. જમાદારની જાણે છાતી જ બંધ થઈ ગઈ! એ ગાભરો બની ગયો. બાળકની માફક પોકેપોક મૂકીને રડી પડ્યો. રાત પડી. વાર્તા કહેવાનો સમય થયો અને અમે તેની પાસે ગયા, પણ હજી તે રડતો હતો. અમને જોઈને તે અમને બાઝી પડીને વધુ રોવા લાગ્યો. એ જોઈને મારી બહેન રડવા લાગી; અમે સૌ રડવા લાગ્યાં. મારાં માએ તેને ખાવાનો ખૂબ આગ્રહ કર્યો, પણ તેણે રોટલાનો કટકો તો શું પાણીનું ટીપું સરખુંયે મોંમાં ન ઘાલ્યું. રાત આખી તે સૂતો નહિ. ‘અબ્દુલ! અબ્દુલ!’ એમ તેણે રાત આખી બક્યા કર્યું, જાણે એનો સાચો અબ્દુલ ગુજરી ગયો! જાણે એનું સર્વસ્વ લૂંટાઈ ગયું! વીસ દિવસે સવારે તે રસાલદાર પાસે ગયો. એ વખતે રસાલદાર એક સાઈસને કાંઈક ગુનાસર મારતો હતો. જમાદાર ધ્રૂજતો-ધ્રૂજતો લપાઈને ઊભો રહ્યો. મારવાનું કામ પૂરું થયું એટલે રસાલદારે પૂછ્યું : ‘કેમ, જમાદાર કેમ આવ્યો છે?’ ‘બાપુ....’ તેનો અવાજ તૂટી પડ્યો. ‘બોલ, બોલ, જલદી બોલી નાખ. શું કહેવું છે?’ ‘બાપુ, — મારો અબ... અબ્દુલ....’ જમાદારનો અવાજ ફાટી ગયો. તેની આંખે અંધારાં આવ્યાં, તે નીચે બેસી ગયો. ‘હા, તેનું શું છે? તારે તે બદલ પૈસા જોઈએ છે ને? લે.’ રસાલદારે દસ રૂપિયાની નોટ જમાદાર પર ફેંકી — ફગાવી. ‘કસાઈ કાંઈ દસ રૂપિયાથી વધુ ન લેત.’ રસાલદાર કરડાકીથી બોલ્યા. ‘અને જો વધુ ગરબડ કરી છે ને, તો પેન્શન લેવું પડશે સમજ્યો?’ આટલું કહીને જાણે કાંઈ જ ન બન્યું હોય તેમ રસાલદાર ચાલતો થયો. જમાદાર અમારે ઘેર આવ્યો. જાણે એ બધી વાત વીસરી ગયો હતો! અમારી સૌની સામે તે ફિક્કું હસ્યો. પછી અમારા સૌના વાંસા થાબડ્યા. એવામાં મા બહાર આવ્યાં. એમને જોઈને જમાદાર બોલ્યો : ‘મા, ભૂખ લાગી છે.’ માએ ખાવાનું આપ્યું. તેણે ધરાઈને ખાધું. તે દિવસે તેની આંખો કેવી હતી! પછી તે ચાલ્યો ગયો. આખો દિવસ ન દેખાયો. રાત્રે અમે તેની ખૂબ રાહ જોઈ. પણ તે ન આવ્યો. સવાર થયું, પણ જમાદાર ક્યાંય જણાયો નહિ. રસાલદારે તેની ઓરડીએ માણસ મોકલ્યું. ઓરડી બંધ હતી; પણ અંદરથી કોઈ જવાબ દેતું ન હતું. રસાલદાર રોષભેર તેની કોટડી ભણી ગયો. ‘જમાદાર બઢ્ઢા... એણે ક્રોધથી બૂમ મારી, પણ કોઈ ન બોલ્યું. એણે જોરથી લાત મારી બારણું તોડી નાખ્યું ને અંદર ગયો. સહેજ પવન વાયો અને અભરાઈ ઉપરથી દસ રૂપિયાની નોટ ઊડી આવીને રસાલદારની છાતીએ વળગી. જમાદારે તો દુનિયા પાસેથી પેન્શન લઈ લીધું હતું!

‘(કુમાર’ : શ્રાવણ, 1985)