ઈસમાઈલી નસીરુદ્દીન પીરમહંમદ

ઈસમાઈલી નસીરુદ્દીન પીરમહંમદ, ‘નસીર ઈસ્માઈલી', ‘ઝુબીન’ (૧૨-૮-૧૯૪૬): નવલકથાકાર, વાર્તાકાર. જન્મ હિંમતનગરમાં. વતન ધોળકા. ૧૯૬રમાં મૅટ્રિક, ૧૯૬૭માં બી.કૉમ., ૧૯૬૯માં એમ.કૉમ., ૧૯૭૩માં એલએલ.બી. સેન્ટ્રલ બૅન્ક ઑફ ઇન્ડિયામાં ઑફિસર. પરંપરા અને પ્રયોગયુક્ત વાર્તાસંગ્રહ ‘આમાં ક્યાંક તમે છો' (૧૯૭૬), વાગાડંબર અને અતિરંજકતા છતાં ઘેરા સંવેદનને રજૂ કરતી નવલકથા ‘તૂટેલો એક દિવસ' (૧૯૭૮) અને ‘ઝબકાર' (૧૯૭૪) એમણે આપ્યાં છે. ઉપરાંત, પોતાની પત્ની ઝુબેદાના મૃત્યુથી લાગેલા કારમા આઘાતમાંથી જન્મેલી ત્રણ કરુણ વાર્તાઓ સમાજની વિવિધ સમસ્યાઓને વણી લેતી એમની નવલિકાઓ ‘શાયદ આકાશ ચુપ છે' (૧૯૮૨)માં ગ્રંથસ્થ છે.