ઉદયન ઠક્કરનાં ઉત્તમ કાવ્યો/પારણું

પારણું


૧.
હતો એ અંત ત્રેતાનો અને શરૂઆત દ્વાપરની
બરાબર બાર વર્ષોનો પડ્યો દુષ્કાળ ધરતી પર
જ્યાં ઝાકળ પણ નહીં બંધાય, ત્યાં વાદળ તો ક્યાંથી હોય?
ઘરેઘરમાંથી ઘરડાંને કરી દેવાયાં નિષ્કાસિત
મનુષ્યો કોળિયો કરતા હતા બીજા મનુષ્યોનો

૨.
મૂકીને અગ્નિહોત્રાદિ, ક્ષુધાવ્યાકુળ વિશ્વામિત્ર
વટાવીને વનો આવી ચડ્યા ચાંડાલવાડામાં
વરાહોનાં, ગધેડાંનાં બધે વિખરાયેલાં અસ્થિ
ઘરોના ટોડલા શોભી રહેલા કાંચળીઓથી
વળી મૃતદેહ પરનાં વસ્ત્ર સુકાતાં વળગણીએ
તૂટેલી છાપરીએથી લટકતું લાંબી દોરીએ
હજી હમણાં જ મારેલા રખડતા કૂતરાનું માંસ

૩.
પહેરી પોતડી, પાતળિયો કોઈ ચાલતો આવ્યો
લઈને લાકડી... કુતૂહલથી પૂછી બેઠા વિશ્વામિત્ર
‘તમારુંં નામ શું છે? ક્યાંથી આવ્યા? કઈ તરફ જાવું?’
‘હરિજનવાસથી આવું છું, મારું નામ છે ગાંધી.’

૪.
વિસામો ખાઈને આગંતુકે પૂછ્યું કે વિશ્વામિત્ર!
તમે શું ક્યારના તાકી રહ્યા ચાંડાલના ઘરમાં?
‘ક્ષુધાથી ક્ષુબ્ધ છું ગાંધી, હું આજે ચોરી જાવાનો
તૂટેલી છાપરીએથી લટકતું કૂતરાનું માંસ
તમે ભૂખ્યા હશો, બે-ચાર બટકાં ખાઈને જાજો’
‘પચાવું શી રીતે હું કોળિયો ચોરીનો, વિશ્વામિત્ર?’

‘મરણ કરતાં સદા જીવન વધારે હોય શ્રેયસ્કર
ને કેવળ જીવતો માણસ કરે છે ધર્મ-સંપાદન’
કહીને આંખના પલકારે વિશ્વામિત્ર તો ઊઠ્યા
લગાવ્યો કૂદકો, ઉતારી લીધું કૂતરાનું માંસ
પછી વલ્કલમાં છુપાવી દઈ વગડા ભણી નાઠા!

૫.
ન ડોલ્યો આસનેથી, ત્યાં ને ત્યાં બેસી રહ્યો ગાંધી
ગયા દિવસો છતાં દાણોય મોઢામાં નથી નાખ્યો
પછી તો એક ‘દી વહેલી સવારે વાદળો ગરજ્યાં
પવનની પ્યાલી અડક્યાથી તૃણોના ઓષ્ઠ પણ પલળ્યા
કરાવ્યું પ્રકૃતિએ પારણું સ્વહસ્તે, ગાંધીને

(૨૦૨૦)

સંદર્ભ : મહાભારત, શાંતિપર્વ
છંદવિધાન : લગાગાગા લગાગાગા લગાગાગા લગાગાગા
જેમ કે ‘મને સદ્ભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા’