ઉપજાતિ/દર્પણના ચૂરા


દર્પણના ચૂરા

સુરેશ જોષી

જીવી રહ્યો છું થઈ છિન્નભિન્ન,
સાંધી શકાતી નથી કચ્ચરો બધી!
આ બાજુથી ઈશ્વર આવી ઊભો,
સેતાન આવ્યો વળી સામી બાજુથી,
વચ્ચે મને દર્પણ શો ખડો કર્યો!

સેતાન ચ્હેરો નિજનો જુએ તો
દેખાય એને ભગવાનની છબી!
ને દર્પથી ઈશ્વર દર્પણે જુએ
દેખાય સેતાનનું બિમ્બ માત્ર!

રોષે ભર્યા બે પછી આથડે શા,
ને થાય આ દર્પણના ચૂરેચૂરા!
છે કોઈ જે આ બધી કચ્ચરોને
સાંધી મને એક અખણ્ડ રાખે?