ઉમાશંકરનો વાગ્વૈભવ/ઉપસંહાર/નિબંધ


ઉપસંહાર: નિબંધ

ગુજરાતના દસ લલિત-નિબંધકારોની યાદી કરવામાં આવે તો તેમાં ઉમાશંકર અવશ્ય સ્થાન પામે એવી એમની કામગીરી છે. એમના નિબંધોમાં ગોષ્ઠીનું તત્ત્વ વિલક્ષણ રીતે અનુભવાય છે. શૈલીપ્રસાદ, પ્રકારવૈવિધ્ય તથા વિચારતત્ત્વની દૃષ્ટિએ એ નિબંધોનું આકર્ષણ છે. એમના સ્વસ્થભદ્ર અને કરુણાવત્સલ સર્જકવ્યક્તિત્વનો પ્રસન્નચારુ ઉઘાડ પણ એ લખાણોમાં અનુભવી શકાય. ગુજરાતી નિબંધની કલાગત અનેક શક્યતાઓ ઉમાશંકરે ‘ગોષ્ઠી’ અને ‘ઉઘાડી બારી’નાં લખાણો દ્વારા સંકેતી છે. ‘ઉઘાડી બારી’ના નિબંધો તો લઘુ લલિત નિબંધનું એક સ્વરૂપ પણ સાદર કરે છે. એમના નિબંધોમાં ગુજરાતી ગદ્યની ઉત્ક્રાન્તિ જોઈ શકાય. ઉમાશંકરનું ‘મનુષ્ય-સર્જક’ તરીકેનું પૂરા ગજાનું ચિત્ર મેળવવા માટે ‘ઉઘાડી બારી’ ઉપયોગી થાય. ઉમાશંકર કવિ-કલાકાર ઉપરાંત સંસ્કૃતિચિંતક – ધર્મતત્ત્વચિંતક, સ્વદેશહિતચિંતક, કેળવણીચિંતક ઇત્યાદિ ખરા જ. સાંપ્રત સમયના માનવ-કારણ (જેમ રાજકારણ તેમ) સાથે સીધી નિસબત ધરાવતા સમાજસેવક પણ તેઓ હતા. એમનો કવિધર્મ એક રીતનો સંસ્કૃતિધર્મ હતો અને તે એમનાં ‘ઉઘાડી બારી’ આદિનાં લખાણોમાં સ્પષ્ટ જોવા મળે છે.