ઋણાનુબંધ/ક્યાંક હવામાં અમથું અમથું

ક્યાંક હવામાં અમથું અમથું


ક્યાંક હવામાં અમથું અમથું રમતું તરતું ગીત,
ગીત મેં શોધી કાઢ્યું.
ક્યાંક કિરણનાં ક્યાંક ઝરણનાં ફૂલ પરણનાં સ્મિત,
ગીત મેં શોધી કાઢ્યું.

વૃક્ષ વૃક્ષનાં મૂળિયે મૂળિયે
ક્યાંક અજાણ્યાં સ્પંદન,
નીરવ રાતે નદી કરે છે
ઝીણું ઝીણું ક્રંદન,
ક્યાંક સ્પંદને ક્યાંક ક્રંદને
ઝરમર ઝરમર ઝરમર ઝરમર ઝરમરતું સંગીત,
ક્યાંક હવામાં અમથું અમથું રમતું તરતું ગીત.

ક્યાંક નહોતું ને આવ્યું ક્યાંથી?
જાણે કે એ અદીઠ સંગાથી,
લયમાં રણકે લયમાં ઝણકે
સણકે કોઈની સાવ સનાતન પ્રીત,
ક્યાંક હવામાં અમથું અમથું રમતું તરતું ગીત.