ઋણાનુબંધ/ફોટો

ફોટો


હું
ફિલાડેલ્ફીઆના રસ્તા પર ફરું છું
શબ્દનો કૅમેરા લઈને.
આ વૃક્ષથી ભર્યા ભર્યા રસ્તાની પાછળ લપાયેલા
બેઠાડુ મકાનોમાં
સંસારની કેટલીય નેગેટિવ હશે
પણ
એને પામવા જતાં
મારો લેન્સ આંધળો તો નહીં થઈ જાય ને?
મકાનની ચાર દીવાલોમાં
કોણ હશે?
કેટલા માણસો હશે?
શું કરતા હશે?
સાંજને સમયે
ઉદાસ હશે કે પ્રસન્ન?
સ્વપ્નની સૃષ્ટિમાં સરી ગયા હશે કે
ધકેલાઈ ગયા હશે
સ્મરણોની ખાઈમાં?
કે પછી
રજાઈમાં લપાઈ જવા આતુર હશે?

મારેય
બાંધવું હતું એક ઘર
પણ
કેવળ ઈંટનું નહીં.
જ્યાં વહાલનું વર્ચસ્વ હોય
એવું રાજ્ય મારે પણ ઊભું કરવું હતું
પાણી જેવડી પાતળી દીવાલોમાં.
ઘરને કોઈક ખૂણે બેસીને
મારે પ્રાર્થના કરવી હતી
યાચના નહીં.
ક્યારેક
કોઈ બાળકનો કુમળો હાથ
મારા હાથને પકડી લેતે
તો
મારો પણ હાથ થઈ જતે
ગુલમોરની એક ડાળખી.

ક્યાં લગી હું આમ વિચાર્યા કરીશ
મારે વિશે?
શું થયું હોતે
ને શું થશે
એમાં ક્યાં લગી વહેરાયા કરીશ?

ગાઢ આલિંગનમાં હોઉં છું ત્યારે પણ
દીવાલો કેમ ડોકાયા કરે છે?
શું આ દીવાલો
ક્યારેય તે કદીય તે
પળભર માટેય પીગળે નહીં?
જીવનમાં બધે જ સફળ
અને પ્રેમમાં નિષ્ફળ કેમ?
અને પ્રેમમાં નિષ્ફળ
તો
જીવન સફળ કહેવાય ખરું?

વૃદ્ધાવસ્થાને આરે પહોંચીશ ત્યારે પણ
કોઈનો હૂંફભર્યો હાથ
મારા હાથમાં નહીં હોય?
મારા હોઠના શબ્દો
કોઈના કાનની છીપમાં
મોતી થઈને
કદી નહીં ઊઘડતા હોય?
કે પછી
વૃદ્ધાવસ્થામાં પણ
હું જ મારા વોર્ડરોબ પાસે
એકલી એકલી ઊભી રહી
પોશાક બદલી બદલીને
મારી અસલ ભૂમિકા ભૂલીને
કોઈની જ ભૂમિકા ભજવ્યા કરીશ?
ક્યારેક થાય છે
કે
મારા ઘરમાં સાવ એકલી
એકલી એકલી
બધા જ દીવાઓને ઓલવીને
મારા જ પલંગ પર
એટલી આળોટું
કે
ચાદર પર
સળ પર સળ પર સળ પડી જાય
અને
હું મને કહી શકું
કે હા,
હમણાં જ
મારી શય્યામાં
કોઈ આવીને સૂઈ ગયું છે.
કોઈ આવીને
મને મબલક મબલક પ્રેમ કરી ગયું છે.
પણ
મારી આ બધી છલનાનું સાક્ષી
મારું ઓશીકું
અને
એકલા ઓશીકાને આધારે
કોઈ જિંદગી જિવાય ખરી?

હું
કોનો ફોટો લેવા ગઈ હતી
અને
કોનો ફોટો લઈ આવી?