ઋતુગીતો/ઓઢા–હોથલના દોહા


ઓઢા–હોથલના દોહા

કનડા ડુંગર પર વર્ષાઋતુને આરંભે ઓઢાને પોતાનું વહાલું વતન કચ્છ સાંભર્યું હતું. એ આખી કથા ‘સૌરાષ્ટ્રની રસધાર’ (ભાગ 4)માં આપી છે. તેમાંથી અત્રે ફક્ત વર્ષાની અસર પૂરતા દોહા મૂક્યા છે.

ઉત્તર શેડ્યું કઢ્ઢિયું, ડુંગર ડમ્મરિયા, હૈડો તલફે મચ્છ જીં, (મુજાં) સજણ સંભરિયા.

[ઉત્તર દિશામાં મેઘે પોતાની કાળી રેખાઓ કાઢી. ડુંગરાની ઉપર (વાદળીઓનો) ડમ્મર જામી પડ્યો. એ નિહાળીને ઓઢાનું હૈયું પાણી બહારના માછલાની માફક તરફડવા લાગ્યું. કેમકે એને પોતાનાં સ્વજનો (વતનનાં મનુષ્યો) સાંભરી આવ્યાં.]

મત લવ્ય, મત લવ્ય મોરલા, લવતો આઘો જા! એક તો ઓઢો અણોહરો, મથ્થે તોંજી ઘા.

[હોથલ કહે છે : હે મોરલા! તું લવરી કર મા. તું દૂર જઈને ટહુકા કર. કેમકે એક તો મારો સ્વામી ઓઢો ઉદાસ છે જ, ને તેમાં તારી ધા (વાણી) થકી એ વિશેષ ગમગીન બને છે, કેમકે એને સ્વજનો યાદ આવે છે.]

મારીશ તોંકે મોર! સીંગણજાં ચડાવે કરે, અયેં ચિતજા ચોર! ઓઢેકે ઉદાસી કિયો.

[હે મોર! હું તને કામઠી પર તીર ચડાવીને મારીશ. ઓ માનવીના ચિત્તડાના ચોર! તેં મારા ઓઢાને આજે ઉદાસ કરી મૂક્યો.]

અસીં ગિરિવરજા મોરલા, કાંકર પેટ ભરાં, રત આવ્યે ન બોલાં, (ત) હૈડો ફાટ મરાં.

[મોર કહે છે : હે હોથલ! હું તો ડુંગરમાં રહેનાર ગરીબ મોરલો છું. હું તો ધરતીના પટ પરથી કાંકરા ચણીચણીને પેટ ભરું છું. પરંતુ હું જો મારી વહાલી ઋતુ આવ્યે પણ અંતર ખુલ્લું મેલીને ન બોલું, તો મારું હૈયું ફાટી જ જાય ને મરી જ જાઉં!]

કરાયલકે ન મારી જેં, જેંજાં રત્તાં નેણ, તડ વિઠા ટૌકા કરે, નિત સંભારે સેણ.

[ઓઢા કહે છે : હે હોથલ! જેનાં રાતાંચોળ નયનો છે; જે ભેખડો પર બેઠા બેઠા ટૌકા કરે છે, અને જે નિત્ય નિત્ય પોતાની પ્રિયાને (સ્વજનને) સંભાર્યા કરે છે, એવા કળામય (મોરલા)ને ન મરાય.]

રેલમછેલા ડુંગરા, ચાવો લગો ચકોર; વિસાર્યાં સંભારી ડિયે, સેન મારીજેં મોર!

[ડુંગરા પાણી થકી રેલમછેલ થઈ ગયા છે. ચકોર પંખીને ચાહના લાગે છે. એવી ઋતુમાં આપણને વીસરાઈ ગયેલાં સ્વજનોનું, સ્વદેશ–બાંધવોનું સ્મરણ દેનાર એવા મોરલાને ન મરાય.]

છીપર ભીંજાણી, છક હુવો; ત્રંબક હુઈ વ્યાં નેણ, અમસેં ઉત્તર ગોરિયાં, પડી તોજેં ચિત સેણ!

[મેઘ-દર્શને વતન સાંભરવાથી ઓઢો એટલું બધું રડી પડ્યો, કે પોતે જ્યાં બેઠેલો તે શિલા આંસુડે ભીંજાઈ ગઈ. નયનો લાલ ત્રાંબાવરણાં બની ગયાં. ત્યારે હોથલે પૂછ્યું : “હે પ્યારા સ્વજન (સેણ)! શું તારા અંતરમાં મારા કરતાં કોઈ વધુ ઊંચી ગોરી યાદ આવી છે?”]