ઋતુગીતો/ગોકુળ આવો ગિરધારી


ગોકુળ આવો ગિરધારી

રાધાકૃષ્ણની બારમાસીનો આ તદ્દન આધુનિક છંદ લઈએ. ભાવનગરના રાજકવિ શ્રી પીંગળશીભાઈ પાતાભાઈએ એ રચેલો છે. એમાં પણ ઝડઝમક, શબ્દ-કલા અને પ્રાસાનુપ્રાસ પ્રધાનપદે છે. ભાષામાં ડિંગળી તત્ત્વની ગ્રામ્ય સ્વાભાવિકતા ઘટીને હિન્દી વ્રજની આડમ્બરી ભભક ભળે છે. એમાં સોરઠી વાતાવરણની છાંટ નથી. ઋતુનાં વિશિષ્ટ લક્ષણ આલેખાયાં નથી, કોઈ નવી કલ્પના કે નવી ચમત્કૃતિ ફૂટતી નથી. આરંભ પણ કાર્તિકથી થાય છે.

યાદ કરે સહુ આપને, ખૂબ કરી લ્યો ખ્યાલ;
અહિંયાં વે’લા આવજો! ગિરધારી ગોપાલ.

[છંદ ત્રિભંગી]


કહું માસં કાતી, તિય મદમાતી,
દીપ લગાતી, રંગ રાતી,

મંદીર મેહલાતી, સબે સુહાતી,
મેં ડર ખાતી, ઝઝકાતી;

બિરહેં જલ જાતી, નીંદ ન આતી,
લખી ન પાતી મોરારી!

કહે રાધે પ્યારી, હું બલિહારી,
ગોકુલ આવો ગિરધારી!
જી! ગોકુલ આવો ગિરધારી!

[હું કાર્તિક માસ વર્ણવું છું : ત્રિયા (સ્ત્રી) ઉત્સવમાં મદમત્ત છે, દીપકો પ્રગટાવે છે, રંગે રાતીચોળ બની છે. મંદિરો ને મહેલાતો બધાં સોહાય છે. પણ હું ડરી ડરીને ચમકું છું. વિરહે સળગું છું. નિદ્રા નથી આવતી. હે મુરારિ! આ બધું લખ્યું જતું નથી.]

માગશર


મગશર શુભ માસં, ધર્મ પ્રકાશં,
હિયે હુલાસં જનવાસં,

સુંદર સહવાસં, સ્વામી પાસં,
વિવિધ વિલાસં રનવાસં;

અન નહિ અપવાસં, વ્રતિ અકાસં,
નહિ વિસવાસં, મોરારી

કહે રાધે પ્યારી, મેં બલિહારી,
ગોકુલ આવો ગિરધારી!

[માગશર શુભ માસ છે, એમાં ધર્મ પ્રગટ થાય છે. લોકોને હૈયે ઉલ્લાસ છે. રાણીવાસમાં સ્વામી અને સ્ત્રીઓના સુંદર સહવાસ થકી વિધવિધ વિલાસ થાય છે. માત્ર મને જ અન્ન ભાવતું નથી. ઉપવાસ થાય છે. આકાશી વૃત્તિ રાખીને બેઠી છું. હે મુરારિ! તમારા પર વિશ્વાસ નથી.]

પોષ

પોષેં પછતાઈ, શિશિર સુહાઈ,
થંડ લગાઈ સરસાઈ,

મનમથ મુરઝાઈ, રહ્યો ન જાઈ
વ્રજ દુઃખદાઈ વરતાઈ;

શું કહું સમજાઈ, વેદ વતાઈ,
નહિ જુદાઈ નરનારી!

કહે રાધે પ્યારી, હું બલિહારી,
ગોકુલ આવો ગિરધારી!

[પોષે પસ્તાઈ છું. શિશિર ઋતુ સોહે છે. ઠંડી લાગે છે. સ્નેહ મૂંઝવે છે. રહેવાતું નથી. વ્રજ દુઃખદાયક દેખાય છે. હું શું સમજાવું? આ ઋતુમાં તો નર ને નારી જુદાં ન જ પડે…]

માહ

મા મહિના આયે, લગન લખાયે,
મંગલ ગાયે, રંગ છાયે,

બહુ રેન બઢાયે, દિવસ ઘટાયે,
કપટ કહાયે વરતાયે;

વ્રજકી વનરાયે, ખાવા ધાયે
વાત ન જાયે વિસ્તારી,

કહે રાધે પ્યારી હું બલિહારી,
ગોકુલ આવો ગિરધારી!

[માહ મહિનો આવ્યો. લગ્ન લખાય છે. મંગળ ગીતો ગવાય છે. રંગરાગ છવાય છે. તમે રાત્રિ લંબાવી છે, દિવસ ટુંકાવ્યા છે. તમે કપટી કહેવાયા છો, તે આ રીતે બતાવી આપ્યું છે. વ્રજની વનરાઈઓ મને ખાવા ધાય છે. એ વાત વીસરી જાય તેવી નથી.]

ફાગણ

ફાગુન પ્રફુલિત, બેલ લલિતં,
કીર કલિતં કોકિલં,

ગાવત રસગીતં, વસંત વજીતં,
દન દરસીતં દુખ દિલં;

પહેલી કર પ્રીતં, કરત કરીતં,
નાથ! અનીતં નહિ સારી,

કહે રાધે પ્યારી, હું બલિહારી,
ગોકુલ આવો ગિરધારી!

[ફાગણ પ્રફુલ્લિત બન્યો; લલિત વેલડીઓ ચડી, પોપટ ને કોયલો કિલકિલાટ કરે છે. રસગીતો ગાય છે. પરંતુ આ દિવસો મારા દિલમાં દુઃખમય દેખાય છે. પહેલી પ્રીત કરીને પછી આવી કુરીતિ કરો છો તો હે નાથ! અનીતિ નહિ સારી…]

ચૈત્ર

મન ચૈતર માસં, અધિક ઉદાસં,
પતિ પ્રવાસં નહિ પાયે,

બન બને બિકાસં, પ્રગટ પળાસં,
અંબ ફળાસં ફળ આયે;

સ્વામી સેહબાસં, દિયે દિલાસં,
હિયે હુલાસં કુબજારી,

કહે રાધે પ્યારી, હું બલિહારી,
ગોકુલ આવો ગિરધારી!

[ચૈત્ર માસમાં મન અધિક ઉદાસ છે. કેમ કે પતિ પ્રવાસમાંથી પાછા ન આવ્યા. વને વન વિકસ્યાં. આંબાને ફૂલ આવ્યાં. હે સ્વામી! તમને શાબાશ છે. દિલાસો દઈ ગયા. પણ તમારા હૈયામાં તો કુબજા પર જ ઉલ્લાસ છે.]

વૈશાખ

વૈશાખે વદ્દળ, પવન અપ્રબ્બળ,
અનળ પ્રગટ થળ તપતિ અતિ,

સોહત કુસુમાવળ, ચંદ શીતળ,
હુઈ નદિયાં જળ મંદ ગતિ;

કીનો હમસેં છળ, આપ અકળ કળ,
નહિ અબળા બળ બતવારી,

કહે રાધે પ્યારી હું બલિહારી,
ગોકુલ આવો ગિરધારી!

[વૈશાખમાં આકાશે સખ્ત પવન થાય છે. અગ્નિ પ્રગટ્યો છે, પૃથ્વી અત્યંત તપે છે. ફૂલોની માળા ને શીતળ ચંદન પ્રિય લાગે છે. નદીના પ્રવાહની ગતિ ધીમી પડી છે. આ ઋતુમાં તમે મારાથી છળ કર્યું છે. તમારી કળા અકળ છે. પરંતુ અબળાને બળ બતાવવાનું શું હોય?]

જેઠ

જેઠે જગજીવન! સૂકે બન બન,
ઘોર ગગન ઘન ચઢત ઘટા,

ભાવત નહિ ભોજન, જાત બરસ દન,
કરત ત્રિયા તન કામ કટા;

તલફત બ્રજ કે જન, નાથ નિરંજન,
દિયા ન દરશન દિલ ધારી;

કહે રાધે પ્યારી, હું બલિહારી,
ગોકુલ આવો ગિરધારી!

[હે જગજીવન! જેઠમાં વનેવન સુકાય છે. ગગનમાં ઘોર ઘનઘટા ચડે છે. ભોજન ભાવતું નથી. વરસ વરસ જેવડો દિવસ છે. સ્ત્રીના શરીરને કામદેવ કાપે છે. વ્રજનાં જનો તરફડે છે. હે નિરંજન નાથ! તમે તો દર્શન જ ન દીધાં.]

આષાઢ

આષાઢ ઉચારં, મેઘ મલારં,
બની બહારં જલધારં,

દાદૂર ડકારં, મયૂર પુકારં,
તડિત તારં વિસ્તારં;

નાં લહી સંભારં, પ્યાસ અપારં,
નંદકુમારં નિરખ્યારી,

કહે રાધે પ્યારી, હું બલિહારી,
ગોકુલ આવો ગિરધારી!

[અષાઢમાં મેઘમલાર રાગ ગવાય છે, જળવૃષ્ટિઓની શોભા બની છે. દેડકાં ડકાર કરે છે. મોરલા પુકાર કરે છે, વીજળી વિસ્તારથી ચમકે છે. પરંતુ તમે મારી સંભાળ ન લીધી. નંદકુંવરને નીરખવાની તૃષા મને અત્યંત છે…]

શ્રાવણ

શ્રાવન જલ બરસે, સુંદર સરસે,
બદ્દલ બરસે અંબરસેં,

તરુવર ગિરિવરસેં, લતા લહરસેં,
નદિયાં પરસે સાગરસેં;

દૃંપતી દુઃખ દરસેં, સેજ સમરસેં,
લગત જહરસેં દુઃખકારી,

કહે રાધે પ્યારી, હું બલિહારી,
ગોકુલ આવો ગિરધારી!

[શ્રાવણનાં જળ વરસે છે, આકાશથી વાદળાં (વરસીને) સુંદર સરોવરોને ભરે છે. ગિરિઓ પર તરુઓ ખીલ્યાં છે. લતાઓ લહેરાઈ રહી છે. નદીઓ જઈ સાગરને સ્પર્શેં છે. પરંતુ મને તો શય્યા ઝેરથી પણ વધુ દુઃખકારી લાગે છે.]

ભાદરવો

ભાદ્રવ હદ ભરિયા, ગિરિવર હરિયા,
પ્રેમ પ્રસરિયા તન તરિયા,

મથુરામેં ગરિયા, ફેર ન ફરિયા,
કુબજા વરિયા વસ કરિયા,

વ્રજરાજ વિસરિયા, કાજ ન સરિયા,
મન નહિ ઠરિયા હું હારી!

કહે રાધે પ્યારી, હું બલિહારી,
ગોકુલ આવો ગિરધારી!

[ભાદરવે તો વરસીને સીમાડા ભરી દીધા, ડુંગરા લીલુડા બની ગયા. ત્રિયાઓનાં અંગોમાં પ્રેમ પ્રસર્યો. પરંતુ તમે તો મથુરામાં પેઠા પછી પાછા ફર્યા જ નહિ. કુબજાએ તમને વશ કરી લીધા. હે વ્રજરાજ! તમે મને વીસરી ગયા. મારું કામ સર્યું નહિ, મન ઠર્યું નહિ. હું હારી ગઈ.]

આસો

આસો મહિનારી, આશ વધારી,
દન દશરારી દરશારી,

નવ વિધિ નિહારી, ચઢી અટારી,
વાટ સંભારી મથુરારી;

બ્રખુભાન-દુલારી, કહત પુકારી,
તમે થિયા રી તકરારી,

કહે રાધે પ્યારી, હું બલિહારી,
ગોકુલ આવો ગિરધારી!

[આસો મહિના સુધી મેં આશા વધારી. દશેરાના દિવસ પણ દેખાયા. નવે નિધિનાં અન્ન પાકી ગયાં તે જોતી, અટારીએ ચડીને હું મથુરાનો માર્ગ તપાસું છું ભ્રખુભાણની દીકરી પોકારીને કહે છે કે અરેરે! તમે આવા તકરારી કાં થયા?]

[છપ્પય]

ગિરધારી ગોપાલ ગરુડગામી ગુણગ્રાગી!
રાસરમાવણ રંગ રસિક રણજીતણ રાગી!
ઓપ વિના આનંદ કેમ ગોકુલમાં આવે,
વનિતાઓનાં વૃંદ ગીત ગોવિંદ ન ગાવે.

કલ્પાંત કરી રાધે કહે, અરજ સુણી ઘર આવજો!
તપધારી સ્વામી પીંગલતણા! લાલ દયા મન લાવજો!