ઋતુગીતો/નિવેદન


નિવેદન

લોકસાહિત્ય અને ચારણી સાહિત્યને માત્ર રંજનની વસ્તુ ન રહેવા દેતાં અભ્યાસ-રસની નક્કર ભૂમિકા પર મૂકવાના હમેશાં યથાશક્તિ પ્રયત્નો થતા જ આવે છે. ‘ઋતુગીતો’ એ અભ્યાસને માર્ગે એક ડગલું આગળ માંડે છે. સાહિત્યક્ષેત્રમાં સર્વદેશીયત્વ અને વિવેકની વાટ દેખાડતા ઊભેલા શ્રી રામનારાયણ પાઠક, શ્રી વિજયરાય વૈદ્ય, શ્રી રસિકલાલ પરીખ, ધૂમકેતુ, શ્રી પરમાનંદ કાપડિયા આદિ મિત્રોની સહાયનો લાભ ઉઠાવ્યો છે. તેઓનો હું ઋણી છું. ચારણી ગીતો બદલ કવિરાજ પિંગળશીભાઈ, શ્રી ઠારણભાઈ, દુલા ભગત વગેરેનો આભાર માનું છું. તેઓની સહાય છતાં કેટલેક ઠેકાણે અર્થ સમજાયા નથી. સ્ત્રીઓનાં ઋતુગીતો ‘રઢિયાળી રાત’માં અલાયદાં મુકાઈ ગયાં છે, તેથી તેની પુનરુક્તિ અત્રે નથી કરી. અષાઢ વદ 10, સં. 1985 [સન 1929] સંપાદક

[બીજી આવૃત્તિ]

લોકસાહિત્ય અને ચારણી સાહિત્યના એક વિશિષ્ટ પ્રકાર લેખે ગોઠવીને આ સામગ્રી ઘણાં વર્ષો પર બહાર મૂકેલી. આજે તો લોકસાહિત્ય યુનિવર્સિટીના અભ્યાસક્રમ સુધી પહોંચી ગયું હોઈ હવે આવા સંગ્રહોની જરૂર પડશે. બોટાદ : 1946 ઝ. મે.