ઋતુગીતો/સરામણ આયો રે
મારવાડી પતિ-પત્ની વચ્ચેનો વિનોદ છે. સ્ત્રી શ્રાવણ માસે પિયર જવા માગે છે. પતિ કહે કે હું સાથે આવું. એ પ્રસ્તાવની વિરુદ્ધ સ્ત્રી જે જે વાંધા બતાવે છે તેનો પુરુષ રદિયો આપે છે.
આ તો સરામણ આયો રે મારા સોજતિયા સરદાર! ભઁવરજી! સરામણ આયો રે.
આ તો થેં કેમ જાણ્યો રે મારી સદા રે સુવાગણ નાર! ગોરાંદે! થેં કેમ જાણ્યો રે!
આ તો અંદર ધડૂકે હો મારા સોજતિયા સરદાર! ભઁવરજી! અંદર ધડૂકે હો!
માંકો પિયર મેલો રે મારા પાલીરા પરધાન! ભઁવરજી! પિયર મેલો રે!
મેં તો સાથે જી હાલાં રે મારી સદા રે સુવાગણ નાર! ગોરાંદે! સાથે જી આવાં રે.
મેં તો લાજે જી મરાં રે મારા સોજતિયા સરદાર! ભઁવરજી! લાજે જી મરાં રે!
થેં તો ઘૂંઘટો જી કાઢો રે, મારી સદા સુવાગણ નાર! ગોરાંદે! ઘૂંઘટો જી કાઢો રે! મેં તો ગરમે જી મરાં રે મારા સોજતિયા સરદાર! ભઁવરજી! ગરમે જી મરાં રે.
થેં તો ઝીણો ઝોલો ઓઢો રે મારી સદા રે સુવાગણ નાર! ગોરાંદે મોરી! ઝીણો ઝોલો ઓઢો રે.
[હે મારા પતિ! આ શ્રાવણ આવ્યો. હે મારી સુહાગણ સ્ત્રી! તેં શી રીતે જાણ્યું? હે મારા પતિ! આ ઇંદ્ર ગાજે છે તે પરથી જાણ્યું. હે પતિ! મને પિયર મોકલો! હે મારી ગોરી! હું પણ સાથે આવું. હે પતિ! તો તો હું લાજી મરું. હે ગોરી! તો તમે ઘૂંઘટ કાઢજો! હે પતિ! તો મને બફારો થાય. હે ગોરી! તો તમે બારીક ઓઢણું ઓઢજો! ચાહે તેમ થાઓ, પણ હું સાથે તો આવીને જ રહીશ!]