એકોત્તરશતી/૧૦૧. તોમાર સૃષ્ટિર પથ
તારી સૃષ્ટિનો માર્ગ (તોમાર સૃષ્ટિર પથ)
હે છલનામયી, તારી સૃષ્ટિનો માર્ગ વિચિત્ર છલનાની જાળથી તેં બિછાવી મૂક્યો છે. સરલ એવા જીવનમાં તે મિથ્યા વિશ્વાસનો ફાંસલો તારા નિપુણ હાથે નાખી રાખ્યો છે. આ પ્રવંચના દ્વારા મહત્ત્વને તેં લાંછિત કર્યું છે. તેને માટે તે ગોપનરાત્રિ પણ રાખી નથી. તારા તારાઓ એને (મહત્ત્વને) જે પથ દેખાડે છે તે તો તેના અંતરનો માર્ગ છે, તે તો હંમેશા સ્વચ્છ છે. તે તો સહજ વિશ્વાસથી તેને હમેશ સમુજ્જવલ રાખે છે. ભલે તે બહારથી કુટિલ લાગે, પણ અંદરથી તે ઋજુ છે. આને લઈને તેનું ગૌરવ છે. લોક એને ભલે વિડમ્બિત કહે. પોતાના પ્રકાશથી પ્રક્ષાલિત હૃદયહૃદયમાં સત્યને એ પામે છે. કશું જ તેને છેતરી શકતું નથી. તે તો પોતાના ભંડારમાં છેલ્લો પુરસ્કાર લઈને જાય છે. જે અનાયાસે છલનાને સહી શક્યો છે તે તારા હાથે શાન્તિનો અક્ષય અધિકાર પામે છે. ૩૦ જુલાઈ, ૧૯૪૧ ‘શેષ લેખા’
(અનુ. ઉમાશંકર જોશી )