એકોત્તરશતી/૧૫. નિરુદ્દેશ યાત્રા


નિરુદ્દેશ યાત્રા


હે સુંદરી, હજી તું મને કેટલે દૂર લઈ જઈશ? બોલ, કયે કિનારે તારી સોનાની નૌકા લાગશે? હું વિદેશિની, જ્યારે જ્યારે હું પૂછું છું, (ત્યારે ત્યારે) હું મધુરહાસિની તું માત્ર હસે છે—સમજી નથી શકતો તારા મનમાં કોણ જાણે શું છે. મૂંગી મૂંગી આંગળી ઊંચી કરીને તું બતાવે છે, ફૂલહીત સમુદ્ર આકુલ બની જાય છે, દૂર પશ્ચિમમાં સૂર્ય ગગનના ખૂણામાં ડૂબે છે. ત્યાં શું છે. શાની શોધમાં આપણે જઈએ છીએ? હે અપરિચિતા, મને કહે જોઉં, તને પૂછું છું. પણે જ્યાં સંધ્યાને કિનારે દિવસની ચિતા સળગે છે, તરલ અગ્નિના જેવું જલ ઝળહળ થાય છે, આકાશ પીગળીને પડે છે, દિક્વધૂની આંખો જાણે અશ્રુજલથી છલછલ થાય છે, ત્યાં ઊર્મિમુખર સાગરની પાર, મેઘચુંબિત અસ્તાચળને ચરણે તારું ઘર છે? તું શબ્દ પણ બોલ્યા વગર મોં સામે જોઈને માત્ર હસે છે. વાયુ હુહુ કરીને સતત દીર્ઘ નિશ્વાસ નાખે છે. જલનો ઊભરો અંધ આવેગથી ગર્જના કરે છે. ગાઢ નીલ નીર સંશયમય છે, કોઈ પણ દિશામાં જોતાં કાંઠો દેખાતો નથી, જાણે આખા જગતને ડુબાડીને અસીમ રોદન ઝૂલી રહ્યું છે. તેના ઉપર હિરણ્યમયી નૌકા તરે છે, તેના ઉપર સંધ્યાકિરણ પડે છે—તેમાં બેસીને આ નીરવ હાસ્ય શા માટે હસે છે? મને તો સમજાતું નથી કે તારો આવો વિલાસ શા માટે છે. જ્યારે તેં પહેલાં બુમ મારી હતી ‘કોને સાથે આવવું છે'—ત્યારે નવીન પ્રભાતે મેં સહેજ વાર તારી આંખમાં જોયું હતું. સામે હાથ ફેલાવીને તેં પશ્ચિમ તરફ અપાર સાગર બતાવ્યો, જળ ઉપર આશાના જેવો ચંચલ પ્રકાશ કાંપતો હતો. પછી હોડીમાં ચડીને મેં પૂછ્યું, ત્યાં નવીન જીવન છે શું? ત્યાં આશાનાં સ્વપ્નોને સોનાનાં ફળ આવે છે શું? શબ્દ પણ બોલ્યા વગર મોં તરફ જોઈને તું કેવળ હસી. ત્યાર પછી કોઈ વાર વાદળાં ચડયાં છે તો કોઈ વાર સૂર્ય, કોઈ વાર સાગર ક્ષુબ્ધ થયો છે તો કોઈ વાર શાંત રહ્યો છે. દિવસ વહી જાય છે, સઢમાં પવન ભરાય છે, સોનાની નૌકા ક્યાંય ચાલી જાય છે, પશ્ચિમમાં જોઉં છું તો સૂર્ય અસ્તાચળ પર ઊતરે છે. હવે એક વાર તને પૂછું છું કે ત્યાં સ્નિગ્ધ મરણ છે, તિમિર તળે શાંતિ છે, સુપ્તિ છે? તું શબ્દ પણ બોલ્યા વગર આંખ ઊંચી કરીને હસે છે. હમણાં અંધારી રાત પાંખ ફેલાવીને આવશે, સંધ્યાકાશમાં સોનેરી પ્રકાશ ઢંકાઈ જશે. માત્ર તારા દેહનો સૌરભ ઊડે છે, માત્ર જલનો કલરવ કાને પડે છે, વાયુથી તારો કેશરાશિ શરીર ઉપર ઊડીને પડે છે. વિકલહૃદય અને વિવશ શરીરવાળો હું તને બૂમ પાડીને અધીર બનીને કહીશ, ‘ અરે ઓ ક્યાં છે, પાસે આવીને સ્પર્શ કર.’ તું શબ્દ પણ નહિ બોલે, તારું નીરવ હાસ્ય હું જોવા નહિ પામું. ૧૧ ડીસેમ્બર ૧૮૯૩ ‘સોનાર તરી’

(અનુ. નગીનદાસ પારેખ)