એકોત્તરશતી/૧૯. ઉર્વશી


ઉર્વશી


નથી તું માતા, નથી કન્યા, નથી વધૂ, તું છે રૂપમયી સુન્દરી, હે નન્દનવાસિની ઉર્વશી! જ્યારે થાક્યાપાક્યા દેહ પર સાનેરી પાલવ વીંટાળીને સન્ધ્યા ગોઠ ઉપર ઊતરે છે, ત્યારે તું કોઈ ઘરના ખૂણામાં સન્ધ્યાદીપ પેટાવતી નથી. દ્વિધાથી જડ બનેલા પગે, કાંપતી છાતીએ, ઢળેલા દૃષ્ટિપાતે સ્મિતપૂર્વક લજ્જાભરી તું શાન્ત મધરાતે લગ્નશય્યા તરફ જતી નથી. ઉષાના ઉદય સમાન તું અવગુંઠન વિનાની છે, સંકોચવિહોણી છે. દાંડી વગરના પુષ્પની જેમ આપોઆપ વિકસીને, ઉર્વશી, ક્યારે તું ખીલી ઊઠી? આદિમ વસન્તપ્રભાતે મન્થિત સાગરમાંથી જમણા હાથમાં સુધાપાત્ર અને ડાબા હાથમાં વિષભાણ્ડ લઈને તું નીકળી આવી હતી. તરંગે ચઢેલો મહાસિન્ધુ મન્ત્રથી શાન્ત થયેલા ભુજંગની પેઠે હાંફતી લાખલાખ ફણાઓ નીચી નમાવીને ચરણ આગળ પડ્યો હતો. કુન્દ જેવી સફેદ, નગ્નકાન્તિ, સુરેન્દ્રથી વન્દિત એવી તું અનિન્દિતા છે. કોઈ કાળેય શું કળી જેવી બાલિકાવયની તું નહોતી હે અનન્તયૌવના ઉર્વશી! અંધારા સમુદ્રને તળિયે કોને ઘેર એકલી બેસીને માણેકમુક્તા લઈને શૈશવક્રીડા કરતી હતી? મણિદીપથી ઝળહળતા ઓરડામાં સમુદ્રના કલ્લોલ સંગીતે નિર્મળ હસતા મુખે પરવાળાના પલંગ પર કોના ખોળામાં તું સૂતી હતી? જ્યારે વિશ્વમાં તું જાગ્રત થઈ ત્યારે યૌવનથી ગઠિત પૂર્ણ પ્રસ્ફુટિત હતી. યુગયુગાન્તરથી તું કેવળ વિશ્વની પ્રેયસી છે, હે અપૂર્વશોભના ઉર્વશી! મુનિગણ ધ્યાન ભાંગીને પગ આગળ તપસ્યાનું ફળ દઈ દે છે. તારા કટાક્ષપાતે ત્રણે ભુવન યૌવનચંચલ બની જાય છે. તારા મદભર્યાં ગન્ધને અન્ય વાયુ ચારે તરફ લઈ જાય છે. મધુથી મત્ત બનેલા ભ્રમર સમો મુગ્ધ કવિ લુબ્ધ ચિત્તે ઉદ્દામ સંગીત ગાતો ફરે છે. ફરફરતા અંચલવાળી હે વિદ્યુત-ચંચલા, ઝાંઝર ઝણકાવતી જાય છે. હે વિલોલહિલ્લોલ ઉર્વશી, સુરસભામાં જ્યારે આનંદથી ઉલ્લસિત થઈને તું નૃત્ય કરે છે, ત્યારે છન્દે છન્દે સમુદ્રમાં તરંગોનાં દળ નાચી ઊઠે છે, પૃથ્વીનું વસ્ત્ર મોલને મથાળે લહેરાતું કાંપી ઊઠે છે, તારા સ્તનહારમાંથી તારાઓ આકાશમાં ખરી પડે છે, પુરુષની છાતીની ભીતર એકાએક એનું ચિત્ત ભાન ભૂલી જાય છે. રક્તધારા નાચી ઊઠે છે. એકાએક તારી કટિમેખલા દિગન્તમાં તૂટી જાય છે, ઓ અનાવૃતે! સ્વર્ગના ઉદયાચલ ઉપર તું મૂર્તિમતી ઉષા છે હે ભુવનમોહિની ઉર્વશી! જગતની અશ્રુધારે તારા તનુની તનિમા (શરીરની કૃશતા) ધોવાયેલી છે. ત્રિલોકના હૃદયના રક્તથી તારા ચરણની લાલી અંકાયેલી છે. હે મુક્તવેણી, વિવસના, વિકસિત વિશ્વવાસનાના અરવિંદની વચ્ચે અતિશય હળવાં તારાં ચરણકમળ તેં રાખ્યાં છે. અખિલ વિશ્વના માનસ–સ્વર્ગમાં તું અનન્ત રંગિણી છે, હે સ્વપ્નસંગિની! ઓ સાંભળ, ચારો તરફ આકાશ તારે માટે ક્રંદન કરે છે, હે નિષ્ઠુર બધિર ઉર્વશી! પુરાતન આદિયુગ શું ફરી આ જગતમાં આવશે? અતળ સાગરમાંથી ભીંજાયેલા કેશે તું ફરી બહાર નીકળીશ? પહેલાનું તે શરીર પ્રથમ પ્રભાતે દેખા દેશે, સમસ્ત લોકના નયનઆઘાતથી જલબિંદુપાતે તારાં બધાં અંગ રડશે? એકાએક મહાસાગર અપૂર્વ સંગીતે તરંગિત થતો રહેશે? પાછો નહિ આવે, પાછો નહિ આવે, એ ગૌરવશશી અસ્ત પામ્યો છે, હે અસ્તાચલવાસિની ઉર્વશી! તેથી આજે ધરાતળ ઉપર વસન્તના આનન્દ ઉચ્છ્વાસમાં કોઈના ચિરવિરહના દીર્ઘશ્વાસ મિશ્રિત થઈને વહી આવે છે. પૂર્ણિમાની મધ્યરાત્રિએ જ્યારે દશે દિશાએ પરિપૂર્ણ હાસ હોય છે ત્યારે દૂરદૂરની સ્મૃતિ ક્યાંયથી તે વ્યાકૂળ કરી દેતી બંસરી બજાવે છે. પોસપોસ આંસુ ઝરે છે. તેમ છતાંય પ્રાણના ક્રન્દનમાં આશા જાગતી રહે છે, હે બન્ધનરહિતે! ૮ ડીસેમ્બર, ૧૮૯૫ ‘ચિત્રા’

(અનુ. ઉમાશંકર જોશી)