એકોત્તરશતી/૨૩. દીદી


મોટી બહેન (દિદિ)


નદી કિનારે પશ્ચિમી મજૂરો નિભાડો કરવાને માટે માટી ખોદી રહ્યા છે. તેમની નાની છોકરી ઘાટ પર આવજા કરે છે, ઘડો વાડકો થાળી લઈને કેટલું ઘસવામાંજવાનું કામ કરે છે. દોડતી દોડતી દિવસમાં સોએકવાર આવતી હશે—પિત્તળનાં કંકણ પિત્તળની થાળી પર ઠણઠણ વાગે છે. આખો દિવસ કામમાં ભારે ગળાબૂડ રહે છે, એનો નાનો ભાઈ—મૂંડેલા માથાળો ને માટી લપેડાયેલો—અંગપર વસ્ત્ર ન મળે, એ પાળેલા પંખીની પેઠે પાછળ પાછળ આવીને ઊંચી પાળ પર બહેનના આદેશ અનુસાર ધીરજપૂર્વક બેસી રહે છે. ભરેલો ઘડો માથે લઈને ડાબી કાખમાં થાળી રાખીને, જમણા હાથે શિશુનો હાથ ઝાલી બાલા જાય છે. કામના ભારથી નમેલી આ નાનકડી મોટી બહેન જનનીની પ્રતિનિધિ છે. ૨ એપ્રિલ, ૧૮૯૬ ‘ચૈતાલિ’

(અનુ. ઉમાશંકર જોશી)