એકોત્તરશતી/૨૪. દુઃસમય


દુઃસમય

જોકે સંધ્યા મંદ મંથર(ગતિએ) આવે છે, અને બધું સંગીત ઈંગિતથી થંભી ગયું છે; જોકે અનંત અંબરમાં(કોઈ) સાથી નથી, જોકે અંગો ઉપર કલાંતિ ઊતરી આવે છે, મહા આશંકા મૌન મંત્રથી જાપ કરી રહી છે, અને દિગ્દિગન્તો અવગુંઠનથી ઢંકાઈ ગયા છે, તો પણ હે વિહંગ, મારા વિહંગ, હે અંધ, અત્યારે પાંખ બંધ કરીશ નહિ. આ કંઈ વનમર્મરનું મુખર ગુંજન નથી, આ તો અજગરના જેવા ગર્જનથી સાગર ફૂલી રહ્યો છે. આ કંઈ કુંદકુસુમથી રંજિત કુંજ નથી, આ તો કલકલ્લોલ કરતા ફીણના હિલોળા ડોલી રહ્યા છે. ફૂલપલ્લવના પુંજવાળો તે કિનારો ક્યાં છે, તે માળો ક્યાં છે, આશ્રયશાખા ક્યાં છે! તો પણ હે વિહંગ, મારા વિહંગ, હે અંધ, અત્યારે પાંખો બંધ કરીશ નહિ. હજીય સામે લાંબી રાત છે, અરુણ દૂર દૂર અસ્તાચળ ઉપર ઊંઘે છે. વિશ્વજગત નિશ્વાસવાયુ રોકીને આસન ઉપર સ્તબ્ધ થઈને બેસીને એકાંતમાં પ્રહર ગણે છે. અપાર તિમિરને તરીને હમણાં જ દૂર દિગંત ઉપર વાંકા ક્ષીણ ચંદ્રે દેખા દીધી છે. ઓ વિહંગ, ઓ મારા વિહંગ, હે અંધ, અત્યારે પાંખો બંધ ન કરીશ. ઊર્ધ્વ આકાશમાં તારાઓ આંગળી લંબાવીને ઇશારો કરીને તારા તરફ જોઈ રહ્યા છે. નીચે ગંભીર અધીર મરણ સેંકડો તરંગોએ ઊછળી ઊછળીને તારા તરફ ધસી આવે છે. બહુ દૂર દૂર કિનારા ઉપર પેલા કોણ હાથ જોડીને કરુણ વિનંતીભર્યા સૂરે ‘આવ આવ’ પુકારે છે. ઓ વિહંગ, ઓ મારા વિહંગ, હે અંધ, અત્યારે પાંખો બંધ કરીશ નહિ. અરે, ભય નથી, સ્નેહમોહનું બંધન નથી, અરે આશા નથી, આશા તો કેવળ મિથ્યા છલના છે. અરે ભાષા નથી, વૃથા બેસીને રડવાનું નથી. અરે ઘર નથી, નથી ફૂલની પથારી પાથરેલી. માત્ર પાંખ છે અને ઉષા-દિશા-વિહોણું ગાઢ તિમિર-અંકિત મહાનભનું આંગણું છે. ઓ વિહંગ, ઓ મારા વિહંગ, હે અંધ, અત્યારે પાંખો બંધ કરીશ નહિ.

(અનુ. નગીનદાસ પારેખ)