એકોત્તરશતી/૩૬. આવિર્ભાવ


આવિર્ભાવ

બહુ દિવસ થયાં કોઈક ફાગણ માસમાં મેં તારી આશા રાખી હતી. તું ઘનવર્ષામાં આવી. આજ ઉત્તાલ તુમુલ છંદમાં નવઘનના વિપુલ ધ્વનિમાં મારા પ્રાણમાં જે ગીત તારે વગાડવું છે તે ગીત તું પૂરું કર—આજે જલભરી વર્ષામાં. એક દિવસ દૂરથી સાનેરી અંચલનું આવરણ અને નવા ચંપકનું આભરણ જોયું હતું. જ્યારે તું પાસે આવી ત્યારે જોઉં છું તો અભિનવ ઘોર મેઘ જેવું તારું અવગુંઠન છે, ચંચલ વિદ્યુતના ક્ષણિક ચમકારમાં ચરણ ગતિ કરે છે—ક્યાં છે ચંપકનું આભરણ? તે દિવસ જોયું હતું તું ક્ષણે ક્ષણે વનને સ્પર્શી સ્પર્શીને જતી હતી, ત્યારે ફૂલની પાંદડીઓ લચી લચી જતી હતી. મેં સાંભળી હતી પાતળી કેડને ફરતી કોમળ રણઝણ ઘૂઘરી વાગતી હતી તે. પામ્યો હતો છાયાપથે જતાં જતાં જાણે તારો નિશ્વાસનો પરિમલ—જ્યારે તું વનને સ્પર્શીને જતી હતી. આજે તું ભુવન ભરીને આવી છે. આકાશમાં છૂટ્ટા વાળને ફેલાવીને આવી છે. ચરણોમાં વનફૂલ બાંધીને આવી છે. તારી છાયાએ સઘન સજલ વિશાલ માયામાં મને ઢાંક્યો છે. હૃદયસાગરના કિનારાને શ્યામ ઉત્સવથી આકુલ કર્યો છે—ચરણે વનફૂલ બાંધીને, ફાગણમાં ફૂલવનમાં બેસીને મેં જે ફૂલહાર ગૂંથ્યો હતો. તે તારે યોગ્ય ઉપહાર નથી. તું જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં પૂંઠે પૂંઠે તારું સ્તુતિગીત આપોઆપ ગાજે છે. આ નાની વીણાના ક્ષીણ તાર એ ગીતના સૂર વગાડતાં શીખ્યા નથી—એ તારે યોગ્ય ઉપહાર નથી. કોણ જાણતું હતું કે તે ક્ષણિક મૂર્તિને વૃષ્ટિ દૂર કરશે અને ચપલ દર્શન અલોપ થશે! કોને ખબર હતી કે તું મને આટલો શરમાવશે? તારે યોગ્ય મેં સાજશણગાર પણ નથી કર્યો. વાસર-ઘરના દ્વાર પર પૂજાના અર્ધ્યની રચના તેં કરાવી -આ તે કેવા રૂપે તેં દર્શન દીધું? ક્ષમા કર, તો તૈયારી વગરનો મારા પ્રમાદ ક્ષમા કર. સૌ કંઈ અપરાધ ક્ષમા કર. આ ક્ષણિકની પર્ણકુટિમાં દીવાના પ્રકાશમાં ધીરે ધીરે આવ. આ તેતરની બંસી પર તારા નયનનો પ્રસાદ ઊતરો — જે કંઈ અપરાધ હોય તે ક્ષમા કર. નવફાલ્ગુને જ્યારે મેં તારી આશા રાખી હતી ત્યારે તું ન આવી. આવ, આવ, આ ભરી ભરી વર્ષામાં આવ. આકાશમાં તારા અંચલ ફેલાવીને આવ. સૌ સ્વપ્નોને ઉડાવીને આ પ્રાણ ભરીને જે ગીત તારે ગાવાં હોય તે ગીત પૂરાં કર—આજ આ જલભરી વર્ષામાં. ૨૪ જૂન, ૧૯૦૦ ‘ક્ષણિકા’

(અનુ. નિરંજન ભગત)