એકોત્તરશતી/૪૩. મુક્તિ


મુક્તિ

વૈરાગ્યની સાધના દ્વારા મળતી મુક્તિ મારે માટે નથી. અસંખ્ય બંધનોમાં જ હું તો મહાનંદમય મુક્તિનો સ્વાદ પ્રાપ્ત કરીશ. આ વસુધાના માટીના પાત્રને વારે વારે ભરી દઈને નાના વર્ણગંધમય તારું અમૃત તું અવિરત રેડતો રહેશે. પ્રદીપની પેઠે મારો સમસ્ત સંસાર લાખો વાટોએ તારી શિખાથી તારા મંદિરમાં દીવા પેટાવી દેશે. ઇન્દ્રિયોનાં દ્વાર રૂંધીને યોગાસન જમાવવું એ મારું કામ નથી. દૃશ્યમાં ગંધમાં, ગીતમાં જે કાંઈ આનંદ રહેલો છે, તેમાં તારો આનંદ વ્યાપી રહેશે. મારો મોહ મુક્તિરૂપે સળગી ઊઠશે, મારો પ્રેમ ભક્તિરૂપે ફલિત થશે. જૂન-જુલાઈ, ૧૯૦૧ ‘નૈવેધ’

(અનુ. નગીનદાસ પારેખ)