એકોત્તરશતી/૫૬. અનાવશ્યક


અનાવશ્યક

શૂન્ય નદીને તીરે કાશવનમાં આવીને મેં તેને પૂછ્યું, “પાલવે દીવો ઢાંકીને તું એકલી ધીરે ધીરે ક્યાં જાય છે? મારા ઘરમાં દીવો સળગાવ્યો નથી, તારો દીવો અહીં મૂકી જા, બાલા.” ગોધૂલિ સમયે બે કાળી આંખો ઊંચી કરીને તેણે ક્ષણભર મારા મોં તરફ જોયું અને કહ્યું, “દીવો વહેતો મૂકવો છે, માટે દિવસને અંતે કાંઠે આવી છું.” કાશવનમાં ઊભાં ઊભાં જોઉં છું તો દીવો અકારણ તણાઈ ગયો. સમી સાંજે અંધારુ થતાં મેં આવીને તેને બોલાવીને પૂછ્યું, “તારા ઘરમાં બધા દીવા સળગાવીને આ દીવો કોને સોંપવા જાય છે? મારા ઘરમાં દીવો સળગાવ્યો નથી, તારા દીવો અહીં મૂકી જા, બાલા.” બે કાળી આંખો મારા મુખ ઉપર ક્ષણભર જાણે ભૂલમાં જોઈ રહી. તે બોલી, આ મારા દીવાને મારે આકાશ-પ્રદીપ તરીકે આકાશમાં ઊંચે ધરવો છે. ” જોઉં છું તો શૂન્ય ગગનના ખૂણામાં દીવો અકારણ બળતો હતો. અમાવાસ્યાની અંધારી મધરાતે તેની પાસે જઈને મેં પૂછ્યું, “અરે, તું કોને માટે હૈયા સરસો દીવો લઈને જાય છે? મારા ઘરમાં દીવો સળગાવ્યો નથી. તારો દીવો અહીં મૂકી જા, બાલા.” ત્યારે બે કાળી આંખો અંધકારમાં ક્ષણભર મને જોઈ રહી; તે બોલી, “દીપાવલિમાં ગોઠવવો પડશે ને એટલે હું આ દીવો લાવી છું.” જોઉં છું તો લાખ્ખો દીવા ભેગો તેનો દીવો અકારણ બળે છે. ૧૦ ઓગસ્ટ, ૧૯૦૫ ‘ખેયા’

(અનુ. નગીનદાસ પારેખ)