એકોત્તરશતી/૮૨, પાન્થ


પાન્થ


મુક્તિ ક્યાં છે, અને હું મુક્તિ કોને કહું છું એ મને પૂછશો મા, હું કંઈ સાધક નથી, હું ગુરુ નથી, હું કવિ છું, ધરતીની ખૂબ નજીક છું, આ કિનારાના નૌકાના ઘાટ પર! સામે પ્રાણની નદી ભરતીઓટ કરતી અધારું અને અજવાળું, સારું અને ખોટું, વહી જવા જેવું કંઈ કેટલુંયે, અને ભુલાઈ ગયેલાં લાભહાનિ તથા રુદનહાસ્યના કંઈ કેટલાયે ઢગલે ઢગલા લઈને નિત્ય વહી રહી છે—એક કાંઠો ભાંગીને બીજો કાંઠો ઊભો કરે છે; એ જ પ્રવાહની ઉપર ઉષા લાલ લાલ બની જાય છે. અને ચંદ્રમાના પ્રકાશની રેખા માતાની આંગળીના જેવી પડે છે; અંધારી રાતે બધા તારા ધ્યાનમંત્રનો જપ કરે છે; આથમતો સૂરજ લાલ ઉત્તરીય પસવારીને ચાલ્યો જાય છે; એ તરંગમાં માધવી-મંજરી માધુર્યની છાબ વહાવે છે, અને પંખીઓ પોતાનાં ગીત ઢોળે છે. એ તરંગના નૃત્યના છંદમાં જ્યારે ચિત્ત આ વિશ્વપ્રવાહમાં પોતાના સંગીતની સાથે વિચિત્ર ભંગિમાં નૃત્ય કરે છે, ત્યારે એ છંદમાં મારું બંધન છે, મારી મુક્તિ પણ એમાં જ છે, હું કશું રાખવા ઇચ્છતો નથી, કે કશાને વળગી રહેવા ચાહતો નથી; હું તે વિરહ-મિલનની ગ્રંથિને ખોલી નાખીને, નૌકાના સઢને ભાગેડુ પવનમાં ચડાવીને સૌની સાથે વહેતો રહેવા ચાહું છું. હે મહાપથિક, તારી દશે દિશાઓ ખુલ્લી છે. તારે નથી મંદિર, નથી સ્વર્ગધામ; કે નથી અંતિમ પરિણામ. તારે પગલે પગલે તીર્થ ધામ છે. તારી સાથે ચાલી ચાલીને હું મુક્તિ પામું છું, ચાલવાની સંપદમાં, ચંચલના નૃત્યમાં અને ચંચલના ગાનમાં, ચંચલના સર્વ કાંઈ ભૂલી જનારા દાનમાં—અંધકારમાં પ્રકાશમાં, સર્જનના પ્રત્યેક પર્વમાં અને પ્રલયની પ્રત્યેક ક્ષણમાં. ૭ મે, ૧૯૩૯ ‘પરિશેષ’

(અનુ. રમણલાલ સોની)