એકોત્તરશતી/૯૦. જપેર માલા
જપની માળા (જપેર માલા)
એકલો બેઠો છું હું અહીં અવરજવરના રસ્તાની ધારે. જેઓ સવારના પહોરમાં ગાનની નૌકાને હાંકીને પ્રાણના ઘાટ પર લઈ આવ્યા, તેઓ સાંજને સમે પ્રકાશ અને અંધકારના સનાતન રંગમંચ પર ધીરે ધીરે છાયામાં, વિલીન થઈ ગયા. આજે તેઓએ આવીને મારા સ્વપ્નલોકનાં બારણાં ઘેરી લીધાં છે, અને સૂર ખોઈ બેઠેલી વ્યથાઓ છે તે બધી પોતાના એકતારાને શોધતી ફરે છે. પ્રહર પર પ્રહર ચાલ્યા જાય છે, અને હું અંધકારને શિરે બેઠો બેઠો કેવળ નીરવ જપની માળાના સૂર ગણ્યા કરું છું. ૩૦ ઓક્ટોબર, ૧૯૪૦ ‘રોગશય્યાય’
(અનુ. રમણલાલ સોની)