એકોત્તરશતી/૯૨. આમાર કીર્તિરે આમિ કરિ ના વિશ્વાસ
મારી કીર્તિનો હું વિશ્વાસ કરતો નથી (આમાર કીર્તિરે આમિ કરિ ના વિશ્વાસ)
મારી કીર્તિનો હું વિશ્વાસ કરતો નથી. હું જાણું છું કે કાલસિંધુ તેને સતત તરંગોના આઘાતથી રોજ રોજ લુપ્ત કરી નાખશે. મારો વિશ્વાસ મારા પોતા ઉપર છે. બંને વેળા તે જ પાત્ર ભરીને આ વિશ્વની અમર સુધા મેં પીધી છે. પ્રત્યેક ક્ષણનો પ્રેમ તેમાં સંચિત થયો છે. દુ:ખભારે તેને ભાંગી નથી નાખ્યું, ધૂળે તેના શિલ્પને કાળું નથી કરી નાખ્યું. હું જાણું છું કે જ્યારે હું સંસારની રંગભૂમિ છોડીને જઈશ ત્યારે પુષ્પવન ઋતુએ ઋતુએ (એ વાતની) સાક્ષી પૂરશે કે આ વિશ્વ ઉપર મેં પ્રેમ કર્યો છે. એ પ્રેમ જ સત્ય છે, આ જન્મનું દાન છે. વિદાય લેતી વખતે એ સત્ય અમ્લાન રહીને મૃત્યુનો અસ્વીકાર કરશે. ૨૮ નવેમ્બર, ૧૯૪૦ ‘રોગશય્યાય’
(અનુ. નગીનદાસ પારેખ)