એકોત્તરશતી/૯૫. એ જીવને સુન્દરેર પેયેછિ મધુર આશીર્વાદ
આ જીવનમાં સુંદરના મધુર આશીર્વાદ પામ્યો છું (એ જીવને સુન્દરેર પેયેછિ મધુર આશીર્વાદ)
આ જીવનમાં હું સુંદરના મધુર આશીર્વાદ પામ્યો છું. મનુષ્યના પ્રીતિપાત્રમાં એની સુધાનો આસ્વાદ પામું છું. દુઃસહ દુઃખના દિવસે મને અ-ક્ષત અને અપરાજિત આત્માની ઓળખ થઈ છે. પાસે આવી રહેલા મૃત્યુની છાયાનો જે દિવસે અનુભવ કર્યો છે તે દિવસે ભયને હાથે દુર્બળ પરાજય થયો નથી, શ્રેષ્ઠ પુરુષોના સ્પર્શથી હું વંચિત થયો નથી. તેઓની અમૃતવાણી હૃદયમાં મેં સંચિત કરી છે. જીવન-વિધાતા તરફથી મને જીવનમાં જે અનુકૂળતાઓ સાંપડી છે તેની સ્મરણલિપિ કૃતજ્ઞ મનથી મેં આંકી રાખી છે. ૨૮ જાન્યુઆરી, ૧૯૪૧ ‘આરોગ્ય’
(અનુ. ઉમાશંકર જોશી)