એક અજાણ્યા ગાંધીની આત્મકથા/પરિશિષ્ટ ૧: અમેરિકામાં વસતા ભારતીયો

પરિશિષ્ટ ૧: અમેરિકામાં વસતા ભારતીયો

(આ પરિચય પુસ્તિકા પ્રથમ ૧૯૮૨માં પ્રગટ થઈ હતી. પછી તેનું પુનર્મુદ્રણ ૧૯૯૯માં થયું. અહીં એની પ્રથમ આવૃત્તિ રજૂ કરી છે. મૂળમાં માત્ર જોડણી સુધારા કર્યા છે. વધુમાં અહીં રજૂ થયેલા મુદ્દાનું સમર્થન કરતી જે કોઈ વધુ માહિતી મળી છે તે ફૂટનોટમાં મૂકી છે.)

૧૯૮૦માં ઈરાનમાં સળગેલી ક્રાંતિ દરમિયાન અમેરિકન એલચીખાતાના કર્મચારીઓને ત્યાં પકડવામાં આવેલા, અને ૪૪૪ દિવસો સુધી લગાતાર કેદમાં રખાયેલા. એ દરમિયાન અમેરિકામાં ભણતા ઈરાની વિદ્યાર્થીઓએ ઈરાનના ક્રાંતિકારી નેતા આયાતોલા ખોમેની અને ઈરાનની ક્રાંતિનો જય બોલાવતા મોરચાઓ અમેરિકાનાં નાનાંમોટાં શહેરોમાં કાઢેલા. સામાન્ય અમેરિક્નો માટે આ મોરચાઓ અસહ્ય થઈ પડેલા. અમેરિકનોનું કહેવું એમ હતું કે એક બાજુ ઈરાન જુગજૂની આંતરરાષ્ટ્રીય રૂઢિને અવગણીને આંગણે આવેલા અતિથિસમા અમેરિકન કર્મચારીઓને કેદમાં પુરે છે, અને બીજી બાજુ, આ ઘા ઉપર મીઠું ભભરાવતા હોય તેમ અહીંના ઈરાની વિદ્યાર્થીઓ અમેરિકાની રાજધાની વૉશિંગ્ટનમાં વ્હાઇટ હાઉસની બરાબર સામે જ ‘આયાતોલા ઝિંદાબાદ’ કરે છે. આ તો અમારી મહેમાનગતિનો દુરુપયોગ થયો.

આ ઈરાનીઓને ધક્કો મારીને બહાર કાઢો, અને એમને કેદમાં પૂરો એવાં બિનજવાબદાર સૂચનો થયાં. ઈરાની એરલાઈન્સ, દુકાનો, ધંધાઓ વગેરેનો બહિષ્કાર કરો, એ લોકોનો હુરિયો બોલાવો એવી માગણીઓ થઈ. પણ આ દેશનું બંધારણ જ એવું કે કાયદેસર ઈરાની વિદ્યાર્થીઓ ઉપર કે અહીં સ્થાયી થયેલા ઈરાનીઓ ઉપર બહુ કાંઈ થઈ શક્યું નહીં. અમેરિકનો મનમાં ને મનમાં ધૂંધવાઈને બેસી રહ્યા. જોકે થોડાં આડાંઅવળાં છમકલાં જરૂર થયાં. પણ એકંદરે અમેરિકન પ્રજાનાં સંયમ અને શિસ્ત પ્રશંસનીય રહ્યાં અને છતાં સામાન્ય વાતચીતોમાં, રેડિયો અને ટીવી ઉપર આવતા વાર્તાલાપોના કાર્યક્રમોમાં, છાપાંઓમાં આવતા વાચકોના પત્રોમાં, જ્યાં જ્યાં તમને આમપ્રજાની નાડ જાણવા મળે ત્યાં ત્યાં, બહુમતિ અમેરિકન પ્રજાનો પુણ્યપ્રકોપ તરત પ્રગટ થઈ જતો. અહીં વસતા ઈરાનીઓમાં આ બધાથી વિદેશવાસનો ભય પેઠો, અને અન્ય ઈમિગ્રન્ટ (પરદેશથી વસવાટ માટે આવેલી) પ્રજાઓ પોતાના ભવિષ્ય માટે આશંકિત થઈ.

ઉકળાટના એ દિવસોમાં, અહીં સ્થાયી થઈને વસતા ભારતીયોમાંથી કેટલાકને એમ પણ વિચારો આવેલા કે ધારો જે રીતે અમેરિકન કર્મચારીઓ ઈરાનમાં પકડાય તે રીતે ભારતમાં પકડાયા, તો આપણા સહુની અહીં શી દશા થાય? ન કરે નારાયણ અને ભારત અને અમેરિકા વચ્ચે વેર થયું અને બન્ને દેશો યુદ્ધે ચડ્યા, તો આપણું અહીં કોણ ધણી? બીજા વિશ્વયુદ્ધ વખતે જ્યારે જાપાને અમેરિકાના પર્લ હાર્બર ઉપર હવાઈહુમલો કર્યો ત્યારે અમેરિકાના જાપાની નાગરિકોને સરકારે કોન્સન્ટ્રેશન કૅમ્પમાં કેદ પૂરેલા તે માત્ર ચાર દાયકા જૂની જ હકીકત છે. યુદ્ધના ભયજનક વાતાવરણમાં લેવાયેલું આ કરુણ સરકારી પગલું ગેરકાયદેસર હતું તેનો એકરાર તો હજી હવે થાય છે, પરંતુ એ દારુણ દિવસોમાં અમેરિકામાં જ જન્મેલાને સ્થાયી થયેલા જાપાની વંશના અમેરિકન નાગરિકોને પોતાના ઘરબાર અને માલમિલકત છોડીને ઢોરની જેમ વાડામાં પુરાવું પડ્યું તેનું શું? આ દાખલો વિરલ જરૂર ગણાય, છતાં અમેરિકાની લઘુમતિ પ્રજા માટે એનું જે ઐતિહાસિક મહત્ત્વ છે તે ન ભુલાવું જોઈએ.

મૂંઝવતા પ્રશ્નો

આંતરરાષ્ટ્રીય કટોકટીની અસાધારણ વાતને બાજુએ મૂકીએ તો પણ અમેરિકામાં વસતા ભારતીયો પોતાના પરદેશવાસના નિત્ય જીવનના ઘણા પ્રશ્નો મૂંઝવે છે. ધીમે ધીમે એમને ભાન થાય છે કે ગમે કે ન ગમે તો પણ આપણે હવે અમેરિકામાં જ રહેવાનું છે. દેશમાં તો વરસે બે વરસે આંટો મારવા જઈએ તે જ, બાકી તો અમેરિકા એ જ આપણો દેશ અને એ જ આપણું ઘર. બાળબચ્ચાં આંખ સામે મોટાં થઈ રહ્યાં છે. જે પુત્ર આપણી આંગળી પકડીને હજી હમણાં તો પા પા પગલી ભરતો હતો તે આજે આપણાથી દોઢવેંત વધીને દૂરની કૉલેજમાં જવા તૈયાર થયો છે અને એની નાની બહેન આજે જ્યારે સાડી પહેરીને સામે ઊભી રહે છે ત્યારે થાય કે દેશમાં હોત તો કદાચ એને પરણાવી પણ દીધી હોત. ફૂટબોલ, રોકમ્યૂઝિક, ટી.વી., પીઝા અને કોકાકોલા ઉપર ઊછરેલ આ પ્રજા અંશેઅંશ અમેરિકન છે. અપૂર્વ કે સોના જેવાં એમનાં કર્ણપ્રિય નામ કે એમનો ઘઉંવર્ણો વાન જ ભારતીય છે, બાકી બીજી બધી દૃષ્ટિએ એ ઊછરતી પ્રજા અમેરિકન છે.

આ અહીં ઉછરતી પ્રજાની અસ્મિતા કઈ? એમનું ભવિષ્ય કેવું હશે? એમના સંસ્કાર અને સંસ્કૃતિ ક્યાંનાં? એમનું ધર્માચરણ કેવું હશે? દુનિયાના ખૂણેખૂણેથી આવેલી ભાતીગળ પ્રજાઓના વૈવિધ્યને જે રીતે અમેરિકન ભઠ્ઠી (મેલ્ટીંગ પૉટ) ધીમે ધીમે ઓગાળીને એકરસ કરી દે છે, તેવી જ દશા આપણી અહીં વસતી ભારતીય પ્રજાની થવાની છે કે આ પ્રજા ભારતની ભવ્ય સંસ્કૃતિનો વૈભવ અને વારસો જાળવી રાખીને પોતાની વિશિષ્ટતાનો ધ્વજ ફરકાવશે? દેશમાંથી ઊછરીને અહીં રોટલો રળવા આવેલી પ્રથમ પેઢી જેમ જેમ ઉંમરમાં વધતી જાય છે તેમ તેમ એની નિવૃત્તિની પણ એને ચિંતા થાય છે. હૂતોહૂતી અને બે બાળકોમાં સમાઈ જતી અહીંની કુટુંબવ્યવસ્થામાં વૃદ્ધોનું શું સ્થાન? અત્યારે તો કાર્યરત છીએ, પણ નિવૃત્તિના અનિવાર્ય વર્ષોમાં શું કરીશું? ત્યારે દેશમાં પાછા જવું? અહીં ઊછરતી નવતર પેઢી સાથે આપણો માબાપ તરીકેનો, વૃદ્ધાવસ્થાનો સંબંધ ત્યારે કેવો હશે? આવા આવા અનેક પ્રશ્નો અહીં સ્થાયી થઈને વસતા ભારતીયોના મનમાં ભારેલા અગ્નિની જેમ ભરાઈને પડ્યા છે.

બે તબક્કામાં આગમન

અમેરિકામાં ભારતીયો બે તબક્કામાં આવ્યા. ૧૮૨૦થી માંડીને ૧૯૬૫ સુધીનો એક તબક્કો ગણાય અને ૧૯૬૫ પછી બીજો. ઓગણીસમી સદીના અંતમાં અને વીસમી સદીની શરૂઆતના દાયકાઓમાં આવેલા ભારતીયોમાં મોટા ભાગે પંજાબી ખેડિયા કામગારો અને રડ્યાખડ્યા વિદ્યાર્થીઓ આવેલા. થોડાક ભારતીય ક્રાંતિકારો પણ બ્રિટિશ હકૂમતમાંથી છૂટવા માટે ભાગીને અહીં આવેલા. કલકત્તાના પ્રસિદ્ધ સામયિક મોર્ડન રિવ્યૂમાં ક્રાંતિકારો ભાગીને અમેરિકા કેવી રીતે પહોંચી શકે એ સમજાવતા લેખો પણ એ જમાનામાં આવતા.

ઓછા પગારે અને કેડતોડ કામ કરીને આ વસાહતી હિન્દુસ્તાની મજૂરો અમારી રોજગારી લઈ લેશે એવા ભયે અહીંની કામદાર વસતી ભડકી ગઈ હતી. ભયાનક ‘હિન્દુ આક્રમણ’ થઈ રહ્યું છે એવી ચેતવણીઓ છાપાંઓમાં આવી હતી. આવા ઊહાપોહને કારણે હિન્દુસ્તાનીઓ અને અન્ય એશિયન પ્રજા અમેરિકામાં ન પ્રવેશી શકે એવા કાયદાઓ પસાર થયેલા. એમને માટે કામધંધા કરવાનું અને નોકરી મેળવવાનું મુશ્કેલ થઈ ગયું હતું. ૧૮૨૦થી ૧૯૪૬ સુધીના ગાળામાં આવેલા લગભગ દસેક હજાર ભારતીયોમાંથી અંતે માત્ર ૧૫૦૦ જેટલા જ ટકી રહ્યા. બીજા બધાએ અમેરિકા છોડ્યું. ૧૯૪૭માં ભારતીયોને અહીં આવવા દેવામાં થોડી છૂટછાટ મુકાઈ, અને ૧૯૬૫ સુધી એમની વસતીમાં ૬૦૦૦ જેટલો વધારો થયો. આમાંના ઘણા તો શરૂઆતમાં વિદ્યાર્થી તરીકે જ આવેલા, અને પછી રહી ગયા.

પ્રોફેશનલ ઇમિગ્રેશન

૧૯૬૫માં અમેરિકાના ઇમિગ્રેશન (પરદેશથી વસવાટ માટે આગમન)ના કાયદાઓમાં જબ્બર ફેરફાર થયા. યુરોપીય પ્રજાની તરફેણ કરતી ક્વોટા પદ્ધતિને બદલાવવામાં આવી. અમેરિકા આવવા મથતી વ્યક્તિ ક્યા દેશથી અને કઈ પ્રજામાંથી આવે છે, તેને બદલે તેની શી લાયકાત અને શી આવડત છે એ વાત ઉપર ભાર મૂકવાનું નક્કી થયું. વ્યક્તિમાં કૌશલ્ય હોય, ભણતર હોય તો પછી એ ભલે ને ભારતીય, ચાઈનીઝ, બર્મીઝ, વિયેટનામીઝ કે ફિલિપિનો હોય, એને આવવા દેવી જોઈએ. વધુમાં એ વ્યક્તિ જો ડૉક્ટર, નર્સ, એન્જિનિયર, ફાર્મસિસ્ટ, પ્રૉફેસર, વેપારી વગેરે હોય તો તો એને ખાસ આવવા દેવી જોઈએ, કારણ કે અમેરિકાના વિશિષ્ટ અને વિકસતા અર્થકારણમાં આવા કુશળ વ્યવસાયી લોકોની ખાસ જરૂર છે. આમ જ્યારે અમેરિકન ઈમિગ્રેશનનાં બારણાં ઊઘડ્યાં ત્યારે તેમાં એશિયાની અનેક પ્રજા અમેરિકામાં ઈમિગ્રન્ટ્સ (વસવાટી) થઈને આવી, તેમાં ઘણા ભારતીયો પણ આવ્યા.

૧૯૬૫ પછીના એક દાયકામાં પચાસ હજાર જેટલા કુશળ પ્રોફેશનલ લોકો ભારતમાંથી આવીને અહીં સ્થાયી થયા. આમ મુખ્યત્ત્વે ભારતીય ડૉક્ટરો, નર્સો, એન્જિનિયરો, કમ્પ્યૂટર નિષ્ણાતો, પ્રૉફેસરો વગેરે હતા. ૧૯૬૬થી ૧૯૭૭ સુધીના ગાળામાં અહીંની ભારતીય વસતી કૂદકે અને ભૂસકે વધી. દર વર્ષે એ વસતીમાં ૨૪ ટકા જેટલો વધારો થતો હતો. ૧૯૭૭ના અંતે અહીં લગભગ દોઢેક લાખ ભારતીયો હતા. ૧૯૮૨માં ચારેક લાખ સુધી પહોંચેલી આ વસતી મોટે ભાગે ૧૯૬૫ પછી આવેલા વ્યવસાયી ભારતીયો અને તેમના અનુગામી કુટુંબીજનોની છે.

અમેરિકાની બાવીસ કરોડની વસતીમાં સંખ્યાની દૃષ્ટિએ અહીં વસતા ભારતીયોનું પ્રમાણ ઘણું ઓછું ગણાય. ૧૮૨૦થી માંડીને ૧૯૭૮ સુધીમાં આ દેશમાં કાયદેસર બધા થઈને આશરે પાંચ કરોડ લોકો બહારથી વસવાટ માટે આવ્યા. એમાં છએક ટકા એશિયન, અને ભારતીયો તો અડધો ટકો પણ ન ગણાય. આમાં જ્યારે મોટા પ્રમાણમાં થતું ગેરકાયદેસરનું ઇમિગ્રેશન (વસવાટ માટેનું આગમન) ઉમેરો તો ભારતીયોનું ઈમિગ્રશન સાવ નહિવત્ જ ગણાય.

આગવું સ્થાન

સંખ્યાની દૃષ્ટિએ આપણા ભારતીયો ભલે આ દેશમાં નગણ્ય હોય, પણ પોતાના કૌશલ્ય, ખંત, અને ભણતરને કારણે એમણે અમેરિકન સમાજમાં એક આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. વિશ્વવિખ્યાત સંગીતકાર રવિશંકર અને ઝુબીન મહેતાની મહત્તાથી લાખો અમેરિકનો સુપરિચિત છે. નોબેલ પ્રાઈઝ-વિજેતા હરગોવિંદ ખુરાના (૧૯૬૮) અને સુપ્રસિદ્ધ ખગોળશાસ્ત્રી ચંદ્રશેખર (૧૯૮૩) જેવા વિશ્વવિખ્યાત ભારતીય વિજ્ઞાનીઓ અમેરિકામાં વસીને અત્યારે મહત્ત્વનું પ્રદાન કરી રહ્યા છે. ઍકાઉન્ટિંગથી માંડીને ઝૂઓલૉજી સુધીના અનેક ક્ષેત્રોમાં આપણા ભારતીયો અગત્યનું કામ કરી રહ્યા છે અને એમાંના ઘણાયને તો આંતરરાષ્ટ્રીય કીર્તિ મળી ચૂકી છે. વૈજ્ઞાનિક ક્ષેત્રોમાં આ ભારતીયોમાંથી ભવિષ્યના નોબેલ પ્રાઈઝના વિજેતાઓ નીકળશે તેવી સમર્થ એમની સિદ્ધિઓ છે.76 કોઈ પણ ક્ષેત્રનું પ્રોફેશનલ સામયિક ઉઘાડો તો તેમાં એકાદ ભારતીયનો મહત્ત્વનો લેખ તમને જરૂર જોવા મળે. અમેરિકામાં ભાગ્યે જ એવી હૉસ્પિટલ હશે કે એમાં ઓછામાં ઓછો એક ભારતીય ડૉક્ટર ન હોય, કે ભાગ્યે જ એવી કોઈ યુનિવર્સિટી હશે જેમાં ભારતીય પ્રૉફેસર ન હોય. અહીંની મહત્ત્વની એન્જિનિયરિંગ કન્સલ્ટિંગ કંપનીઓમાં ભારતીય એન્જિનિયરો મોટી સંખ્યામાં અવશ્ય હોય જ.

અમેરિકાના વિશાળ રસ્તાઓને કાંઠે બંધાયેલી નાની લૉજ-હૉટેલોમાંથી ત્રીજા ભાગની તો આપણા વાણિજયકુશળ પટેલ ભાઈઓએ કબજે કરી છે. કુશળ એન્જિનિયરોએ પોતાની જ નાની મોટી કન્સલ્ટિંગ કંપનીઓ ખોલી છે. ટીવી, રેડિયો, એપલાયન્સ, ગ્રોસરી, ન્યૂઝસ્ટોલ, ધોબી, મીઠાઈ, ઘરેણાં, સાડીઓ, આઈસ્ક્રીમ, કન્સ્ટ્રક્શન, ઇન્સ્યૂરન્સ, જમીન વગેરેના નાનાંમોટાં ધંધાઓમાં આપણા ભારતીયો, મુખ્યત્વે ગુજરાતીઓ, ખૂબ આગળ આવ્યા છે. આમ સ્પેઈસ શટલ અને સોલર એનર્જીથી માંડીને ધોબી, દરજી સુધીના અનેક ક્ષેત્રોમાં ભારતીયો યથાશક્તિ પ્રદાન કરી રહ્યા છે.

પ્રથમ પેઢીમાં જ સંપન્ન

કુશળ પ્રોફેશનલ તરીકેની છાપ, અંગ્રેજી ભાષા ઉપરનું ભારતીયોનું પ્રભુત્વ, અમેરિકાનું અત્યંત ઔદ્યોગિક અર્થકારણ અને ઝાઝી સૂગ વગર અજાણ્યા માણસોને અપનાવવાની આ દેશની ઐતિહાસિક ઉદારતા—આ બધા સુભગ સંયોગોને કારણે આપણા ભારતીયો આવતાંની સાથે જ સારા સારા નોકરીધંધામાં ગોઠવાઈ ગયા અને પોતાના કૌશલ્ય અને ખંતથી ખૂબ આગળ આવ્યા. અહીં વસતો સામાન્ય ભારતીય સામાન્ય અમેરિકન કરતાં વધુ કમાય છે, અને વધુ સારી રીતે અને ઊંચા જીવનધોરણ પર રહી શકે છે. આ બધું પહેલી પેઢીની ઈમિગ્રન્ટ પ્રજાથી પણ શક્ય બન્યું એ એક અસાધારણ ઘટના છે.

આ દેશમાં દુનિયાના ખૂણેખૂણેથી અનેક પ્રજા આવીને વસી છે. મોટા ભાગના લોકો સ્વેચ્છાએ અમેરિકા આવ્યા છે પણ આફ્રિકાથી હબસીઓને ગુલામ તરીકે બળજબરીથી લવાયા હતા. બધી ઈમિગ્રન્ટ પ્રજાએ અહીં આવીને ઘણી મુસીબતો વેઠી છે. અને પેઢીઓ સુધી કેડતોડ મજૂરી કરીને ઈમિગ્રન્ટ લોકો ધીમે ધીમે અને માંડ માંડ ઊંચા આવે એવો અહીંનો ઇતિહાસ સદીઓથી આવેલી હબસી પ્રજા અને દાયકાઓથી આવેલી મેક્સિકન અને બીજી હિસ્પાનિક (સ્પેનિશ) પ્રજા હજી પણ ગરીબીમાં જીવે છે. આ સરખામણીએ આપણા ભારતીયો આવતાંવેત જ પ્રથમ પેઢીએ જ સંપન્ન બન્યા. આનું મુખ્ય કારણ તે તેમનું અંગ્રેજીભાષી વ્યવસાયી ભણતર.

સાધનસંપન્ન ભારતીયો

અમેરિકામાં સ્થાયી થઈને વસતા ભારતીયો મુખ્યત્વે કૉલેજમાં ભણેલા, અંગ્રેજી બરાબર જાણતા અને દેશના મોટાં શહેરોમાંથી આવેલા લોકો છે. ઘણા તો અમેરિકામાં ઉચ્ચ અભ્યાસ માટે જ આવેલા અને પછી અહીં રહી ગયા. ડૉક્ટરો અને બીજા વ્યવસાયી ભારતીયો તો ઘણું ભણીને જ આવ્યા, પણ પછીયે નવરાશના સમયમાં આરામથી બેસવાને બદલે વધુ આગળ ભણ્યા.

આમ આ ભારતીય પ્રજા માત્ર ભારતના જ નહીં પણ અમેરિકાના પણ સર્વોચ્ચ ભણેલા વર્ગમાં સ્થાન પામે છે. તે ઉપરાંત એમનું ઉચ્ચ શિક્ષણ સાહિત્ય અને માનવવિદ્યાઓ કરતાં મેડિસિન, ફાર્મસી, ડેન્ટિસ્ટ્રી, એન્જિનિયરિંગ, એકાઉન્ટિંગ, આર્કિટેક્ચર વગેરે વ્યવસાયો અને વૈજ્ઞાનિક ક્ષેત્રે વધુ થયેલું હોવાને કારણે નોકરીધંધાની મુશ્કેલી પ્રમાણમાં ઓછી પડે. ડૉક્ટરો તો દેશમાંથી જ નોકરી લઈને આવતા.

અહીં આવેલા ભારતીયો દેશમાં હતા ત્યારે દુનિયાથી અજાણ ન હતા. મુંબઈ, અમદાવાદ, બેંગલોર, મદ્રાસ, દિલ્હી જેવાં શહેરોમાંથી જ મોટા ભાગના લોકો આવ્યા છે એટલે અમેરિકા શું છે અને અમેરિકન જીવન કેમ જીવાય છે તેની વિગતોથી ઘણાખરા પરિચિત હતા. કેટલાક તો પહેલાં અમેરિકામાં અને પશ્ચિમના અન્ય દેશોમાં આંટો મારી ગયેલા. અમેરિકન ઇતિહાસમાં દુઃખે દાઝેલી, હેરાન થયેલી અને ભૂખે ભાંગેલી ઈમિગ્રન્ટ પ્રજાનું જે ચિત્ર છે, તે આ ભારતીય ઈમિગ્રન્ટ પ્રજાનું ચિત્ર નથી. જે દશામાં રશિયન, ઇટાલિયન, આઈરીશ વગેરે પ્રજા અહીં આવી અને આજે હિસ્પાનિક ગેરકાયદેસર પણ આવી રહી છે, તે દશામાં આ ભારતીય પ્રજા નથી આવી. અહીં આવનારા ભારતીયો મોટા ભાગે દેશમાં પણ સાધનસંપન્ન હતા અને અમેરિકામાં પણ સાધનસંપન્ન બન્યા છે.

ઉમદા છાપ

૧૯૬૫થી પછી મુખ્યત્વે ભણેલા ગણેલા અને વ્યવસાયી ભારતીયો જ અહીં આવ્યા આને કારણે ભારતીયોની એક સંપન્ન અને સંસ્કારી લઘુમતિ તરીકેની ઉમદા છાપ પડી છે તે નોંધપાત્ર છે. આ ઉમદા છાપને કારણે અહીંના સ્થાયી થયેલા ભારતીયો રંગભેદના અને વિદેશી લઘુમતિઓ પ્રત્યે થતા ભેદભાવના અન્યાયમાંથી મુખ્યત્વે બચ્યા છે. જે રીતે ઈંગ્લેંડમાં ઝાડુ વાળતા, હોટેલ સાફ કરતા કે બસ ચલાવતા ભારતીયો સહજ જ જોવા મળે તે અમેરિકામાં વિરલ દૃશ્ય બની રહે છે. આનો અર્થ એ નથી કે ઇંંગ્લૅન્ડમાં ડૉક્ટરો કે અન્ય વ્યવસાયી ભારતીય લોકો નથી. ઘણા છે, પણ અગત્યની વાત એ છે કે એક લઘુમતિ તરીકે ભારતીયોની સામૂહિક છાપ કઈ અને કેવી પડે છે? અજાણ્યા અમેરિકનો સાથે વાતચીતના જ્યારે કોઈ પ્રસંગ પડે ત્યારે જે સુભગ સ્મરણથી એ કોઈ પરિચિત ભારતીયની પ્રશંસા કરે છે ત્યારે આ વાત વધુ સ્પષ્ટ થાય છે. સામાન્ય અમેરિકન અહીં વસતા ભારતીયને કોઈ પોસ્ટગ્રેજ્યુએટ સહવિદ્યાર્થી કે લોકપ્રિય પ્રૉફેસર, ઑફિસનો કોઈ કુશળ એન્જિનિયર સાથી કે ઇમરજન્સી રૂમમાં જીવ બચાવનાર ડૉક્ટર તરીકે ઓળખે છે. જે અમેરિકન પ્રજા સાથે અહીંના ભારતીયોનો નિત્ય સંપર્ક છે તે બહુધા ઊંચા સ્તરની હોય છે. આ અમેરિકનો ભારતીય વ્યવસાયીઓનાં કૌશલ્ય અને વાણિજ્ય સમજી શકે છે, અને તેનો આદર કરે છે. નિરુપદ્રવી અને સંપન્ન લઘુમતિ તરીકેની પહેલેથી જ પડેલી આ છાપ ભારતીયો માટે અહીં મહાન આશીર્વાદ રૂપ થઈ પડી છે.

કમાણીનો સદુપયોગ

વ્યવસાયી ભણતર અને કૌશલ્યને કારણે અહીં વસતા ભારતીયો અમેરિકન તેજીમંદીના ચકરાવામાંથી સામાન્ય રીતે બચે છે, અને પોતાના નોકરીધંધા જાળવી રાખે છે. કોઈ જો વધતી જતી મંદીની ઓટમાં સપડાય અને નોકરીધંધો ગુમાવે તો હાડમારીના એ દિવસો કાઢવા જેટલી બચત એમની પાસે જરૂર હોય. એમની આવક અને જીવનધોરણ જો સામાન્ય અમેરિકન કરતાં ઊંચા છે, તો એમની બચત પણ સામાન્ય અમેરિકન કરતાં વધુ હોય છે. દેશના સંસ્કારો અને ઇમિગ્રન્ટ્સના સંયમને કારણે વધુ આવક કે બચત હોવા છતાં આ ભારતીયો છકી જતા નથી. ઊલટાનું આ બચતનો ઘરનું ઘર કરવામાં કે ધંધામાં રોકાણ કરવામાં સદુપયોગ કરે છે. આ રીતે આ ભારતીયોએ નાના નાના ધંધાઓમાં પગપેસારો કરેલો, જે આજે બરાબર જામીને મોટા લાખો ડોલરના વેચાણવાળી વિશાળ કંપનીઓ બની ચૂકી છે.77

ત્રિશંકુ સમી દશા

આપણા ભારતીયો જો આર્થિક રીતે અહીં ઠરીઠામ થઈ ગયા છે, તો સામાજિક દૃષ્ટિએ અકળામણ અનુભવે છે. અમેરિકામાં આવેલી બધી ઈમિગ્રન્ટ પ્રજાની પ્રથમ પેઢીની દશા ત્રિશંકુ જેવી જ હોય છે. ધોબીનો કૂતરો નહીં ઘરનો કે નહીં ઘાટનો, એમ ઈમિગ્રન્ટ પ્રજા જન્મભૂમિની મમતા મૂકે નહીં અને અમેરિકાનું આકર્ષણ છોડે નહીં. અને જો અમેરિકા ન છોડી શકાતું હોય તો પેલી દરિયાપાર પડેલ જન્મભૂમિને કોઈ ચમત્કારથી અમેરિકા લાવી શકાય કે? પરદેશવાસની આ આકરી સામાજિક વ્યથાને કારણે આપણને ઈટાલિયન ઈમિગ્રન્ટ પ્રજાએ ન્યૂ યૉર્કમાં ઊભું કરેલું ‘લિટલ ઈટલી’ કે ક્યૂબન ઈમિગ્રન્ટ લોકોએ માયામીમાં રચેલું ‘લિટલ હવાના’ જોવા મળે છે. ત્રિશંકુની આ દ્વિધામાંથી દરકે ઈમિગ્રન્ટ પ્રજાએ પસાર થવાનું જ રહ્યું. ગઈ કાલે જર્મન, ઈટાલિયન કે આઈરીશ ઈમિગ્રન્ટ લોકોનો હતો, તો આજે હવે આપણા ભારતીયોનો વારો છે.

સાસરે ગયેલી નવવધૂ જેમ પિયરનો વિચાર કર્યા કરે છે તેમ આ ભારતીયો અહીં બેઠા બેઠા દેશનો વિચાર કર્યા કરે છે. ગળથૂથીમાં પીધેલા સંસ્કારો, માતાના ધાવણ સાથે પીધેલી માતૃભાષા, છાશવારે અનુસરેલા રીતરિવાજો, વાળી વાળીને પાળેલા વ્યવહારો વગેરે અમેરિકા આવવાથી થોડાં ભૂલી જવાય છે? ભાથામાં મળેલી પોટલીમાં જાણે કે આ બધું સંઘરાઈને પડ્યું હતું, તે અહીં આવતાં જ બહાર નીકળવા માંડે છે. અમેરિકામાં આવતાં જ મિત્રોની, સગાંવહાલાંની શોધ શરૂ થઈ જાય. મોટા ભાગની આપણી વસતી અહીંના બોસ્ટન, ન્યૂ યૉર્ક, ફિલાડેલ્ફિયા, વૉશિંગ્ટન, પીટ્સબર્ગ, શિકાગો, ડિટ્રોઇટ, હ્યુસ્ટન, લૉસ એન્જિલિસ અને સાન ફ્રાંસિસ્કો જેવાં મોટાં શહેરોના બૃહદ વિસ્તારોમાં રહે છે. આવાં મોટાં શહેરોમાં તમને અનેક મિત્રો અને દૂરનજીકનાં સગાંવહાલાંઓ મળી જ રહે. આને કારણે આજથી વીસ વરસ પહેલાં ભારતીયોને જે એકલતા સાલતી હતી તે આજે નથી, અને છતાં દેશ તો દસ હજાર માઈલ દૂર છે તેનો વસવસો રહે છે.

અનેક મંડળો

જ્યાં જ્યાં ભારતીયો વસ્યા છે ત્યાં ત્યાં ઓછામાં ઓછું એક તો ભારતીય મંડળ હોય જ. મોટા શહેરોમાં તો ગુજરાતી, મરાઠી, બંગાળી, તેલુગુ એમ દરેકેદરેક ભાષીઓનાં મંડળો હોય. તે ઉપરાંત એકેએક ધર્મની અને પંથની ભક્તમંડળીઓ હોય. ન્યૂ યૉર્ક અને લૉસ એન્જિલિસ જેવાં બહુ મોટાં શહેરોમાં જ્યાં ભારતીયોની વસતી પ્રમાણમાં વધુ ત્યાં તો જ્ઞાતિ અને પેટાજ્ઞાતિનાં પણ મંડળો જોવા મળે. ન્યૂ યૉર્ક, પીટ્સબર્ગ, હ્યુસ્ટન જેવાં શહેરોમાં દેશનાં જેવાં જ મંદિરો જોવા મળે. આ સામાજિક મંડળો અને ધાર્મિક ભક્તસમાજોનાં આશ્રયે અનેક પ્રકારની ભારતીય સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિઓ નિયમિત, અને ખાસ તો દર શનિ-રવિએ, થયા કરે. તે ઉપરાંત દિવાળી, નવરાત્રિ, દુર્ગાપૂજા, ગણેશચતુર્થી, શિવરાત્રિ, જન્માષ્ટમી, પર્યુષણ વગેરે પ્રસંગોની અચૂક ઉજવણી થાય. નવરાત્રિના ગરબા લેવાતા હોય ત્યારે અમેરિકામાં અમદાવાદ ઊતર્યું હોય એમ લાગે!

બધા જ ભારતીયોને આવરી લેતાં મંડળો પણ હોય છે, જે પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરી જેવા રાષ્ટ્રીય દિનોની ઉજવણી કરે છે. આ ઉપરાંત દેશમાંથી ફિલ્મી દુનિયાના અભિનેતા કલાકારો, સંગીતકારો, ગાયકો વગેરે અહીં છાશવારે આંટા મારતા જ હોય. તે બધાના કાર્યક્રમો યોજાય અને હજારોની સંખ્યામાં ભારતીયો હાજરી આપે. ધાર્મિક સમાજો પોતાના ધર્મગુરુઓને અને સ્વામીઓને બોલાવે. વિધવિધ શહેરોમાં કથાઓ થાય અને સપ્તાહો બેસે. રેડિયો ઉપર મોટાં શહેરોમાં દર શનિ-રવિએ હિન્દી ફિલ્મોના ગીત-સંગીતના કાર્યક્રમો હોય. ન્યૂ યૉર્કમાં તો દર રવિવારે સવારે ટીવી ઉપર હિન્દી ફિલ્મો પણ બતાવાય છે. ભારતીય દુકાનોમાંથી દેશનાં મરચાં, મસાલા, મીઠાઈથી માંડીને સાડીઓ અને ઘરેણાં સુધ્ધાં અત્યંત સહેલાઈથી અહીં મળે છે. અને ભારતીય રેસ્ટોરાંમાં બૉમ્બે થાળી કે મસાલા ઢોસા ખાધા પછી બાકી રહેતું હોય તો મસાલેદાર પાન પણ અહીં મળે છે!

ઊખેડેલા આંબા

મોટા ભાગની ભારતીય પ્રજા માત્ર ભૌગોલિક દૃષ્ટિએ જ અમેરિકામાં છે, બાકી તેમની મનોદશા-ભાવ-પ્રતિભાવ, રીતરિવાજો અને વ્યવહાર તો હજી ભારતીય જ છે. સોમથી શુક્ર ઑફિસે જવાનું હોય ત્યારે જ જાણે કે અમેરિકા સાથેનો એમનો સંબંધ. સાંજે ઘરે આવે ત્યારે અને શનિ-રવિએ તો જાણે કે દેશમાં જ હોય એમ વર્તે છે. અન્ય ભારતીયોને છાશવારે મળવાની અસાધારણ ભૂખ, દેશમાં આંટો મારવાની દર બે ત્રણ વર્ષે ઊપડતી ચટપટી, ભારતીય ફિલ્મો અને ફિલ્મી ગીતોનો ચોંટી રહેલો ચસકો, સામાજિક મંડળો અને મંદિરો ઊભાં કરવાની નિત્યની લમણાઝીંક, અમેરિકનો સાથેનો એમનો નહીંવત્ સામાજિક સંબંધ–આ બધું અહીં વસતા ભારતીયોની વિદેશવાસની વ્યથાને વ્યક્ત કરે છે. આ ભારતીયો ભલે અમેરિકામાં રહે, ભલે અમેરિકાની સિટીઝનશિપ લે, પણ તે બધા અંશેઅંશ ભારતીય જ છે અને મરતાં સુધી ભારતીય રહેશે. વર્ષો સુધીના અમેરિકાના વસવાટ પછી દેશમાં પાછા ગયેલા કવિશ્રી શ્રીધરાણીએ વિદેશવાસની આ વ્યથાને આબાદ રીતે કવિતામાં વ્યક્ત કરી છે : ‘ઉખેડેલા ન આંબા ઊગે, ઘરે ઊગેલા આભે પૂગે.’ દેશમાંથી ઊછરીને આવેલા પ્રથમ પેઢીના ઈમિગ્રન્ટ ભારતીયો ઊખડેલા આંબાની જેમ આ પરાયા સમાજ અને સંસ્કૃતિમાં ઊગી શકતા નથી. આ છે એમની સામાજિક અને સાંસ્કૃતિક દ્વિધા.

સંઘર્ષના ભણકારા

જો કે પરદેશવાસનો આ જે તરફડાટ છે તે પહેલી પેઢીના ઈમિગ્રન્ટ ભારતીયોનો છે. અહીં ઊછરતાં એમનાં સંતાનો તો અંશેઅંશ અમેરિકન જ છે. આ બાળકો બ્લોટિંગ પેપરની જેમ એમની આજુબાજુના અમેરિકન વાતાવરણને આત્મસાત્ કરે છે. એમની ભાષા અને ઉચ્ચારો, ભાવ અને પ્રતિભાવ, વાતો અને વિચારો, સંસ્કારો અને સંસ્કૃતિ—એ બધું અમેરિકન છે. જ્યારથી એ બાળક ટીવી જોવાનું શરૂ કરે ત્યારથી જ એ ભારતીય મટીને અમેરિકન બનવાનું શરૂ કરે. ટીવીથી શરૂ થયેલું એનું અમેરિકનાઈઝેશન (અમેરિકીકરણ) પાડોશ અને સ્કૂલમાં આગળ વધે છે. ખાસ કરીને તો અમેરિકન સ્કૂલમાં જ ભારતીય કિશોરને એની અમેરિકન હયાતી મળે છે. એ કિશોરને પૂછશો તો એ ગર્વથી પોતાનું અમેરિકન અસ્તિત્વ જાહેર કરશે.

ભારતીય માબાપોનાં આ અમેરિકન સંતાનોને ભારત દેશ સાથે બહુ લાગતુંવળગતું નથી. અમેરિકન હયાતીનાં બાહ્ય લક્ષણો એમને જેટલાં સહજ છે, તેટલાં ભારતીય જીવનનાં પ્રતીકો એમને સહજ નથી. અમેરિકન ફિલ્મ અને ટીવીમાંથી સાંપડેલા મિકી માઉસ, બગ્જ બની અને બિગ બર્ડનાં પાત્રો, હોટ ડોગ અને હેમ્બર્ગર, પીઝા અને કૉક, રોક અને કન્ટ્રી મ્યુઝિક, અટારી અને પેકમેન, કમ્પ્યૂટર અને સ્ટીરિયો—આ બધાંની વચ્ચે ઉછરેલી અહીંની પ્રજા માટે ભારતીય જીવનનાં પ્રતીકો અને રીતરિવાજો સમજવાં સહેલાં નથી. આપણી ભાષા અને ઉચ્ચારો, આપણો અન્યોન્ય પ્રત્યેનો વ્યવહાર, નજીવી ઓળખાણે ટપકી પડતા મહેમાનોનું ધાડું, કાકા-મામા-ફુઆ વગેરે સગાંઓની લંગાર, આપણા તહેવારો, અનેક પ્રકારનાં અને અનેક અંગોવાળાં આપણાં દેવદેવીઓ, કારમાં અને ઘરે નિત્ય ગુંજી રહેતાં ફિલ્મી ગીતો, ઢંગધડા વગરની આપણી ફિલ્મો—આ બધાંનો એ ઉછરતી પ્રજાના અમેરિકન અસ્તિત્વ સાથે બહુ મેળ ખાતો નથી. અમેરિકાના સામાજિક સંદર્ભમાં આ ભારતીય જીવન એમના માટે એક વિચિત્ર વાત બની રહે છે. તેવી જ રીતે એ ઉછરતી પ્રજાના અમેરિકન હયાતી અહીં વસતા ભારતીયો માટે એક સમસ્યા બની ગઈ છે. આ સમસ્યામાં મને આ બે પેઢી વચ્ચે આવી રહેલા અનિવાર્ય સંઘર્ષના ભણકારા સંભળાય છે.

ઉછરતી અમેરિકન પેઢી

આ ઉછરતી પ્રજા જેમ જેમ ઉંમરમાં વધતી જાય છે તેમ તેમ તે પોતાનું સ્વતંત્ર વ્યક્તિત્વ વ્યક્ત કરે છે. લગ્નજીવન, પ્રણય, જાતીય સંબંધો, કૌટુંબિક સંબંધો, કારકિર્દી વગેરેના તેમના ખ્યાલો અને વિચારો બહુધા અમેરિકન જ છે, અને તે ભારતીય વિચારસરણીથી ઘણા જુદા પડે છે. માબાપે પસંદ કરેલ કન્યા કે મૂરતિયાને વડીલોની આજ્ઞા છે એટલે અહીં કોઈ પરણવાનું નથી, આ પ્રજા તો પોતાની જ મેળે પોતાના જીવનસાથીની પસંદગી કરશે અને તે પણ અમેરિકન ઢબે જ કરશે. તે પ્રમાણે બાપાને પસંદ છે એટલે હું ડૉક્ટર થઈશ એવી રીતે કોઈ અહીં કારકિર્દી પસંદ નથી કરતું. પોતાના જીવનની અભિવ્યક્તિ જ્યાં શ્રેષ્ઠ રીતે થાય તેવા જ ક્ષેત્રે આ અમેરિકન પ્રજા પોતાનું જીવન જીવવાનું પસંદ કરશે. આનો અર્થ એ નથી કે આ પ્રજા સ્વચ્છંદી કે અવિવેકી છે. કૌશલ્ય, ખંત અને ઉચ્ચ શિક્ષણને કારણે પ્રથમ પેઢીએ જ સંપન્ન ભારતીય ઈમિગ્રન્ટ લોકોની વિલક્ષણતાઓ એમનાં સંતાનોમાં પણ ઊતરતી આવી છે. આર્થિક, સામાજિક અને અન્ય દૃષ્ટિએ જોતાં તો અત્યારથી પણ જોવા મળે છે. મોરનાં ઈંડાં કંઈ ચીતરવાં પડતાં નથી.78 પરંતુ એમનું જ્વલંત ભવિષ્ય એક અમેરિકન પ્રજા તરીકેનું હશે, નહીં કે ભારતીય પ્રજા તરીકેનું તે વાત સ્પષ્ટ સમજવી ઘટે અને છતાં એ જ વાત અહીં વસતા ભારતીયોને ગળે ઊતરતી નથી.

જોખમી અખતરો

અમેરિકન સમાજ અને સંસ્કૃતિનાં પોતાને અમાન્ય અને અણગમતા એવા પ્રવાહો અને લક્ષણોથી અહીં ઊછરતી પોતાની પ્રજા બચે, અને તે ભારતીય સંસ્કૃતિ પ્રાપ્ત કરે, બલ્કે ભારતીય બની રહે એ આશાએ અહીં વસતા ભારતીયો મંદિરો અને સામાજિક મંડળો બાંધવામાં પડ્યા છે તે આપણે નોંધ્યું. મોટાં મોટાં શહેરોમાં જ્યાં મંદિરો છે ત્યાં નિયમિત પૂજાપાઠ થાય છે. અન્ય સ્થળોએ લોકો એકબીજાને ઘરે કે જાહેર હોલમાં ભેગા થઈને ભજનો ગાય છે અને ધાર્મિક ક્રિયાઓ કરે છે. દેશમાંથી સ્વામી, ગુરુઓ અને સાધુ-મહારાજોને બોલાવીને તેમના ઉપદેશનાં પ્રવચનો, સત્સંગો, કથાઓ અને કૅમ્પ ગોઠવે છે. અહીં ઊછરતી પ્રજાને આ બધી ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિઓમાં ગમેઅણગમે પણ ભાગ લેવા માટે માબાપો આગ્રહ કરે છે. અગત્યનો પ્રશ્ન એ છે કે સામાજિક સંદર્ભ વગર અમેરિકામાં ભારતીય ધર્મ અને સંસ્કૃતિ લાવવાં શક્ય છે ખરાં?

જ્યાં સુધી ભારતીય ઈમિગ્રન્ટ્સની પહેલી પેઢી હયાત છે ત્યાં સુધી આ ધાર્મિક પ્રવૃત્તિઓ, સ્વામી, સાધુઓ, ગુરુ મહારાજો અને ભક્તમંડળીઓનું મહત્ત્વ જરૂર છે. પણ અહીં જન્મીને અહીં જ ઊછરેલી બીજી, ત્રીજી કે ચોથી પેઢીના ભારતીયો માટે આ બધું એકમાત્ર વિસ્મયનો જ વિષય બની રહેશે, એમ અન્ય વંશોની પ્રજાઓનો ઇતિહાસ સાક્ષી પૂરે છે. અને છતાંયે આ બધી પ્રવૃત્તિઓ અત્યારે તો ફૂલીફાલી રહી છે.

દેશમાંથી ઊછરીને અમેરિકામાં આવી વસેલા ભારતીયો પોતાનાં મૂળિયાં પકડી રાખે અને અમેરિકન ન બને તે સમજી શકાય છે, પણ તેઓ જ્યારે એમની અહીં ઊછરતી અમેરિકન પ્રજાને ભારતીય બનાવવા મથે છે ત્યારે વિચિત્ર પરિસ્થિતિ ઊપજે છે. અમેરિકામાં ઊછરીને અમેરિકન ન થવું પણ ભારતીય બની રહેવું તે પાણીમાં પલળ્યા વગર તરવા જેવી વાત છે. આવા પ્રયત્નો જરૂર થયા છે, પણ એ પ્રયત્નો જોખમી નીવડ્યા છે. અહીંના પેન્સિલવેનિયા રાજ્યના લાન્કેસ્ટરજિલ્લામાં જર્મન અને સ્વિસ ઈમિગ્રન્ટ્સ દાયકાઓથી ઠરીઠામ થયેલી એમિશ પ્રજામાં આવા અખતરાનો એક દાખલો મળે છે. એમિશ પ્રજાએ આજે દાયકાઓના અમેરિકન વસવાટ પછી પણ પોતાના રીતરિવાજો, રૂઢિઓ અને વિશિષ્ટ જીવનપ્રણાલી જાળવી રાખવા પ્રયત્નો કર્યો છે. વીસમી સદીનાં આધુનિક અમેરિકામાં એમિશ લોકો અઢારમી સદીનું જર્મન જીવન જીવવા મથે છે, અને આધુનિક અમેરિકાથી અસ્પૃષ્ટ રહીને પોતાનાં ધર્મ અને સંસ્કૃતિ જાળવવાનો ભગીરથ પ્રયત્ન કરે છે. પરંતુ એમનું અપવાદરૂપ બની ગયેલું જીવન, બંધિયાર જીવનવ્યવસ્થા, ઘટતી જતી વસતી, અને તેમનું પ્રદર્શનરૂપ બની ગયેલું અસ્તિત્વ—આ બધામાંથી જે ઈમિગ્રન્ટ લોકો કોઈ પણ શરતે અમેરિકામાં પોતાનો જુદો તંબૂ તાણવા મથે છે તેમણે ચેતવણી લેવાની જરૂર છે.

સામાજિક સંદર્ભનો અભાવ

હિન્દુ ધર્મ અને સંસ્કૃતિની એક વિશિષ્ટતા એ છે કે એનું અસ્તિત્વ હિન્દુ જીવન અને હિન્દુ સમાજ વગર અસંભવિત છે. આ દૃષ્ટિએ હિન્દુ ધર્મ યહૂદી ધર્મ અને પારસી ધર્મ સાથે સામ્ય છે. આપણા ધર્માચરણમાં સામાજિક સંદર્ભ અને અનુસંધાન અનિવાર્ય છે. નવરાત્રિ અને દશેરા, નાગપાંચમ, રાંધણછઠ અને શીતળા સાતમ, જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી અને મહાશિવરાત્રિ—આ બધા તહેવારોનું ધાર્મિક મહત્ત્વ એના સામાજિક સંદર્ભથી અવિભાજ્ય છે. તેવી જ રીતે આપણા વર્ણાશ્રમો અને જ્ઞાતિપ્રથાનું ધાર્મિક અને સાંસ્કૃતિક સત્ત્વ એના સામાજિક સંદર્ભમાં જ છે. આ બાબતમાં સરખામણીએ ખ્રિસ્તી ધર્મ, ઇસ્લામ અને બૌદ્ધ ધર્મને સામાજિક સંદર્ભની અનિવાર્યતા નથી. આ કારણે આ ત્રણે ધર્મોનો વિશાળ પ્રચાર થઈ શક્યો છે. જુદી જુદી સંસ્કૃતિઓમાં, વિભિન્ન ખંડોમાં અને વિવિધ સમાજવ્યવસ્થાઓમાં આ ત્રણે ધર્મો સહજ જ પાળી શકાય છે. અત્યંત ઔદ્યોગિક અને આધુનિક પશ્ચિમના દેશો હોય કે સંસ્કૃતિસમૃદ્ધ અને સદીઓ જૂના એશિયાના દેશો હોય—આ વિભિન્ન સામાજિક, સાંસ્કૃતિક અને ભૌગોલિક વાતાવરણોમાં ખ્રિસ્તી ધર્મ મોટા પ્રમાણમાં જોવા મળે છે. આવું જ ઇસ્લામનું. અને આ જ રીતે બૌદ્ધ ધર્મનો ભારતની બહાર સાવ નિરાળા અને અજાણ્યા દેશોમાં ભવ્ય પ્રચાર થઈ શક્યો.

હિન્દુ ધર્મ અને સંસ્કૃતિને જો સામાજિક સંદર્ભની અનિવાર્યતા હોય તો પછી અમેરિકામાં એ ધર્મ અને સંસ્કૃતિ લાવવા અને પેઢીઓ સુધી જાળવવા માટે આપણે હિન્દુ જીવન લાવવું અને જાળવવું જોઈએ. આ શક્ય છે ખરું? આ બાબતનો આકરો અખતરો હરેકૃષ્ણ સંપ્રદાયના અમેરિકન અનુયાયીઓ અત્યારે કરી રહ્યા છે. અત્યારે તો આ કઠોર પ્રયોગ નાના પાયા ઉપર થઈ રહ્યો છે. આધુનિક અમેરિકન જીવનથી વિમુખ અને અપવાદરૂપ એમનું અસ્તિત્વ વિસ્તરશે કે વિલીન થશે એ વાત ભવિષ્ય જ કહી શકે. પરંતુ અહીંના ભારતીયો હરેકૃષ્ણવાળાઓ સાથે જોડાય એ બહુ સંભવિત દેખાતું નથી. જે હોંશ અને ઉમળકાથી આ ભારતીયો અમેરિકન સુવિધાઓ, સાધનસામગ્રી, સમૃદ્ધ જીવનધોરણ અને સ્વતંત્ર જીવનશૈલી અપનાવે છે અને માણે છે તે બતાવે છે કે આપણે હરેકૃષ્ણ ધર્મના આકરા જીવનને દૂરથી જ નમસ્કાર કર્યા છે.

અધકચરા પ્રયત્નો

અનેકવિધ સામાજિક મંડળો, ધાર્મિક સંસ્થાઓ અને મંદિરો દ્વારા હિન્દુ ધર્મ અને સંસ્કૃતિ અમેરિકામાં લાવવા અને જાળવવા જે કાંઈ પ્રયત્નો થઈ રહ્યા છે તે પણ મુખ્યત્વે ઉપરછલ્લા અને અધકચરા છે. આ બધામાં આ ભારતીયોના વિદેશવાસનાં વલખાં સિવાય બીજું બહુ ઓછું છે. દેશમાં જે પૂજાપાઠ કરતા તે અહીં કરવા અને ત્યાં જે સાધુ-મહારાજોને સાંભળતા તેમને અહીં બોલાવીને સાંભળવા એમાં જ એમની ધર્મભક્તિ સમાઈ જાય છે. દેશમાં જેટલા વાડા, પંથ અને પેટા પંથ છે તેટલા અહીં ઊભા થયા છે. એક અધિધર્મ તરીકે હિન્દુ ધર્મમાં જે સહિષ્ણુતા અને ઔદાર્ય છે અને હિન્દુ ધર્મનું રહસ્ય તો જીવનના આચરણમાં છે, નહીં કે અંધાનુકરણે થતા ક્રિયાકાંડમાં, એવી સમજૂતી અહીં ભાગ્યે જ જોવા મળે છે.

જેવું ધર્મનું તેવું જ ભારતીય સંસ્કૃતિનું. રાસગરબા, ભાંગડા, ભારતીય ફિલ્મો અને ફિલ્મી ગીતોમાં જ જાણે કે ભારતીય સંસ્કૃતિ સમાઈ ગઈ હોય એવી અહીંના ભારતીયોની સમજ છે. છાશવારે થતા અહીંના સાંસ્કૃતિક કાર્યક્રમોમાં આથી વિશેષ ભાગ્યે જ કંઈ હોય છે. શનિ-રવિએ થતી પાર્ટીઓમાં વિડિયો ઉપર બધાં સાથે બેસીને દેશની ફિલ્મો જુએ અને એ ફિલ્મોમાંથી ભારતીય સંસ્કૃતિનો પરિચય મળે છે એમ માનીને પોતાનાં સંતાનોને એ ફિલ્મો બતાવે! જ્યારે અહીંની મહાન યુનિવર્સિટીઓમાં અને સંસ્થાઓમાં અમેરિકનો દ્વારા ભારતીય સંસ્કૃતિ સમજવા અને સમજાવવા જે પ્રશંસનીય પ્રયત્નો થઈ રહ્યા છે તેનાથી આપણા ભારતીયો મોટા ભાગે અજાણ હોય છે. આટલી ભણેલીગણેલી અને સંપન્ન પ્રજા શિષ્ટ સાહિત્ય અને સંસ્કૃતિથી આટલી બધી વિમુખ કેમ રહે છે તે સમાજશાસ્ત્રીઓ માટે સંશોધનનો વિષય બની રહે એવો મોટો પ્રશ્ન છે.

જે દેશ છોડીને અહીં રોટલો રળવા આવ્યા તે દેશની યાદ જરૂર આવે પરંતુ એ દેશની પરિસ્થિતિને સમજવા ભાગ્યે જ પ્રયત્ન થાય છે. પાર્ટીઓમાં ભારત વિશે અચૂક વાતો થાય, પણ તેમાં મુખ્યત્વે સ્વાનુભવની, અધકચરા વિચારો અને અડધીપડધી સમજવાળી વાતો હોય. દેશની ગંદકી, લાંચરુશવત, રાજકારણનો સડો, આગળ વધવા માટે જરૂરી લાગવગ અને દેશની ફિલ્મી દુનિયા વગેરે વિશેની ઉપરછલ્લી વાતોમાં જ એમની ગોષ્ઠી સમાઈ જાય છે. દેશ વિદેશનું એમનું નિદાન સામાન્ય રીતે આકરું જ હોય છે, પણ જો દેશની ટીકા કરતા લેખ સ્થાનિક છાપાંઓમાં આવે છે, તો તે તો તેમને માટે અસહ્ય બની જાય છે. તમામ અમેરિકન મીડિયા (લોકસંપર્કનાં સાધનો) ભારતવિરોધી છે એવો તત્કાલ આક્ષેપ કરે છે. અને પછી અમેરિકન રાજનીતિ, સ્વચ્છંદ જીવન, બાળઉછેર માટે અમેરિકા કેવો ખરાબ દેશ છે વગેરે વિશે સખ્ત પ્રહાર કરવા લાગી જાય છે. ખાસ કરીને અમેરિકાની શિથિલ કુટુંબ વ્યવસ્થા માટે તેમની ટીકા ઉગ્ર હોય છે. જન્મભૂમિ ભારત તેમ જ કર્મભૂમિ અમેરિકા માટે આ ભારતીયોનું વલણ આવું ઉગ્ર અને ટીકાપૂર્ણ કેમ હોય છે તે માનસશાસ્ત્રીઓ માટે વિચારણીય પ્રશ્ન બની રહે તેટલું નોંધપાત્ર છે.

અમેરિકન મેલ્ટિંગ પૉટ

સૌથી અગત્યનો પ્રશ્ન એ છે કે આ અમેરિકામાં વસતા ભારતીયોનું ભવિષ્ય છે? પોતે ક્યાં સુધી ભારતીય જ રહેશે અને પોતાના તથા સંતાનોના અમેરિકીકરણમાં પોતે કેવો ભાગ ભજવશે? અમેરિકીકરણ અનિવાર્ય હોવા છતાં દરેક ઈમિગ્રન્ટ પ્રજાની પહેલી પેઢીએ પોતાની વિશિષ્ટ સંસ્કૃતિ અને જીવનરીતિ જાળવી રાખવા પ્રયત્નો જરૂર કર્યા જ છે. ગઈ સદીમાં આવેલા ઈમિગ્રન્ટ્સ લોકોએ પોતાની આગવી વસાહતો પણ સ્થાપવા પ્રયત્નો કરેલા. ૧૮૧૮ના ગાળામાં આઈરીશ ઈમિગ્રન્ટ્સ વધી ગયેલા ત્યારે તેમાંના નિરાશ્રિતો ઠેકાણે પડે એટલા માટે ન્યૂ યૉર્ક અને ફિલાડેલ્ફિયાનાં હિતવર્ધક મંડળોએ આઈરીશ પ્રજાને પોતાની આગવી જગ્યા અપાવવા માટે અમેરિકન સરકારને અરજી કરેલ. અમેરિકાના પશ્ચિમ પ્રદેશમાં વિશાળ જમીન સાવ ખાલી પડી હોવા છતાં સરકારે આ કામ માટે જમીન આપવાની ના પાડી. અમેરિકન ઈમિગ્રશનના ઇતિહાસમાં આ એક અગત્યનો બનાવ હતો.

આ નકારાત્મક નિર્ણય દ્વારા કૉંગ્રેસે એક વાત સ્પષ્ટ કરી કે આ દેશમાં કોઈ પણ વંશની પ્રજા પોતાના જુદા ડેરાતંબૂ બાંધે અને પોતાનો જુદો ધજાગરો ફરકાવે એ કૉંગ્રેસને અમાન્ય હતું. પેન્સિલવેનિયા અમુક વિસ્તારોમાં જ્યારે જર્મન ઈમિગ્રન્ટ્સ ખડકાવા મંડ્યા ત્યારે અમેરિકાના વયોવૃદ્ધ સંસ્થાપક બેન્જામિન ફ્રેન્કલિન અને અન્ય મોવડીઓએ પણ ચેતવણી આપેલ, “અમેરિકા અમેરિકનો માટે જ છે. ઈટાલિયન, જર્મન, ડચ, આઈરીશ વગેરે વિવિધ પ્રજાઓએ પોતાની વંશગત વિશિષ્ટતા વેગળી કરીને અમેરિકામાં એકરસ થવું ઘટે.” યુરોપના ખૂણે ખૂણેથી આવેલ પ્રજાઓ અમેરિકન ભઠ્ઠી (મેલ્ટિંગ પૉટ)માં ઊકળી ઊકળીને આ રીતે એકરસ થઈને અમેરિકન બની.

બિનગોરી પ્રજાનું શું?

પરંતુ આ તો યુરોપિયન લોકોની વાત થઈ. એ ગોરી પ્રજા અમેરિકામાં જે રીતે એકરસ થઈ શકી તે રીતે આપણી બિનગોરી ભારતીય પ્રજા અમેરિકામાં એકરસ થઈ શકે ખરી? અને જો બહુમતિ ગોરી પ્રજા સાથે આવું સંમિલન ન થઈ શકે તો સદાને માટે એક બિનગોરી લઘુમતિ તરીકે રહેવું તે હિતાવહ ખરું કે? આ બાબતમાં અહીંની આફ્રિકામાંથી લવાયેલી હબસી પ્રજાનો કરુણ દાખલો આપીને ચેતવણી અપાય છે. સદીઓના અમેરિકન વસવાટ પછી પણ એ હબસી પ્રજા મોટા ભાગે ગરીબી અને શોષણમાં આજે સબડે છે.

એક એશિયન લઘુમતિ તરીકે આપણા ભારતીયો માટે અહીં વસતી અન્ય એશિયન પ્રજા, મુખ્યત્વે ચાઈનીઝ અને જાપાનીઝ લોકોના દાખલાઓ વધુ યોગ્ય બની રહે. આ ખંતીલી પ્રજાઓએ દાયકાઓના વસવાટ પછી, પોતે બિનગોરી એશિયન પ્રજાઓ હોવા છતાં પણ, અમેરિકીકરણ સિદ્ધ કર્યું છે. અને સાથે સાથે પોતાની વંશગત વિશિષ્ટતાઓ જાળવી રાખી છે. વધુમાં લઘુમતિ પ્રજા હોવા છતાં ફૂલીફાલી છે. શિક્ષણ, સંસ્કૃતિ, ધર્મ, અને વાણિજ્યકૌશલ્ય દૃષ્ટિએ ભારતિયો માટે અહીંની યહૂદી લઘુમતિ કદાચ વધુ યોગ્ય દૃષ્ટાંત પૂરું પાડે છે. પણ એ ગોરી લઘુમતિ છે. જેટલી ઝડપથી યુરોપીય પ્રજા અહીં એકરસ થઈ એટલી ઝડપથી બિનગોરી એશિયન પ્રજા અમેરિકામાં એકરસ ન જ થઈ શકે એ નિર્વિવાદ વાત છે. છતાં જે રીતે હબસીઓ આ સમાજના મુખ્ય પ્રવાહોથી બહુધા વેગળા રહ્યા છે તેમ આપણા ભારતીયો નહીં રહે તે પણ નિર્વિવાદ વાત છે.

પંચરંગી અમેરિકા

બીજા વિશ્વયુદ્ધ પછી એક આંતરરાષ્ટ્રીય સત્તા તરીકે અમેરિકન પ્રજાના સામૂહિક માનસની સીમાઓ વધુ ને વધુ વિસ્તરતી રહી છે. એક જમાનામાં અહીં મુખ્યત્વે યુરોપ ઉપર જ દૃષ્ટિ મંડાઈ રહેતી હતી, ત્યારે આજે એ દૃષ્ટિ બહોળી બની છે. પશ્ચિમના દેશોમાં અમેરિકા અત્યારે સૌથી ખુલ્લો સમાજ ગણાય છે. આજે પણ અનેકવિધ પ્રજાને સ્વીકારીને પોતાની કરવાની અમેરિકાની તૈયારી સર્વથા પ્રશંસનીય છે. દુનિયાના બાકી બધા દેશો ભેગા મળીને જેટલા ઈમિગ્રન્ટ્સને આવવા દે છે, તેનાથી વધુ એકલું અમેરિકા એ નિરાશ્રિતોનું ઉદાર હૃદયે સ્વાગત કરે છે. અને તે ઉપરાંત અનેકગણા ગેરકાયદેસર જીવને જોખમે, યેન કેન પ્રકારેણ, મુખ્યત્વે મેક્સિકોમાંથી, અહીં દરરોજ હજારોની સંખ્યામાં આવ્યે જ જાય છે. ઈમિગ્રન્ટ્સના બાવડાંના બળે બંધાયેલા આ દેશના બંધારણમાં નાગરિક હક અને લઘુમતિઓના સંરક્ષણનાં બીજ જે પહેલેથી જ નંખાયા તે આજે વિશાળ વડલો થઈને અમેરિકાની વિવિધ લઘુમતિઓને હૈયાધારણ આપે છે. આ છે અમેરિકાની મહાનતા.

ગઈ બે સદી સુધી અમેરિકા ગોરી બહુમતિનો દેશ રહ્યો છે. પણ આવતાં બસો વર્ષમાં તે ગોરી બહુમતિનો દેશ રહેશે કે નહીં તે શંકાનો વિષય છે. આ દેશમાં જે સંખ્યામાં જન્મ-મરણ થાય છે, અને જે સંખ્યામાં કાયદેસર અને ગેરકાયદેસર ઈમિગ્રશન થાય છે, તેની ગણતરી કરીએ તો આવતાં સો વર્ષમાં આ દેશની વસતી લગભગ ૩૦ કરોડની હશે. આ વસતીનો ત્રીજો ભાગ તો ૧૯૭૯ પછી આવેલા (મુખ્યત્વે બિનગોરા) ઈમિગ્રન્ટ્સ અને તેમના વંશજો હશે. આ હકીકતનો વિચાર કરીએ તો ભવિષ્યનું અમેરિકા એક ગોરા સમાજ કરતાં પચરંગી પ્રજાના શંભુમેળાના સમું વધુ બની રહેશે.

કુટુંબપ્રેમ

આ દેશની ઐતિહાસિક વિશિષ્ટતા એ છે કે ઈમિગ્રન્ટ લોકોએ આ દેશનું ઘડતર કર્યું છે. દુનિયાભરના દુઃખી અને દુભાયેલાંઓની આશા સમા આ દેશમાં દર પેઢીએ નવા નવા ઈમિગ્રન્ટ્સ આવીને ઊભા જ હોય. અમેરિકા આજે જો પોતાના દરવાજા સાવ ઉઘાડા મૂકી દે તો અડધી દુનિયા અહીં ઠલવાઈ જાય એવું એનું લોહચુંબક જેવું આકર્ષણ છે. અહીંની અઢળક સમૃદ્ધિ અને વ્યક્તિસ્વાતંત્ર્ય સામાન્ય માણસને પણ જે આધુનિક સુવિધાઓ અને ઉચ્ચ જીવનધોરણ આપે છે તે અન્ય દેશોમાં, ખાસ કરીને ગરીબ દેશોમાં, બહુ જૂજ માણસોને મળે છે. અમેરિકાનો સમૃદ્ધ અને મોકળો સમાજ વ્યક્તિને પોતાનું જીવન પોતાની રીતે જીવવાની ઉમદા તક આપે છે. અમેરિકાનું આ એક મોટું આકર્ષણ છે.

અમેરિકાના આ આકર્ષણે અહીં સ્થાયી થયેલા મોટા ભાગના ભારતીયો અહીં બેઠાં પણ સ્વજનોને આર્થિક સહાય કરતા રહે છે. ઘણાંઓએ તો પોતાનાં આખાં ને આખાં કુટુંબોને અહીં બોલાવી લીધાં છે. આ કારણે અહીં ઘણાં સંયુક્ત કુટુંબો જોવા મળે છે. સાથે સાથે સંયુક્ત કુટુંબના બધા ફાયદા-ગેરફાયદા ઠેઠ અમેરિકા સુધી પહોંચેલા છે. તે ઉપરાંત વૃદ્ધ ભારતીય માબાપોને અમેરિકામાં પોષવાના આકરા પ્રશ્નો ઊભા થયા છે. અમેરિકાની ભૌગોલિક અને સામાજિક આબોહવામાં ભારતીય વૃદ્ધોને પોષવાં તે સહેલું કામ નથી.

જે લોકો પોતાનાં સ્વજનોને અહીં લાવી શક્યા નથી તેમનો કુટુંબવિરહ ઘણી વાર કપરો બને છે. ખાસ કરીને જન્મ, મરણ અને લગ્ન જેવા સામાજિક પ્રસંગોએ સ્વજનોની યાદ જરૂર આવે. વૃદ્ધ માબાપની પોતે સેવા કરી શકતા નથી તેનો ડંખ પણ જરૂર રહે છે. આ બધાં કારણે આ બેત્રણ વરસે દેશમાં જરૂર આંટો મારે છે. અને જાણે કે પોતે પોતાની કંઈક ફરજ અદા કરતા હોય એવો સંતોષ અનુભવે છે.

લઘુમતિ તરીકેની આશંકા

અહીં ઉછરતી પેઢીના સામાજિક અને સાંસ્કૃતિક ભવિષ્ય માટે પણ ભારતીયોને ઉપાધિ રહ્યા કરે છે. ઉછરતાં સંતાનો જીવનસાથી તરીકે કોને પસંદ કરશે? અને કેવી રીતે? એ જીવનસાથીની પસંદગીમાં માબાપ શો ભાગ ભજવી શકે? જાતીય સંબંધો, પ્રણય, લગ્ન અને છૂટાછેડા વગેરે વિશેના અમેરિકન ખ્યાલો અને વર્તન ભારતીયોને ખાસ કરીને ભારતીય સ્ત્રીઓને, જેમને ઘરે ઉંમરલાયક છોકરી હોય છે, બહુ અકળાવે છે. ઘણા લોકો ઉંમરલાયક સંતાનોને દેશમાં લઈ જઈ પરણાવવા પ્રયત્ન કરે છે. બીજાં લોકો ઓછામાં ઓછી એટલી તો અપેક્ષા જરૂર કરે છે કે પોતાનાં સંતાનો કોઈ ભારતીયને જ પરણે.

અહીં વસતા ભારતીયોને હમણાં તો અમેરિકાનાં ભૌતિક સુખ અને સુવિધાઓ જાણે કે સદી ગયાં છે. આ દેશનો મુક્ત સમાજ અને લઘુમતિઓના સંરક્ષણની ઉમદા પ્રથાઓ આપણા ભારતીયો માટે અત્યારે તો આશીર્વાદ સમા નીવડ્યાં છે, પરંતુ બહુમતિ પ્રજાના સામૂહિક માનસને બદલાતાં વાર નથી લાગતી. આર્થિક સંયોગો વધુ વણસે તો લઘુમતિઓને પહેલાં સહન કરવું પડે. ઈમિગ્રન્ટ્સ થકી જ ઘડાયેલા આ દેશમાં લઘુમતિઓ આ પ્રકારની આશંકાઓમાંથી ક્યારેય સર્વથા મુક્ત થતી જ નથી.

ઐતિહાસિક સત્ય

અન્ય વંશોની પ્રજાનો ઇતિહાસ એમ કહે છે કે અહીં વસતા ભારતીયોની ભવિષ્યની પેઢીઓ ભારતીય નહીં હોય પણ અમેરિકન હશે. એમના આચાર અને વિચાર, સંસ્કાર અને સંસ્કૃતિ, અસ્તિત્વ અને અસ્મિતા એ બધું અમેરિકન જ હશે. એનો અર્થ એ નથી કે એ પેઢીઓ ભારતીય સંસ્કૃતિને ભૂલી જશે. આજે જે રીતે અહીંની અન્ય વંશીય પ્રજા પોતાના પૂર્વજોનાં મૂળ શોધવા પૂર્વજોની જન્મભૂમિમાં યાત્રાએ જાય છે તેવી જ રીતે આ પેઢીઓ પણ ભારતીય સંસ્કૃતિ અને જીવન વિશે સંશોધન કરીને તેનું ગૌરવ કરશે. એ અમેરિકન પ્રજાનો ભારતીય સંસ્કૃતિ અને જીવન પ્રત્યેનો રસ તે ઐતિહાસિક સંશોધન અને પ્રદર્શનથી વધુ નહીં હોય. ધર્મ અને વાણીસ્વાતંત્ર્યના દેશમાં પોતાની સંસ્કૃતિ જાળવવાની છૂટ બધાને છે, પણ તે જાળવણી અહીં ઊછરતી ભારતીય પ્રજા અમેરિકન ઢબે અહીં યોગ્ય થઈ રહે તેવી જ રીતે કરશે.

દૂર દૂરથી વહી આવતી અનેક નદીઓ જેમ સમુદ્રને મળે છે તેમ દુનિયાને ખૂણેખૂણેથી અનેક વંશોની પ્રજાઓ અમેરિકામાં આવીને વસે છે. નદીના મુખ આગળ સમુદ્રનાં પાણી ભલે નદીનો રંગ બતાવે પરંતુ જેમ જેમ સમુદ્રમાં દૂર જઈએ તેમ બધું એકરસ થાય છે. એ પાણી નદીનાં મટીને સમુદ્રનાં બને છે. પહેલી પેઢીના ભારતીય ઈમિગ્રન્ટ્સ આજે નદીના મુખ આગળનાં પાણી સમા છે એટલે વિશિષ્ટતા—એમની ભારતીયતા—હજી સ્પષ્ટ દેખાય છે. પણ એમની ભવિષ્યની પેઢીઓ તો અમેરિકન મહાસમુદ્રમાં ક્યાંય એકાકાર થઈ ગઈ હશે. અન્ય વંશીય પ્રજાઓ આ રીતે જ ધીમે ધીમે અમેરિકન બની છે. અમેરિકીકરણના ઐતિહાસિક સત્યને આપણા અહીં સ્થાયી થઈને વસતા ભારતીયોએ નાછૂટકે સ્વીકારવું પડશે.