ઓખાહરણ/આખ્યાન : ઉદ્‌ભવ અને વિકાસ, પ્રેમાનંદ પૂર્વે

આખ્યાન : ઉદ્‌ભવ અને વિકાસ, પ્રેમાનંદ પૂર્વે

ભૂમિકા મધ્યકાલીન સાહિત્ય એ આપણો પ્રાચીન, ભવ્ય અમૂલ્ય અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો છે. અનેક શાંતિ-અશાંતિ તથા અસંખ્ય ઉથલપાથલોથી ભરેલું મધ્યકાલીન ગુજરાત આછા-પાતળા ધાર્મિક તાંતણાંથી જોડાયેલું હતું. ગુજરાતી પ્રજા વિશેષ સહિષ્ણુ હોવાથી અન્ય ધર્મો સાથે અનેક મતભેદો હોવા છતાં વિધર્મીઓના આક્રમણ સમયે સૌ ધર્મસંપ્રદાયો સાથે એકમત બનીને રહી. સર્વે સંપ્રદાયના લોકોએ પોતાની ધાર્મિક મર્યાદાઓમાં રહીને સ્વધર્મ પાળ્યો. જે સમયે પ્રજાના મનોરંજન માટે કોઈ સાધન ન હતું તેવા સમયે જૈનયુગમાં જૈનમુનિઓએ રાસ-રાસા, ફાગુ, પ્રબંધ, ચરિત્રકાવ્યો દ્વારા તો, જૈનેતર યુગમાં નરસિંહ, મીરાં, અખો, ભાલણ, પ્રમાનંદ, શામળ, દયારામ જેવા ભક્ત કવિઓએ પોતાનાં ધાર્મિક પદો, ભજનો, પ્રભાતિયાં, છાપાઓ, આખ્યાનો, પદ્યવાર્તાઓ કે ગરબીઓ દ્વારા પ્રજાજીવનની નસોમાં વહેતા ધાર્મિક સંસ્કારોને ચેતનવંતા રાખી પ્રજામાનસના ઘડતરમાં અમૂલ્ય યોગદાન આપ્યું હતું. મધ્યાકાળના મોટાભાગના કવિઓએ મૂળ રામાયણ, મહાભારત અને પુરાણોમાંથી પોતાની રચનાનું કથાવસ્તુ લઈને પોતાના સમયના લોહી-માંસ પૂર્યા કે જેથી તે સમયની પ્રજાને એ ‘પોતાનું’ સાહિત્ય હોય તેવો અનુભવ થયો. એમ સાહિત્યનો રસ ધર્મના બળથી જીવંત રાખી ગુજરાતી ભાષાને સાહિત્યક્ષમ બનાવી આ કવિઓએ પ્રજાનું સાંસ્કૃતિક ઘડતર કર્યું. મધ્યકાળમાં આખ્યાન કવિતાએ લોકમનોરંજનની સાથે-સાથે સમાજજીવનના ઘડતરનું કામ કર્યું. આ આખ્યાનની વિકાસયાત્રામાં તત્કાલીન માણભટ્ટોનું પ્રદાન પણ અમૂલ્ય રહ્યું છે. તેમણે તે અંધાધૂધીભર્યા સમયમાં ભોળી અને અબુધ પ્રજાના ધાર્મિક ભાવને પોષણ આપીને તેમના ભક્તિભાવને જીવંત રાખવાનું નોંધપાત્ર કામ કર્યું હતું. જો કેે, આખ્યાનસ્વરૂપનું બીજારોપણ તો નરસિંહયુગમાં થઈ ગયું હતું. પરંતુ એની સ્વરૂપગત ચુસ્તતા લગભગ સોળમી સદીમાં સ્પષ્ટ થઈ અને સત્તરમી સદીના પ્રેમાનંદે આ સ્વરૂપને સોળે કળાએ એવું ખીલવ્યું કે એની પ્રતિભાને આજસુધી અન્ય કોઈ આખ્યાનકાર સ્પર્શી શક્યો નથી.

આખ્યાન : નરસિંહથી નાકર આમ તો, નરસિંહ મહેતાની ‘સુદામાચરિત્ર’ કૃતિમાં સૌ પ્રથમ આખ્યાન સ્વરૂપનાં બીજ જોઈ શકાય. એને સંપૂર્ણપણે આખ્યાન રૂપે ન ગણી શકાય પણ તેની નજીકની કૃતિ અવશ્ય ગણી શકાય. ત્યાર બાદ વીરસિંહ અને જનાર્દનનું ‘ઉષાહરણ’, કર્મણનું ‘સીતાહરણ’ તેમજ માંડણની ‘રૂક્‌માંગદ કથા’ જેવી કૃતિઓમાં આ સ્વરૂપ સ્થિર થતું જણાય. પરંતુ આપણા સૌ પ્રથમ આખ્યાનકાર તો ભાલણને જ કહી શકાય. એનું ‘ચંડી આખ્યાન’ એ આપણું પ્રથમ આખ્યાન. એણે આખ્યાનને કડવાબદ્ધ ચુસ્તતા સાથે ચોક્કસ સ્વરૂપ આપ્યું તેથી તે ‘આખ્યાનનો પિતા’ કહેવાયો. એણે આપણી પુરાણકથાઓને સંપૂર્ણપણે વળગી રહીને ‘ચંડી આખ્યાન’, ‘મૃગી આખ્યાન’, ‘પદ્‌મપુરાણ’, ‘રામવિવાહ’, ‘નળાખ્યાન’, નેે ‘દશમસ્કંધ’ જેવી રચનાઓ આપી. ભાલણે પોતાનાં આખ્યાનોમાં પૌરાણિક પાત્રોનું ગૌરવ જાળવીને વિવિધ વર્ણનો દ્વારા પોતાની કાવ્યશક્તિનો પરિચય કરાવ્યો. રામાયણ-મહાભારત ઉપરથી આખ્યાનો રચવામાં કુશળ અને પ્રેમાનંદનો સબળ પુરોગામી કવિ નાકર આખ્યાનકાર ભાલણ અને પ્રેમાનંદની વચ્ચેની મહત્ત્વની કડીરૂપ સર્જક છે. રામાયણ અને મહાભારતને સૌ પ્રથમ કડવાબદ્ધ રીતે ગુજરાતીમાં ઉતારનાર નાકરે જૈમિનીના અશ્વમેધને આધારે ‘સુધન્વાખ્યાન’, ‘વીરવર્માનું આખ્યાન’, ‘ચંદ્રહાસાખ્યાન’, ‘લવકુશાખ્યાન’, તથા ‘મોર-ધ્વજાખ્યાન’, જેવી પાંચ કૃતિઓ ઉપરાંત ‘કર્ણઆખ્યાન’, ‘ઓખાહરણ’, ‘નળાખ્યાન’, ‘સગાળશા આખ્યાન’, ‘હરિશ્ચન્દ્રાખ્યાન’ અને કેટલી લઘુકૃતિઓ પણ આપી. તે સોળમી સદીનો નોંધપાત્ર આખ્યાનકાર કહેવાયો. માનવસ્વભાવની સૂક્ષ્મતાના જાણતલ નાકરે વસ્તુસંકલના, વર્ણનકળા, સંવાદકળા, રસનિરૂપણ તેમજ અલંકાર સમૃદ્ધિમાં નોંધપાત્ર સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ભાલણના કડવાબંધને નાકરે યોગ્ય ચુસ્તતા આપી, પોતાની મૌલિક કાવ્યશક્તિનો સુંદર પરિચય કરાવ્યો છે. નાકરના સમકાલીન કવિઓમાં જાવડે ‘મૃગીસંવાદ’માં શિવરાત્રીની કથા વણી લીધી છે, તો કવિ ચતુર્ભુજે ‘ભ્રમરગીતા રચી. કેશવદાસ કાયસ્થે સાતેક હજાર પંક્તિની ‘રાધા કૃષ્ણલીલા’ની પૌરાણિક કથા માટે ‘આખ્યાન’-શબ્દ પ્રયોજ્યો છે. પરંતુ આ સમયમાં કવિ વજિયાએ રામાયણ આધારિત ‘સીતાસંદેશ’, ‘સીતાવેલ’ તથા ‘રણજંગ’ જેવી કૃતિઓ આપીને ધ્યાન ખેંચ્યું છે. તો વજિયાના સમકાલીન માંગુ એ ‘અશ્વમેધ’ અને સુરદાસે ‘પ્રહલાદખ્યાન’, ‘ધ્રુવાખ્યાન’ ઉપરાંત ‘સગાળશાની કથા’ આપી છે.

નાકર પછી નાકર પછીના ધ્યાનપાત્ર આખ્યાનકારોમાં ખંભાતનો વિષ્ણદાસ કવિ નોંધપાત્ર છે. તેણે રામાયણના છ કાંડ અને મહાભારતનાં પંદર પર્વોના સારાનુવાદ ઉપરાંત ‘ચંડીઆખ્યાન’, ‘ચંદ્રાહાસાખ્યાન’, ‘અંબરિષાખ્યાન’, ‘અનુશાલ્યનું આખ્યાન’, ‘નીલધ્વજનું આખ્યાન’, ‘રૂકમાંગદ આખ્યાન’ અને ‘કુંવરબાઈનું મોસાળું’ જેવી આડત્રીસ રચનાઓ આપી છે તેણે પોતાનાં આખ્યાનો દ્વારા તત્કાલીન જનસમાજની ધાર્મિક અને સંસ્કાર-સેવા બજાવી પરન્તુ આખ્યાનકાર તરીકે નાકરની શ્રેષ્ઠતાને સ્પર્શી ન શક્યો. પરંતુ ‘મોસાળું’ એની મહત્વની રચના બની. કવિ મંગલ માટે વિદ્વાનો કૃતપ્રયત્ન-કવિ-આખ્યાનકાર શબ્દનો પ્રયોગ કરે છે. કવિ મેગલે ‘ધ્રુવાખ્યાન’માં ભાગવતકથાનું અનુસરણ કર્યું છે. ‘નચિકેતાખ્યાન’માં તેના જન્મથી માંડીને યમપુરી સુધીની જીવનપાત્રા સુધીનું આલેખન છે. આ સિવાય ‘જાલંધરઆખ્યાન’ અને ‘રાજા પરિક્ષિતનું આખ્યાન’ નામની બે અન્ય સામાન્ય કૃતિઓ પણ આપી છે. ત્યારબાદ ખંભાતના હરિદાસ વાળંદે ‘ધ્રુવાખ્યાન’, મહેમદાવાદના કવિ લક્ષ્મીદાસે ‘ગજેન્દ્રમોક્ષ’, ‘ચંદ્રહાસાખ્યાન’, અને ‘દશમસ્કંધ’ જેવી રચનાઓ આપી છે. પરંતુ સત્તરમી સદીમાં ખંભાતના કાશીસુત શેઘજી બંધારાને કવિ નાકરની હરોળમાં મૂકી શકાય. તેણે ‘રૂક્‌મિણિહરણ’, ‘વિરાટપર્વ’, ‘હનુમાનચરિત્ર’ જેવી આઠેક નોંધપાત્ર આખ્યાનરચનાઓ આપી છે. કવિ હીરાસુત કહાને ચોત્રીસ કડવાનું ‘ઓખાહરણ’ રચ્યું તો કવિ દેવીદાસ ગાંધર્વે ‘રૂકમણિહરણ’ નામની ત્રીસ કડવાની યશોદાયી અને લોકપ્રિય રચના આપી. આ જ સમયમાં ગુજરાતી ઉપરાંત સંસ્કૃત, મરાઠી, અરબી અને ફારસી ભાષાનું જ્ઞાન ધરાવનાર કવિ ભગવાનદાસ કાયસ્થે ‘શ્રીમદ્‌ ભગવદ્‌ગીતા’, ભાગવતનો દશમસ્કંધ ‘કુલગીતા’ અને ‘સુદામાચરિત્ર’ જેવી રચનાઓ હિન્દીમાં આપી છે. ગુજરાતી ભાષાને ‘ગુર્જર ભાષા’ એવું નામાભિધાન કરનાર પાટણનો વિશ્વનાથ જાની આખ્યાનક્ષેત્રે ભાલણ પછીનો મહત્ત્વનો સર્જક છે. નરસિંહ મહેતાના જીવનપ્રસંગ ઉપર આધારિત ‘મોસાળચરિત્ર’ નામની સાતસો આઠ પંક્તિની કાવ્યરચના આપનાર વિશ્વનાથ સત્તરમા સૈકાનો સંખ્યા અને ગુણવત્તાની દૃષ્ટિએ ચડિયાતો કવિ છે. શેઠ સગાળશા અને ચેલૈયાની લોકકથાને તેણે ‘સગાળચરિત્ર’ નામે ૨૩ કડવામાં ભાવસભર ગૂંથી છે. તેની ચાલીસ પદોની ‘ચતુરચાલીશી’ શૃંગારસભર મધુર રચના છે. ભાગવતના દશમસ્કંધ આધારિત ‘પ્રેમપચીશી’ તથા ‘ઉધ્ધવસંદેશ’ એની નિર્ગુણ-નિરાકાર ભક્તિ કરતાં સાકાર પ્રેમલક્ષણા ભક્તિની મહત્તા દર્શાવતી લાક્ષણિક રચનાઓ છે. મધ્યકાળનો ‘આખ્યાનશિરોમીણ’ રૂપે ઓળખાતો કવિ પ્રેમાનંદ તેના સર્જનની ગુણવત્તા અને સંખ્યાની દૃષ્ટિએ અતિ મહત્વનો સર્જક ગણી શકાય. તેણે ‘ચંદ્રહાસાખ્યાન’,‘ઓખાહરણ’, ‘હુંડી’, ‘અભિમન્યુઆખ્યાન’, ‘સુદામાચરિત્ર’, ‘મામેરૂં’, ‘શ્રાદ્ધ’, ‘નળાખ્યાન’, ‘રણયજ્ઞ’, ‘સુધન્વાખ્યાન’, ‘દશમસ્કંધ’, ‘દાણલીલા’, ‘બાળલીલા’, ‘શામળશાનો વિવાહ’, ‘ભ્રમરપચીશી’, ‘રૂકમણિહરણ’, અને ‘મદાલસાખ્યાન’ જેવી અનેક આખ્યાન રચનાઓ આપી છે. પાત્રનિરૂપણમાં અજોડ એવા પ્રેમાનંદની કથનકળા અદ્વિતીય અને કાવ્યત્વપૂર્ણ હતી. માનવજીવન, જનસ્વભાવ અને લોકરૂચિનો સૂક્ષ્મ જાણકાર એવો પ્રેમાનંદ વર્ણનકલા અને રસનિરૂપણમાં પણ અત્યંત કુશળ હતો. એ દૃષ્ટિએ મધ્યકાળનું ગુજરાતી ભાષા સાહિત્ય એનાં આખ્યાનો વડે ચોક્કસ સમૃધ્ધ અને ધન્ય બન્યું છે. અને તેથી પ્રેમાનંદ આપણો સૌથી વધુ ગુજરાતી, લોકપ્રિય આખ્યાનકાર અને કવિશિરોમણિ હતો. એમાં કોઈ શંકાને સ્થાન નથી. – હૃષીકેશ રાવલ