ઓખાહરણ/કડવું ૪

કડવું ૪

[ ઓખાની તપસ્યાથી પ્રસન્ન થયેલાં પાર્વતી એક જ વર સાથે ત્રણવાર લગ્ન થવાનું વરદાન આપે છે, બીજી બાજુ બાણાસુરને મૃત્યુની ચિંતા સતાવતાં તે દીકરીની હત્યા કરવાનું વિચારે છે પરન્તુ નારદ મુનિની સલાહથી દીકરીને આજીવન કુંવારી રાખવા તેની સખી ચિત્રલેખા સાથે તેને એકદંડિયા[1] કેદ કરે છે. ]

રાગ દેશાખ

ઋષિ કહે, રાય! સુણો અનુભવી, એ કથા મધ્યે થઈ બીજી નવી;
બાણાસુર વર પામી વળ્યો, એક દિવસ મૃગયાને પળ્યો ૧

ગંગા નાહવા આવ્યાં ઉમિયામાત, ઓખા-ચિત્રલેખાએ જાણી વાત,
સંગે લીધી સહસ્ર સખી, બાંધી આયુધ અબળા અંગરખી. ૨

મદન-ઘેલડી બંને જતી, થઈ છે ભાગ્ય-ઉદયની રતી,
જઈ નમિયાં પાર્વતીને પાય, મસ્તક મેલ્યો કર ઉમિયાય. ૩

લીધું ચરણામૃત અંજલિ ભરી, ષોડશ પ્રકારે પૂજા કરી,
કુસુમહાર ધરતી, અગરુ-ધૂપે કીધી આરતી. ૪

પૂજી-કરીને લાગ્યાં પાય, વદે દેવી, ‘કન્યા! વર માગ્ય,’
કન્યા કહે, ‘કંદર્પ ક્રોડ, એવા વરની પામું જોડ.’ ૫

ઉમિયા કહે, ‘માગ બીજી વાર,’ તોહે માગ્યો એ ભરથાર.
ત્રીજી વાર કહ્યું, ‘માગ રે ફરી’, ‘આપો સુંદર વર’ એમ ઓચરી. ૬

દેવી કહે, ‘વરદાન હશે ખરાં, જા કન્યા! પરણીશ ત્રણ વરાં.’
ઓખા કહે, ‘હો મારી માત! ત્રણ નાથ એ મહા ઉત્પાત. ૭

મેં પૂજ્યાનું શું સારથ? લોકમાં થાયે હસારથ[2].’
વદે દેવી, ‘ટાળું સંદેહ, ત્રણ વાર પરણીશ તેનો તેહ. ૮

શુભ સ્વામી તું પામીશ તરત, જે કરજે અલૂણું વરત.’
કુંવરી કહે ‘કંથનું કેમ જાણ? વ્રત કીધાનું શું એંધાણ?’ ૯

દેવી કહે, ‘એની ચિંતા કશી? જોજે ચૈત્ર સુદિ દ્વાદશી.
ભોગવીશ અંગ તું સ્વામી તણું, તુંને મધરાતે આવશે સમણું; ૧૦

તુજને વ્રેહ ઘણો વ્યાપશે, ચિત્રલેહા નાથ આણી આપશે.’
ગયાં ઉમિયા એવું કહી, ઓખા પધાર્યા મંદિર મહીં. ૧૧

મૃગયા રમીને આવ્યો તાત, પુત્રી વર પામ્યાની જાણી વાત,
ચિંતા ચિત્તમાં થઈ છે ઉદે, ભય-દાવાનળ પ્રગટ્યો હૃદે; ૧૨

વિચાર કીધો . અંતરમાં ઘણો : ‘વડસસરો જે તનયા તણો,
તે સગાઈને કાંઈ નવ ગણે, નિશ્ચે મારા ભુજને હણે; ૧૩

પુત્રી વૃદ્ધપણું પાળે શુંય? – માટે ઓખાને મારું હુંય;
જ્યારે નાશ પામે ઓખાબાઈ, ત્યારે નહિ આવે વહેવાઈ-જમાઈ; ૧૪

વહેવાઈ હોય તો છેદે પાણ[3], માટે ઓખાને મારું નિર્વાણ.’
જેવે પુત્રીને હણવા જાય એવે આવ્યા નારદ ઋષિરાય. ૧૫

નારદ કહે, ‘રાય! ખડ્‌ગને ધરી, ક્યાં ચાલ્યા તમે ક્રોધ કરી?’
બાણાસુરે કહી માંડી વાત, ‘જાઉં છું પુત્રીની કરવા ઘાત. ૧૬

એનો વડસસરો થાશે જેહ, મારા ભુજને હણશે તેહ;
તે માટે મારું એહને, પછી વહેવાઈ-વર ક્યહાં તેહને? ૧૭

ઋષિ કહે, ‘સાંભળો ભૂપાળ! શું કરે કુંવરી, નાનું બાળ
તુજને લાગશે બાળહત્યાય, તે માટે કર્યો એક ઉપાય; ૧૮


આપા પુત્રી હણીએ કાંય? રાખ કુંવારી, પરણાવીશ નાય.
નહિ આવે જમાઈ-વહેવાઈ કોય, પછે તારે શી ચિંતા હોય?’ ૧૯

નારદ એવું કહી, બાણે પુત્રી મારી નહિ;
નવા ઘરનો માંડ્યો આરંભ, ચણાવ્યો નિવાસ, એક જ સ્થંભ. ૨૦

ઢાળ્યું સીસું દૈત્યનરેશ, નવ થાયે પવન તણો પ્રવેશઃ
દશ સહસ્ર મૂક્યા રખવાળ, તે ઉપર ચડાવી બાળ. ૨૧

પાસે મૂકી બાળ-સનેહા, વિધાત્રી નામે ચિત્રલેહા.
કન્યાને જોઈએ અન્ન, વસ્ત્ર ને પાણી, તે લે દોરડીએ ઉપર તાણી. ૨૨

સંગે સખી, રહે મનમોદ[4]; ખાય, પીએ ને કરે વિનોદ
ઊપજે કામ, મન દૃઢ રાખતી, ઘણે દોહિલે દિવસ નાખતી. ૨૩

વલણ
દિવસ નાખતી દોહિલે, સાંભળો, પરીક્ષિત ભૂપ રે!
એમ કરતાં ઓખાને આવ્યું વર વરવાનું રૂપ રે. ૨૪



  1. એકદંડિયો-એકથાંભલાવાળો
  2. હસારથ-હાસ્યનું પાત્ર
  3. પાણ-પાણિ-હાથ
  4. મનમોદ-ખુશમિજાજી