કંદમૂળ/ઓક્લેન્ડ

ઓક્લેન્ડ

પાછળ છૂટી ગયેલું એ શહેર
હજી પણ જીવી રહ્યું છે
મારી સાથે,
એક નવા દેશમાં, આ નવા શહેરમાં.
મને યાદ આવે છે,
ત્યાં મેં ઓળંગ્યા હતા એ ચાર રસ્તા.
એ ચાર રસ્તા પર સિગ્નલ પાસે એક ટાવર હતું.
એ ઘડિયાળના મોટા કાંટા
અહીં હું મારી કાંડાઘડિયાળમાં
આ દેશનો સમય સેટ કરતી હોઉં છું ત્યારે
નજર સામે એવા તરવરે છે જાણે
એકએક ક્ષણનો હિસાબ માંગતા હોય.
અહીંની બજારમાંથી ફળો ખરીદતી વખતે
મારા મોંમાં હોય છે
ત્યાં ઘરની પાછળ ઊગતાં હતાં તે
બહારથી સોનેરી અને અંદરથી લીલાં,
ખરબચડાં, ખાટાં ફળોનો સ્વાદ.
અહીંની સવાર પર
ઝળબૂંબતી રહે છે ત્યાંની બપોર.
અહીંની ઇમારતોમાં જીવતા રહે છે ત્યાંના લોકો.
અને પછી તો,
ત્યાંના પાર્કમાં અહીંનો તડકો...
અહીના પાસપોર્ટમાં ત્યાંનું એડ્રેસ...
ત્યાંના બત્તીના બિલમાં અહીંનો ચેક...
અહીંના સિનેમાહૉલમાં ત્યાંની ટિકિટ...
બે શહેર
સેળભેળ થતાં, છૂટાં પડતાં, ફરી એક થતાં,
અંતે સાવ ખોવાઈ જતાં,
ટકી રહે છે મારી ભીતર.
આ શહેરના રસ્તાઓ પર
પેલા શહેરની નંબરપ્લેટવાળાં વાહનો દોડતાં રહે છે.
સ્પીડ કૅમેરામાં પકડાઈ જઉં ત્યારે
દંડ ભરતી વખતે.
મનમાં સવાલ ઊઠે,
આ પૈસા કયા દેશના?
ક્યાં જઈ રહી હતી હું આટલી ઝડપે?
આ ઘડીએ,
કયા સમયને સાચો માની રહી હતી હું?
એ ટાવર ક્લૉકના કે આ કાંડાઘડિયાળના?

(ઓકલેન્ડ એ ન્યૂઝીલેન્ડનું એક મહાનગર.)