કંદમૂળ/જંગલી કમળ
ઘરડો થઈ રહેલો એ કાચબો મને ગમે છે.
હું ઘણી વાર એ સરોવરના કાંઠે જઈને બેસું છું
મોટાં જંગલી કમળ તેમાં ખીલેલાં હોય છે.
અને એ કમળોનાં મસમોટાં પાન નીચે
અજાણ્યા, અશક્ત પાણી
સ્થિર સૂતાં હોય છે.
સરોવરના કિનારે ઊગેલું ઘાસ કાપીને
મેં એક નાનો રસ્તો બનાવ્યો છે.
એ વૃદ્ધ કાચબો
એ રસ્તે થઈને આવે છે મારી પાસે.
પતિની જેમ
પાસે બેસીને સાંભળે છે મને.
હું એની સામે
મારાં કેટલાંયે રહસ્યો ખોલું છું.
કોઈ લાંબી રાત જેવી અભેદ્ય ઢાલ નીચે
એનું સુંવાળું શરીર સળવળે છે.
સવારે એ પાછો સરકી જાય છે સરોવરમાં.
એ પાણીમાં રહે છે,
હું પાણીની બહાર.
અમારી વચ્ચે છવાયેલાં રહે છે
વિશાળ, રંગબેરંગી, જંગલી કમળ.
એ કમળોનાં મસમોટાં પાન,
પાણી પર છવાયેલાં
અને પાણીથી નિઃસ્પૃહ,
મને કહેતાં હોય છે,
મારી તમામ વાતો સલામત છે,
આ અજાણ્યા, અશક્ત પાણીમાં.