કંદમૂળ/નદી, ઉન્માદી
મારા ઘરની પછીતે
વહે છે એક નદી,
સતત, ખળખળ.
એ ક્યાંથી ઉદભવે છે, ક્યાં વિરમે છે,
ક્યાં લુપ્ત થાય છે, ક્યાં પુનઃજીવિત થાય છે...
હું નથી જાણતી.
પણ હું જાણું છું કે મારા ઘરની પાછળ,
છે એક નદી.
એનાં પાણીમાં તરતાં હશે નાનકડાં સાપોલિયાં,
એના કિનારે કૂદાકૂદ કરતાં હશે દેડકાં,
એના અંધકારમાં રતિક્રીડા કરતાં હશે વૃક્ષો...
હું ક્યારેય જતી નથી
એ નદી તરફ,
ને તેમ છતાં,
એના તટ પરની દરેક ગતિવિધિ જાણીતી છે મને.
મારા અસ્ખલિત વિચારો
ભળી ગયા છે એ નદીના વહેણમાં
અને એ નદી પૂર્ણપણે પ્રવેશી ચૂકી છે મારામાં.
હું ગાંડીતૂર, ઉન્માદી,
તમામ પાશથી મુક્ત,
તાણી જઈ રહી છું મને.