કંદમૂળ/પૂર ઓસર્યા પછીનાં પાણી

પૂર ઓસર્યા પછીનાં પાણી

હજી થોડી વાર પહેલાં જ
આ પાણી
ઘૂસી ગયાં હતાં લોકોનાં ઘરોમાં.
ફરી વળ્યાં હતાં ખાનગી પત્રોમાં,
ને તાળું મારેલી તિજોરીઓમાં.
કોઈ ભેદી તાકાતથી
આ પાણીએ
રફેદફે કરી દીધેલું
લોકોનું કીમતી રાચરચીલું
અને વેરવિખેર કરી દીધેલી
શિસ્તબદ્ધ જિંદગીઓ
ને ભાંગીને ભુક્કો કરી દીધેલા સુગઠિત સંબંધો.
પણ હવે, કોઈ ગુનેગારની માફક
ઊભાં છે આ પાણી,
પગના અંગૂઠાથી જમીન ખોતરતાં.
પસ્તાવાથી ઝૂકેલી આંખો
અને મણભરનું મૌન.
ડહોળાયેલાં પણ શાંત આ પાણી હવે
અચરજભરી નજરે તાકી રહ્યાં છે,
પોતે ઢસડી લાવ્યાં એ પારકી ચીજવસ્તુઓને.
આ ઘરેણાં, આ વસ્ત્રો, આ બાળકો...
શું કરવું હવે એમનું?
કીમતી વસ્ત્રો અને અલંકાર ધારણ કરીને
સજીધજીને બહાર નીકળતી નદીને જુઓ
ત્યારે યાદ રાખજો,
કે એના તળિયે,
કોહવાઈ ગયેલાં પાંદડાં નીચે.
સૂતેલાં છે કંઈ કેટલાયે,
જન્મેલાં,
અને
ન જન્મેલાં બાળકો.