કંદમૂળ/બંદીવાન તડકો

બંદીવાન તડકો

વર્ષો જૂની એ ઇમારત પર
ઐતિહાસિક તડકો પથરાયેલો છે.
એ ઇમારત કોણે બંધાવી, શા માટે બંધાવી,
તેના સ્થાપત્યની શૈલી કઈ,
તે કંઈ જ જાણવામાં મને રસ નથી.
પણ આ તડકો આજે હજી સુધી કેમ અહીં છે
તે વિચાર મને સતાવે છે.
રોજ તો આ સમયે
તડકો
આ ઇમારતના પેલા ખૂણા પાસેથી ઓસરી ગયો હોય છે.
આ સમયે એટલે કયા સમયે?
મેં છેલ્લે ક્યારે જોયો હતો આ તડકો?
હું ક્યારેય પણ ક્યાંયથી પણ
પાછી વળતી હોઉં ત્યારે
આ ઇમારત પાસેથી પસાર થતી વેળા
જરૂર જોતી
કે તેના કયા ખૂણે, કઈ બારીએ,
ભીતના કયા વળાંકે,
ક્યારે, કેટલો તડકો પથરાયેલો હોય છે
અને ક્યાં તેનો પડછાયો હોય છે.
સમય તો ત્યારે હોતો જ નહીં.
સમય તો જાણે
મનના કોઈ ખૂણે કેદ.
હું ઓળખું માત્ર તડકાને.
તડકામાં ઝાંખા થઈ ગયેલા
આ ઇમારતના પથ્થરો,
એ પથ્થરોની તિરાડોમાં તડકાનું ભરાવું,
પથ્થરનું ખરવું, તડકાનું વેરાવું,
એ ઇમારતનું અહીં હોવું,
મારું અહીંથી પસાર થવું
આ તમામને એક અલિપ્ત અર્થ છે.
એટલે જ સ્તો,
આજે કેમ હજી સુધી અહીં છે આ તડકો?
પડછાયાની આ કેવી નવી પ્રથા?
શું મારા હાથમાંથી સરી રહી છે
સમય પરની સત્તા?
પડછાયાના પ્રદેશમાં
એકલા અસહાય તડકાને
હું જોઈ રહી છું, બંદીવાન.