કંદરા/કરોડરજ્જુ

કરોડરજ્જુ

મને યાદ આવે છે એ ઘરની.
જ્યાં હું ખૂબ જીવી હતી ક્યારેક.
મારા પતિ હવે હયાત નથી.
પણ એમણે ગૂંથેલાં સુંદર જાળાંઓમાં રહેતા
કરોળિયાઓ હજી જીવે છે ત્યાં.
ધૂળથી લથબથ, એ ઘરને સાફ કરવું છે.
ભીનું પોતું લઈને એ ફર્શને ચમકતી કરવી છે.
મારો ચહેરો જોવો છે એમાં.
અને એ ચહેરાની બાજુમાં સૂતેલી
એમની મજબૂત ભરાવદાર પીઠ જોવી છે.
મને શ્રદ્ધા છે,
આવતા જન્મમાં એ મારા પતિ હશે.
અને હું એમની પત્ની.
પણ હું ઓળખીશ એમને?
કે એ ઓળખશે મને?
કેવી રીતે?
નહીં, હું તો અત્યારે જ એમના હાડપિંજરમાં
માંસ-પેશીઓ-લોહી ભરીને એમને જીવતા કરીશ.
મારા પ્રિયતમ!
‘જીવ'ના બધા જ અવતારોમાં હું તમને કલ્પી રહી છું.
જમીન પર સૂતેલા શિવની પીઠ પર
પાર્વતી નૃત્ય કરી રહી છે.
મને પણ તમારી કરોડરજ્જુ પર ચાલવું છે.
તમે આવો.
આપણાં ઘરનાં બારી-બારણાં ખોલો.
આપણા પાળેલા કરોળિયાઓની લાળ ચાખો.
તમે આવો.