કંસારા બજાર/આયામ

આયામ

સમયનો આયામ
વિસ્તરીને પડ્યો છે, આપણી વચ્ચે.
તું મને જીવનની ઉત્કટતાથી ઝંખે છે
અને હું મૃત્યુથી આકર્ષાઈને
તારી પાસે આવવા માગું છું.
હું રાહ જોઉ છું
તારી ભડકે બળતી ચિતા જોવાની.
સ્મશાનમાંથી પાછી આવીને
હું ફરી થોડું જીવીશ.
તારી ચિતામાં ઝંપલાવ્યા વિના જ
મારી ચામડી પર ઊઠી આવશે.
દાઝવાનાં નિશાન.
શિશુની કુમળી ત્વચા લઈને તું ફરી જન્મશે
અને પ્રેમ કરશે એક દાઝેલી ત્વચાવાળી સ્ત્રીને.
આપણે નિયતિનાં સંતાનો છીએ.
સમયનો આયામ ભલે રહેતો આપણી વચ્ચે.