કંસારા બજાર/આરસપુરષ
સજીવન થઈ જાય એ બીકથી
ક્યારેય અડતી નથી એ પુરુષના શિલ્પને.
પણ મને ખબર છે
એના ગુપ્ત જાતીય જીવનની.
સંગેમરમરના મહેલમાં કેદ એક રાણીની પાસે
એને જવું પડે છે, વાનર બનીને.
રાણી એને ભોગવે છે, એક અનંત રાત સુધી.
રોજ તે આ પુરુષને કોઈ નવી કલાકૃતિમાં ઢાળે છે.
ગઈ કાલે જ મેં એને જોયો હતો.
ગ્રીસના એક ચિત્રમાં.
સુદઢ શરીરવાળો એક યુવાન
શરબતના ગ્લાસ હાથમાં લઈ
ગુલામ બનીને ઝૂકીને ઊભો હતો.
હું જાણું છું,
આરસ પુરુષના શિલ્પમાં
અદલ એ ગુલામ જેવા જ સ્નાયુઓ છે.
અને ચહેરા પર એવો જ થાક છે.