કંસારા બજાર/ઋતુપ્રવાસ

ઋતુપ્રવાસ

રેતીના ઢગમાં બચ્ચાંઓને જન્મ આપીને
કાચબી પાછી જતી રહી છે, દરિયામાં.
નાનકડાં બચ્ચાં હવે દોડી રહ્યાં છે દરિયા તરફ
અને દરિયો ખસી રહ્યો છે, આઘો ને આઘો.
બચ્ચાંઓ જાણે નહીં,
કોને કહેવાય ભરતી, ને કોને કહેવાય ઓટ.
પણ આવી ઓટ તો નથી જોઈ
મછેરાઓએ પણ.
દરિયો જો આમ હાલી નીકળે તો શું થાય?
સ્થળાંતર કરી રહેલા દરિયાની પાછળ
દોડી રહી છે માછલીઓ.
અને મરજીવાઓની આંખો સ્તબ્ધ છે,
ખુલ્લા પડી ગયેલા રત્નોના ઝગમગાટથી
દરિયામાં તરી રહેલા કાચબા
નથી ઓળખી શક્તા હવે
દરિયામાં ભળેલા નવા પાણીના પ્રવાહોને.
આ કયા ઋતુપ્રવાસે નીકળ્યો છે દરિયો?
શું કાચબીનાં બચ્ચાં આંતરી શકશે દરિયાને?
જોકે, આ તો ખાલી એક સવાલ,
બાકી, અહીં ક્યારેક દરિયો હતો.
અહીં ક્યારેક કાચબાઓની સ્મશાનભૂમિ હતી.
અહીં ક્યારેક,
એવા દસ્તાવેજ ઘણા છે મારી પાસે.
પણ ક્યારેક અમસ્તા જ
કોઈ સવાલ કરવાનું મન થાય
ત્યારે હું પૂછું છું,
પેલા રઝળતા કાચબીના બચ્ચાઓની જેમ,
કે તમે ભાળ્યો ક્યાંય દરિયાને?
અને દરિયાનો રેતાળ પટ ચૂપ થઈ જાય છે.