કંસારા બજાર/લાળના હીંચકેથી
ગોળ ગોળ ઘૂમી રહ્યો છે કરોળિયો.
કેમ આજે નથી બંધાતું જાળું ?
ઝૂલી રહ્યો છે, કરોળિયો, લાળના હીંચકા પર.
કોના માટે બાંધવું નવું જાળું?
ગબડી પડ્યો છે, કરોળિયો.
શરીરમાંથી વહી ગયું છે બધું ઝેર
ઝેરના ચાખનારા હતા કોઈ કે હવે આવશે?
સુંદર જાળાની મહેલાત છોડીને, ખુલ્લા તડકામાં
ચાલી નીકળ્યો છે, કરોળિયો,
ખડક ને ખંડેરની બહાર,
કોઈ જાળું હવે એને રોકી શકે તેમ નથી.
લાળ વગરના ખાલી શરીરવાળો, કરોળિયો.
અશરીર, જઈ રહ્યો છે, ક્યાં?