કંસારા બજાર/લીલો દુકાળ
ખેતરોમાં પગ સમાણાં પાણી છે.
ખેડૂતોએ ખેતરોમાં વેરેલાં બીજ
જાણે આંખોમાંથી ઊગી નીકળ્યાં હોય તેમ
જ્યાં જુઓ ત્યાં લીલા છોડ છે.
પાણીને પચાવી ન શકવા છતાં,
બેબાકળા, ઊભા છે હજી છોડ,
ખેતરમાં તરી રહ્યાં છે, સાપ ને ઇયળ
- જીવતાં કે મૂઆં, શું ખબર.
ખેડૂતોની ઓસરીમાં ખડકાયેલા ધાનના ઢગ
વહી નીકળ્યા છે ઘર બહાર
ખેતરોમાં પાક નષ્ટ કરવા આવ્યા હતા.
એ ઝેરી કીટક, હવે સાંભળી રહ્યા છે
ત્રાજવામાં તોલાઈ રહેલા
ડૂસકા ભરતા લણણીના ગીતને.
વજનદાર, ખાલી મણની ચુપકીદી
સર્વત્ર છવાયેલી છે,
કહે છે કે લીલોદુકાળ છે આ.