કંસારા બજાર/સંવાદ

સંવાદ

તૂટી ગયેલી,
કાચની એક શીશીના રંગીન ટુકડા ભેગા કરતાં
આંખો લોહીલુહાણ થઈ હતી.
ફાટેલાં કપડાં સાંધતાં
આંખો જીર્ણ થઈ હતી.
ધુમ્મસમાં નજર લંબાવતાં
આંખોમાં પાણી નીકળ્યાં હતાં
એક સાંજે, તને ન જોઈને
તારા ઘરનાં પગથિયાં પરથી
આંખો ઘસાઈને નીચે પડી ગઈ હતી.
ક્યારેક તારી રાહમાં
ઊંઘમાં પણ ખુલ્લી રહી જતી હતી આંખો.
આપણે ફરતાં રહેતાં અજાણ્યા પ્રદેશોમાં,
આંખોને શી ખબર, શું સાચું ને શું સપનું?
એવું લાગે છે,
આંખોની કીકીઓ ખૂબ લાંબે સુધી ફરીને
હવે પાછી ઠરીઠામ થઈ છે,
આંખોમાં હવે શાંતિ પથરાઈ છે.
દૂરનું અને નજીકનું બધું બરાબર દેખાય છે.
બોલ, તૂટી ગયેલો એ સંવાદ
હવે ફરી ક્યાંથી શરૂ કરું?
બર્ફીલા પહાડો સાથે અથડાઈને આવેલી આ આંખો
હવે તારા ઘરની દીવાલોના
સ્નો-વ્હાઇટ રંગ વચ્ચે રહી શકશે.